• બુધવાર, 22 મે, 2024

ભારત ચીન સાથેની દ્વિપક્ષી વેપારી ખાધ ઘટાડે

ભારતના ચીન સાથેના સંબંધ દુશ્મની અને વેપારી દોસ્તીનાં સમીકરણો વચ્ચે સતત બદલતા રહ્યા છે. એક તરફ ચીનની સરહદોએ વિસ્તારવાદી નીતિઓને કારણે ભારત સાથેના સંબંધ દુશ્મનાવટનાં સ્તરે પહોંચી ચૂક્યા છે, તો બીજી તરફ વેપારી મોરચે ભાગીદારીના સંબંધ આર્થિક મોરચે દોસ્તીનું ચિત્ર ખડું કરે છે, પણ ભારત તેની વેપારીશક્તિ થકી ચીન સાથેના વ્યૂહાત્મક સંબંધોમાં દબાણ ઊભું કરવામાં જોઇએ એવું ધ્યાન આપતું હોવાની એક છાપ સતત સામે આવી રહી છે. ભારત ચીન સાથેના વેપારી મોરચે તેની આયાત અને નિકાસની અપ્રમાણસર ઘટને ઓછી કરીને આર્થિક રીતે દબાણ ઊભું કરવાની સાથોસાથ પોતાનાં અર્થતંત્રના વિકાસમાં ફાયદાકારક સ્થિતિ ઊભી કરે એવી લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે. ભારત ચીનમાંથી જેટલી આયાત કરે છે એની બહુ ઓછા પ્રમાણમાં ચીન ભારતથી આયાત કરે છે. હાલે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપારની ખાધ લગભગ 85 અબજ ડોલર હોવાના આંકડા સામે આવ્યા છે. ખાધ વેપારમાં ભારે અસંતુલન હોવાની હકીકત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગલવાનની ખીણમાં ચીની દળોએ ઘૂસણખોરી કરતાં ભારતીય દળો સાથે થયેલી લોહિયાળ અથડામણ બાદ દેશભરમાં ચીનની સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તે સમયે ભારતમાં ચીની વસ્તુઓના વપરાશના બહિષ્કારની માંગ તેજ બની હતી. 2020ના માહોલ સમયે એમ જણાતું હતું કે, ભારત ચીનમાંથી આયાત બંધ કરી દેશે અને તેને લીધે ચીની અર્થતંત્રને મોટો ફટકો પડશે. ચીન સામેની ભારતની નારાજગીના સંદર્ભમાં જાગેલી અટકળો સાચી ઠરી નથી. ઊલટું ચીનથી ભારતની આયાત સતત વધી રહી છે.  2023/24માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. વર્ષ દરમ્યાન દ્વિપક્ષીય વેપાર 118.4 અબજ ડોલર પહોંચી ગયો હતો. દ્વિપક્ષીય વેપારમાં ભારતની આયાતનો હિસ્સો 101.7 અબજ ડોલર અને ચીને કરેલી આયાત માત્ર 16.67 અબજ ડોલર રહી છે. આમ, આયાત, નિકાસની ખાધ ઘણી મોટી થતી રહી છે.  આવા સંજોગામાં ભારતે ચીન પર આયાત વધારવા દબાણ ઊભું કરવાની અથવા તો ચીની માલસામાનના વિકલ્પની ગંભીરતા સાથે શોધ કરવાની તાતી જરૂરત છે. આજે વૈશ્વિક સમીકરણોમાં વેપારી તાકાત વ્યૂહાત્મક સંબંધોમાં ચાવીરૂપ બની ચૂકી છે. ભારતે તેની આયાતની તાકાતનો ઉપયોગ કરીને ચીનની ઉપર સરહદી વિવાદ ઉકેલવાની ફરજ પાડવા માટે પણ વિચાર કરવાની ખાસ જરૂરત છે. ભારત આયાત ઓછી કરી નાખે તો  ચીનને મોટો આર્થિક ફટકો પડી શકે છે. હાલનાં વૈશ્વિક આર્થિક સમીકરણોમાં ચીનને નુકસાન કોઇપણ હિસાબે પોષાય તેમ નથી.  આવા સંજોગોમાં આયાત ઘટાડવાના ભારતના કોઇપણ મક્કમ પગલાં બન્ને દેશ વચ્ચેની વેપારી ખાધ તો ઘટાડી શકશે, તેની સાથોસાથ ચીનની ઉપર વ્યૂહાત્મક દબાણ પણ ઊભું કરી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang