• શનિવાર, 27 જુલાઈ, 2024

ચાબહાર બંદરના ભારત અને ઇરાન વચ્ચે ઐતિહાસિક કરાર

ભારતે આખરે ઇરાનના ચાબહાર બંદરને દસ વર્ષ માટે લીઝ  પર લેવાનો ઐતિહાસિક કરાર કરીને મોટી વ્યૂહાત્મક અને વેપારી સફળતા અંકિત કરી છે. ચીની ઇરાદાને પરાસ્ત કરીને મળેલી સફળતાથી ભારતના અફઘાનિસ્તાન, ઇરાન, યુરોપ અને મધ્ય એશિયાના દેશો સુધીના દરિયાઇ વ્યવહારને નવું બળ મળશે. આવનારા દિવસોમાં અમેરિકા ઇરાન સામેના તેના પ્રતિબંધોમાં કરારને આવરી લઇને ભારતને નિશાન બનાવે એવી આશંકા, છતાં ચીન અને પાકિસ્તાનના બેવડા પડકારને પહોંચી વળવાની દૃષ્ટિએ મહત્ત્વનો હોવાનું વાશિંગ્ટન સમજી શકશે એવી અપેક્ષા પણ વ્યક્ત થઇ રહી છે.પાકિસ્તાનનાં ગ્વાદર બંદરને બાયપાસ કરીને કંડલા અને મુંબઇથી દરિયાઇ વેપારનો માર્ગ હવે ચાબહાર થઇને સીધો સંખ્યાબંધ દેશોને આંબી શકશે એવો દસ વર્ષનો કરાર સ્વાભાવિક રીતે ચીનને ગળે ઉતરશે નહીં વાત નક્કી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે તહેરાનમાં ભારતના દરિયાઇ પરિવહન મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં કરાર થયો છે. કરાર હેઠળ ચાબહારના શાહિદ બહેશ્તી બંદરનાં ટર્મિનલોનું સંચાલન ભારતને લીઝ પર સોંપાશે. ભારતને કોઇ વિદેશનાં બંદરના લીઝ સહિતના તમામ અધિકાર મળ્યા હોય એવો પ્રથમ કરાર છે. આમ તો બલુચિસ્તાનની નજીક આવેલાં ચાબહાર બંદરને ભારત અને ઇરાન લાંબા સમયથી સાથે મળીને વિકસાવી રહ્યાં છે. ભારતે કરાર મુજબ ચાલુ નાણાકીય વર્ષ માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ બંદરના વિકાસ માટે 12 કરોડ ડોલરનો ખર્ચ કરવાની છે. છેક 23મી મે 2016ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાબહાર અંગેનો કરાર ઇરાનની સાથે કર્યો હતો. ત્યારથી ભારત બંદરના વિકાસમાં ઇરાનની સાથે જોડાયું હતું. તે પછી વખતો વખત બંદરમાં ભારતની ભૂમિકા વધારવા અંગે ઇરાનની સાથે વિવિધ સ્તરે ચર્ચાઓ થતી રહી હતી,  પણ અમેરિકાએ ઇરાનની ઉપર વ્યાપક પ્રતિબંધો લાદતાં ભારત પર સ્વાભાવિક રીતે દબાણ આવ્યું હતું. આને લીધે ભારતે યોજનામાં અમલીકરણની ગતિ ઓછી કરી નાખી હતી. પરંતુ બદલતાં જતાં વ્યૂહાત્મક  અને વેપારી સમીકરણોમાં ચીને ઇરાન પર પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરતાં ચાબહારના કરારને અસર પડે એવા સંજોગો સર્જાયા હતા, પણ આખરે ઇરાને તેના ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રાધાન્ય આપીને સોમવારે કરાર  કરી નાખ્યો છે. અપેક્ષા મુજબ અમેરિકાએ કરારથી પ્રતિબંધોની સીધી ધમકી આપી છે. ભારતનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પણ ઇરાન સાથેના આવા કોઇપણ કરારથી પ્રતિબંધો લાગી શકે છે  એવો  મત  અમેરિકાના  પ્રવક્તાએ  વ્યક્ત કર્યો છે, પણ એક  તરફ ચીનના પ્રભાવને ખાળવા મથી રહેલાં અમેરિકાને ભારતે વાસ્તવિકતા ગળે ઉતારવાની રહેશે કે, ચાબહારનો કરાર તાકીદે કરાયો હોત તો તે ચીનનાં તાબા હેઠળ ચાલ્યું ગયું હોત. અમેરિકાએ હકીકતને ધ્યાને લઇને ભારતના કરારને માન્ય રાખવાની પહેલ કરવી જોઇએ. આગામી સમયમાં ચાબહાર બંદર ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોરની મહત્ત્વાકાંક્ષી યોજના માટે ચાવીરૂપ બની રહેશે. બંદર પાકિસ્તાનનાં ગ્વાદર બંદરની બહુ નજીક છે. ગ્વાદર પર ચીનનું નિયંત્રણ છે અને તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો ભાગ છે. હવે ચાબહાર બધાં સમીકરણોનો જવાબ બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang