ભુજ, તા. 14 : કચ્છમિત્રના નિવૃત્ત તસવીરકાર યોગેન ખત્રીનું આજે સવારે 65 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થતાં અખબારી આલમ તથા તસવીરકારોમાં શોકની લાગણી ફેલાઇ હતી. કચ્છ ફોટોગ્રાફી સોસાયટી સાથે વર્ષોથી સંકળાયેલા સ્વ. યોગેન કચ્છમિત્રમાં 1993માં ટેલિપ્રિન્ટર ઓપરેટર તરીકે જોડાયા હતા. એ પછી તસવીરકાર તરીકે કાર્યરત હતા. 2017માં નિવૃત્ત થયા હતા. કચ્છમિત્રના પૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીના તેઓ સૌથી નાના ભાઇ થતા હતા. જાણીતા સાહિત્યકાર સ્વ. જયંત ખત્રીના તેઓ પુત્ર થાય. કચ્છના તસવીરકારોમાં લોકપ્રિય રહેલા યોગેને કચ્છના તમામ વિષયો પર ફોટોગ્રાફીમાં કુશળતા કેળવી હતી. સુરખાબ નગરની નયનરમ્ય તસવીરો તેમણે લીધી હતી. સુરખાબ ઇંડાં આપે તે ક્ષણથી બચ્ચું બહાર આવે તે પળ સુધીની તસવીરો એમણે એક સાધક બનીને પાડી હતી અને આ તસવીરો એમણે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રાજ્યના સૌથી જૂના કચ્છ સંગ્રહાલયને ભેટ આપી છે, જે સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાઇ છે. નખશિખ અખબારી તસવીરકાર એવા શ્રી ખત્રીએ જિલ્લામાં અવાર-નવાર પડતા દુષ્કાળ, વિનાશક વાવાઝોડાં કે 2001નો ભયાનક ભૂકંપ હોય તે દરેક કુદરતી આફત સમયે કે આકસ્મિક ઘટનાઓ સમયે કેમેરા સાથે હાજર રહી પોતાની ફરજ બજાવી છે, તો કોલસાની કાળી કરતૂતો બહાર પાડવા સમયે સ્ટિંગ ફોટોગ્રાફી પણ એમણે કરી છે. તેઓ જ્યારે કચ્છમિત્રમાં ટેલિપ્રિન્ટર વિભાગમાં જોડાયા ત્યારે વિભાગના સાથી દીપકભાઇ જાની સાથે કામ કર્યું હોવાથી સહ-કર્મચારી ગુમાવ્યાનો દીપક જાનીએ વસવસો વ્યકત કર્યો હતો. યોગેનને સુરત શહરે કલ્યાણ નિધિ દ્વારા વર્ષ 2004માં શ્રેષ્ઠ અખબારી તસવીરકાર તરીકેનો રાજ્ય કક્ષાનો સ્વ. હરકિશન મહેતા સ્મૃતિ એવોર્ડ એનાયત કરાયો હતો. સદ્ગત યોગેનની સ્મશાનયાત્રા તા. 15/5/2024ના બુધવારે સવારે 10 વાગ્યે એમના નિવાસસ્થાન 971, કૈલાસ-નગરથી ખારીનદી સ્મશાનગૃહે જશે.