• શનિવાર, 27 જુલાઈ, 2024

કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીને સ્વતંત્રતા આપો

મુંદરા/માંડવી, તા. 14 : `દરેક બાળક ડોક્ટર, ઇજનેર, વૈજ્ઞાનિક બને જરૂરી નથી. પરીક્ષા હોય કે કારકિર્દીની પસંદગી,  બાળકને મુક્તિ આપો. દબાણ કરેલું કાર્ય બગડશે. બાળકની રસ-રુચિ શેમાં છે જાણીને આગળ વધારો,' એવું સૂચન આજે મુંદરા અને માંડવી ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શ્રેણીના આરંભે  કરાયું હતું.  સાડા સાત દાયકાથી વધુ સમયથી કચ્છીઓના હૃદયમાં સમાહિત કચ્છમિત્ર અખબાર અને અગ્રણી સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ દ્વારા સંયુક્ત રીતે દર વર્ષે યોજાતા કારકિર્દી માર્ગદર્શનની વર્તમાન શ્રેણીનો આરંભ મંગળવારે સવારે મુંદરાથી થયો હતો, જ્યારે સાંજે માંડવીમાં રોટરી હોલ ખાતે થયેલાં આયોજનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંદરામાં રોટરી પરિવાર આયોજનમાં સહભાગી બન્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં વક્તવ્ય આપતાં મુંદરા નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશીએ વિદ્યાર્થીઓ પર વિષય પસંદગીમાં દબાણ કરવા અનુરોધ કરીને ઉમેર્યું કે, `કચ્છમિત્ર' કચ્છનો સાચો મિત્ર છે. સમાચારોથી તો રાજિંદુ જોડાયેલું છે , સાથેસાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ અને રીતે સેમિનારથી વિદ્યાર્થીઓની કારકિર્દીની પણ ચિંતા કરે છે. છાત્રોને એટલું સૂચન છે કે, સંકલ્પ રાખશો તો સિદ્ધિ મળશે. દરેક ગણિતમાં હોશિયાર હોય જરૂરી નથી. આર્ટસ-કોમર્સ ગમે રાખો તો    પણ શ્રેષ્ઠ પરિણામ માટે પ્રયાસ કરો. માતા-પિતા પણ બાળકને માત્ર સાયન્સ પ્રવાહ રાખવાનો દુરાગ્રહ રાખે. કાર્યક્રમ માટે હોલ સહિતની સુવિધા પૂરી પાડી આયોજનમાં સહભાગી બનનાર સંસ્થા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ મહેતાએ કહ્યું કે, વિદ્યાર્થીઓને ઉપયોગી કાર્યક્રમમાં જોડાવાનું અમને ગૌરવ છે. આવા સેમિનારનું કાર્ય પ્રશંસનીય છે. આવા છાત્રો અને લોકહિતનાં કાર્ય માટે જોડાવા અમારી હંમેશાં હરહંમેશ તૈયારી રહેશે. ઇન્સ્ટિટયૂટના પ્રમુખ રસનિધિભાઈ અંતાણીએ કહ્યું કે, 77 વર્ષ જૂનું કચ્છમિત્ર અને 40 વર્ષ જૂની અમારી સંસ્થા જોડાઈને યુવાનોને દિશા આપવામાં સાથે કામ કરે છે. કારકિર્દી પસંદગી માટે આજના સમયમાં વિશાળ વિકલ્પો છે, પણ મૂળભૂત રીતે સમજવાનું છે કે, વિદ્યાર્થીને શેમાં રસ છે અને સામર્થ્ય કેટલું છે ?, માટે પૂરી તપાસ કરી વિચારીને આગળ વધજો. ટેકનિકલ સત્રમાં આઈટીઆઈ મુંદરાના ફોરમેન પૂજાબેન ઠાકરે કહ્યું કે, ઇજનેરી ભણ્યા પછી જે શરૂઆતનો પગાર મળે છે, લગભગ એટલી પ્રારંભિક કમાણી આઈટીઆઈ ભણનાર કરી લે છે. મુંદરા આઈટીઆઈમાં ગત વર્ષે 93 ટકા જેવું પ્લેસમેન્ટ થયું હતું. બીજું, આર્થિક જરૂરિયામંદ સ્થિતિવાળા વિદ્યાર્થીઓ ઓછી ફીમાં સ્કિલ વિકસિત કરી શકે છે, જેમાં તેઓ ઝડપી નોકરી કે સ્વતંત્ર રીતે રોજગાર મેળવી શકે છે. આગળ ભણવું હોય તો પણ ડિપ્લોમા કોર્સ કરી શકાય અને એમાં એક વર્ષ પણ બચી જાય છે. મુંદરામાં ઘણી તકો રહેલી છે. સેમિનાર શ્રેણીની મુખ્ય પ્રાયોજક સંસ્થા એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટ સુરભીબેન આહીરે કહ્યું કે, આઇટીઆઇ હોય કે આર્ટ્સ કે મેનેજમેન્ટ કે કોમ્પ્યુટર, બધાની સ્કિલ અલગ અલગ છે, પણ હરીફાઈના યુગમાં સતત શીખતા રહેવું જરૂરી બન્યું છે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટીનો જમાનો છે. ટેક્નોલોજીને સ્વીકારવી પડશે અને જોડાવું પણ પડશે. કાર્યક્રમમાં રોટરી ક્લબ અગ્રણી અતુલભાઇ પંડ્યા મંચસ્થ રહ્યા હતા. મુંદરા-માંડવી બન્ને સેમિનારમાં વક્તવ્યના અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. સેમિનારનું સંચાલન અને આભારવિધિ કચ્છમિત્રના સિનિયર પત્રકાર દિવ્યેશ વૈદ્યએ કર્યા હતા. આયોજનમાં એસઆરકેના પૂજાબેન ગોસ્વામી, પ્રકાશ લાંભા, અકબરભાઈ કલ્યાણી તેમજ કચ્છમિત્રના પરેશ રાઠોડ આયોજનમાં સહયોગી રહ્યા હતા.  જ્યારે સાંજે માંડવી ખાતે રોટરી ક્લબ ઓફ માંડવીના સહયોગથી રોટરી હોલ ખાતે યોજાયેલા સેમિનારની શરૂઆતમાં રોટરી પ્રમુખ અક્ષયભાઇ મહેતાએ આવકાર આપ્યો હતો. ઇન્સ્ટિટયૂટના શ્રી અંતાણીએ વિદ્યાર્થીઓને પોતાની જાત ઉપરનો વિશ્વાસ ગુમાવવા પર ભાર મૂક્યો હતો. માંડવી આઇટીઆઇના તનુજભાઇ સંજોટે કહ્યું કે, આઇટીઆઇ દ્વારા 136 ઉપરાંત કોર્સ વિવિધ વિભાગોમાં થાય છે. માંડવી મધ્યે 10 જેટલા કોર્સ થાય છે, જે અંગે માર્ગદર્શન આપી ડિપ્લોમાની પણ મહત્ત્વતા સમજાવી હતી. એસ.આર.કે.ના સુરભીબેને પ્રોજેક્ટરની મદદથી વિવિધ કોર્સની માહિતી આપી હતી. એસઆરકેના આસિ. પ્રોફેસર પૂજાબેન ગોસ્વામીએ ડિજિટલ માર્કેટિંગ, ફ્રીલાન્સ કોર્સ વિ. બાબતે ઉદાહરણો સાથે માહિતી આપી હતી. દરેક વિદ્યાર્થીઓને સ્વ. પ્રદીપભાઇ મધુકાંત છાયાના સ્મણાર્થે જાહન્વી પ્રદીપભાઇ છાયા તરફથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની ભેટ અપાઇ હતી. સેમિનારમાં મુલેશભાઇ દોશી, ઇશ્વરભાઇ ઘટ્ટા, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોટરી તરફથી આસિ. ગવર્નર દર્શનાબેન શાહ અને રોટરી મંત્રી હિતેશ ચાવડાએ અભિવાદન કર્યું હતું. કચ્છમિત્રના માંડવીના પ્રતિનિધિ જયેશ શાહનું  સિનિ. રો. ડો. હર્ષદ ઉદ્દેશીએ સન્માન કર્યું હતું. શ્રી શાહે આભારવિધિ અને સંચાલન વિનય ટોપરાણીએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang