નવી દિલ્હી, તા. 14 : ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, શરાબનીતિમાં કથિત કૌભાંડને લગતા મની લોન્ડરિંગના કેસમાં દાખલ કરવા માટેની આગામી ચાર્જશીટમાં તે આમ આદમી પાર્ટી (આપ)ને પણ આરોપી ગણાવશે. એજન્સીએ અદાલતમાં દાવો કર્યો હતો કે, અનેક આરોપી મામલાની સુનાવણીમાં વિલંબનો પ્રયાસ કરી રહ્યા છે. વડી અદાલતમાં એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પરની સુનાવણી દરમયાન ઈડીના વકીલે આપને પણ આરોપી બનાવવાની વાત કરી હતી. સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતાં વકીલે કહ્યું હતું કે, શરાબનીતિની સુનાવણીમાં વિલંબ માટે આરોપીઓ ઘણા પ્રયાસ કરી રહ્યા છે. આ કેસમાં હવે પછીની સરકારી વકીલની ફરિયાદ?(આરોપનામું)માં આમ આદમી પાર્ટીને સહઆરોપી ગણવામાં આવશે. જો ઈડી દ્વારા આ કેસમાં આપને પણ આરોપી બનાવવામાં આવશે તો પહેલીવાર કોઈ રાષ્ટ્રીય પક્ષ સામે પીએમએલએ હેઠળ કેસ નોંધાશે અને પક્ષને તેની સંપત્તિ અને નિશાન સહિતના મોરચે નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈડીએ માર્ચ 2024માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. દસમી મેના અદાલતે તેમને વચગાળાના જામીનની રાહત આપી હતી. તેમને બીજી જૂને ફરી શરણે આવવું પડશે. કેજરીવાલ હાલ પ્રચારમાં લાગ્યા છે, ત્યાં હવે ઇડીએ તેમના પક્ષને પણ આરોપી બનાવવાની તૈયારી કરી લીધી છે.