• શનિવાર, 27 જુલાઈ, 2024

રાયબરેલી પર સૌની નજર

રાહુલ ગાંધીને અમેઠીના બદલે રાયબરેલીની બેઠક ઉપર ચૂંટણી લડાવવાના કોંગ્રેસના નિર્ણય પાછળ સીધી ગણતરી છે - જોખમ ઓછું છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાનીના લોકસંપર્ક અને લોકપ્રિયતાનો અંદાજ મેળવ્યા પછી રાયબરેલી `સલામત' જણાઈ છે, પણ અમેઠીમાં તેઓ `રણછોડ' તરીકે ઓળખાશે અને રાયબરેલીમાં જીતે તો પણ પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે. ગાંધી - નેહરુ પરિવારની રાજકીય જાગીર ગણાતી બંને બેઠક ગાંધી પરિવાર માટે `પ્રતિષ્ઠા'ની બેઠક બની ગઈ છે. અહીં હાર્યા પછી રાહુલ ગાંધીએ કેરળનાં વાયનાડમાં રાજ્યાશ્રય લીધો અને ત્યાં મતદાન પૂરું થાય નહીં ત્યાં સુધી ઉત્તર પ્રદેશની `જાગીર' બાબત અન્ય `ડમી' નામ હવામાં ફરતાં રાખ્યાં. રહસ્ય જાળવી રાખવાના પ્રયાસ કર્યા, પણ આખરે રાયબરેલી ઉપર પસંદગી ઉતારી તેનાથી આશ્ચર્ય નથી. કેરળ કોંગ્રેસ અને વાયનાડના મતદારોએ માગણી કરી છે કે, રાયબરેલીમાં જીતે તો પણ રાહુલ ગાંધી વાયનાડ નહીં છોડે. માગણી વધુ પડતી છે. રાયબરેલી જીતીને ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશ ઉપર હક અને હાક જમાવવાનું પસંદ કરશે. દૃષ્ટિએ રાયબરેલી હવે સૌનાં ધ્યાન ઉપર - કેન્દ્રમાં હશે. રાયબરેલીની સ્થિતિ અમેઠીથી અલગ નથી. રાયબરેલીએ સતત ગાંધી પરિવારને જીતાડવાનું કામ કર્યું છે, પરંતુ આના પછી પણ ગાંધી પરિવારે ક્યારેય પણ રાયબરેલીના વિકાસ પર ધ્યાન નથી આપ્યું એવી સ્થાનિક લોકોની ફરિયાદ છે અને કહેવું છે કે, ગાંધી પરિવારે જનતાનું કામકાજ પણ પોતાના કેટલાક લોકોના ભરોસા ઉપર છોડી દીધું હતું. રાહુલ ગાંધીએ અમેઠીનું મેદાન છોડીને રાયબરેલીની પસંદગી કરી તેની પાછળ કોંગ્રેસની વ્યૂહરચના છે. એક મહિનાથી અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર પસંદગીને લઈ બનેલાં સસ્પેન્સ પર અંતિમ ક્ષણોમાં પરદો ઉઠયો. રાહુલ ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં કિશોરીલાલ શર્માએ ભરેલાં ઉમેદવારી પત્ર પછી કાર્યકર્તાઓ દ્વિધામાં છે, પણ ગાંધી-નેહરુ પરિવારનું રાજકારણ અને રાજકીય ક્ષેત્ર હોવાથી નિર્ણય આશ્ચર્યકારક નથી. રાયબરેલી અને અમેઠીમાં ગાંધી-નેહરુ પરિવારની પકડની દૃષ્ટિએ રાયબરેલીનું પલ્લું હંમેશાં ભારે રહ્યું છે. ઇમર્જન્સી પછી ગાંધી પરિવારને પ્રથમ વખત અહીં આંચકો લાગ્યો હતો. ત્યાર પછી દેશ અને રાજ્યમાં થયેલી ચૂંટણીઓને લઈ અમેઠી વિધાનસભા ક્ષેત્રોમાં અપેક્ષિત સફળતા નહીં મળ્યા પછી કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને આગળ કરવાની માંગ ઊઠી હતી. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સાથે સેકન્ડ રોલમાં જણાય છે. પ્રિયંકા ભૂતકાળમાં પણ રાયબરેલી અને અમેઠીથી ચૂંટણી સંચાલન કરતાં આવ્યાં છે. સોનિયા ગાંધી 2019માં રાયબરેલીથી જીત્યાં હતાં, પરંતુ તેઓ પોતાની જીતનું સર્ટિફિકેટ લેવા રાયબરેલી નહોતાં આવ્યાં, જે રાયબરેલીએ તેમને સતત પાંચ વેળા સાંસદ બનાવ્યાં, અંતમાં તેમણે તેને પણ છોડી દીધું અને રાજ્યસભાના પાછલા દરવાજેથી સંસદમાં પહોંચી ગયાં છે. 2014માં ચૂંટણી હાર પછી પણ સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં જનસંપર્ક જાળવી રાખ્યો, જ્યારે 2019માં હાર્યા પછી રાહુલ ગાંધી ક્યારેય પણ અમેઠી ગયા નહીં. તેમણે જે રીતે અમેઠીના બદલે રાયબરેલીની પસંદગી કરી છે, તેનાથી સહયોગી પક્ષ સમાજવાદી પક્ષની ચૂંટણી સંભાવનાઓ પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. છાપ એવી પડી છે કે, રાહુલ ગાંધીમાં જોખમ લેવાની ક્ષમતા નથી. રાજનીતિમાં ખુદને સ્થાપિત કરવા અને પોતાના કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે નેતાઓએ રાજકીય જોખમ લેવા માટે તૈયાર પણ રહેવું જોઈએ. અમેઠીની સરખામણીમાં રાયબરેલીની બેઠક આસાન હશે એવી ગણતરી છે, પણ અમેઠીનું રણમેદાન છોડયા પછી રાયબરેલીમાં જીત થાય તો પણ તેનું મૂલ્ય ઘટી ગયું હશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang