ગાંધીધામ, તા. 14 : જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે આવેલા ઘૂડખર અભયારણ્ય વિસ્તારમાં મીઠાંનાં કારખાનાં પાસે 11 લોકો હાજર હતા, ત્યારે ધારિયા, બંદૂક, લાકડી લઇને આવેલા 17 શખ્સે હુમલો કરતાં ત્રણ લોકોને બંદૂકની ગોળી લાગી હતી. બાદમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં વાહન વડે ટક્કર મારી તેમને મારી નાખવાના પ્રયત્ન કરાયા હતા. ચકચાર જગાવનારા આ બનાવથી પોલીસમાં દોડધામ થઇ પડી હતી. રાપરના કાનમેરમાં રહેનાર ફરિયાદી મગન સુજા ગોહિલ (અનુ. જાતિ) તથા વલીમામદ ઇબ્રાહીમ રાજા, જેમલ કમા ગોહિલ, રમેશ હઠી ભરવાડ, જગશી જેસા કોળી, દિનેશ ખીમજી કોળી, દસો કોળી, મુકેશ બેચરા કોળી, નવીન જગશી કોળી, દેવશી કોળી, કરશન આણદા કોળી એમ 11 લોકો બાઇકમાં બેસીને જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે ઘૂડખર અભયારણ્ય રણ વિસ્તારમાં જૂના મીઠાંનાં કારખાનાં પાસે ગયા હતા, જ્યાં ગઇકાલે ઢળતી બપોરે આ લોકો બેઠા હતા, ત્યારે ફોર્ચ્યુનર કાર, સ્વિફટ, ક્રેટા, બોલેરો તથા સફેદ રંગની જીપ ત્યાં આવી હતી. આ વાહનોમાંથી ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, ઇશ્વર રજપૂત, શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રજપૂત, રાયધણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાના અમરા રબારી, વિરમ રબારી, સતીશ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રત્ના રબારી નામના શખ્સો બહાર આવ્યા હતા. ત્રણેક બંદૂક, ધારિયા અને લાકડીઓ સાથે આવેલા આ આરોપીઓએ રણ વિસ્તાર તમારા બાપનો નથી તેમ કહી ફરિયાદીને જાતિ અપમાનિત કર્યા હતા. જગ્યા ખાલી કરી નાખવાનું કહી દેવા ડોડિયા, બળદેવ રજપૂત અને વિજય ઉસેટિયાએ બંદૂકમાંથી ફાયરિંગ કરતાં દિનેશ કોળીને માથામાં, મુકેશ કોળીને પગમાં તથા વલીમામદને નાકમાં ગોળી લાગી હતી. દરમ્યાન ફરિયાદી અને નવીન કોળી ગંભીર ઘવાયેલા દિનેશ કોળીને બાઇકમાં બેસાડી તેને સારવાર અર્થે લઇ જઇ રહ્યા હતા, ત્યારે આ ત્રણેયને જાનથી મારી નાખવાના ઇરાદે વિજય ઉસેટિયાએ બોલેરો ગાડીની પાછળથી ટક્કર મારતાં ત્રણેય નીચે પડી ગયા હતા. પાછળથી આવેલા આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો. આ ઘવાયેલાઓને સામખિયાળી લઇ જવાયા હતા, ત્યારે દિનેશને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયો હતો. ગઇકાલે બપોરે બનેલા આ બનાવમાં 17 પૈકી એકેય આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી, ત્યારે તમામને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.