• બુધવાર, 22 મે, 2024

દિવાસ્વપ્ન જેવી ગેરંટીઓ

`ઇન્ડિયા' ગઠબંધનના ઘટક આમ આદમી પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશવાસીઓને 10 ગેરંટી આપી છે, તેમનું કહેવું છે કે, કેન્દ્રમાં સરકાર બન્યા પછી બધી ગેરંટીઓ પૂરી કરવામાં આવશે. ` બધી ગેરંટી યુવાનો, મહિલાઓ, અમીર, ગરીબ, ખેડૂત અને વેપારીઓ સહિત દરેકની જિંદગી બદલી દેશે. મોદીજીની ગેરંટીઓ ક્યારે પણ પૂર્ણ થતી નથી. આને લઈ મોદીજીની ગેરંટીઓ વિશ્વસનીય નથી. આગલાં વર્ષે તેઓ રિટાયર થાય તે પછી તેમની ગેરંટીઓ કોણ પૂરી કરશે, એનો પણ જવાબ નથી.' કેજરીવાલની ગેરંટીઓ સામે ઘણા સવાલો થઈ રહ્યા છે, પરંતુ જવાબ તેમની પાસે નથી! વચગાળાના જામીન પર છૂટયા પછી પોતાને વડાપ્રધાન સમકક્ષ માની રહ્યા છે અને જેટલા દિવસો જેલની બહાર છે ત્યાં સુધી લોકોને અશક્ય એવી ગેરંટીઓ આપી એમ માની રહ્યા છે કે, પક્ષના વિજય માટેની ગેરંટી છે! કેજરીવાલ કહે છે કે, સમગ્ર દિલ્હીમાં મળે છે તેવી રીતે દેશભરમાં વીજળી મળશે. મધ્યમ વર્ગને આઠ રૂપિયા યુનિટ, તો વ્યાપારી વર્ગને 11થી 12 રૂપિયા યુનિટ વીજળી ખરીદવી પડે છે. `આપ'ના શાસન પછી દિલ્હીમાં સાડા નવ વર્ષમાં એક પણ નવી સ્કૂલ-કોલેજ ખૂલી નથી અને કેજરીવાલ દેશનાં ગામેગામ સ્કૂલ ખોલવાની ગેરંટી આપી રહ્યા છે! દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક ઠપ થઈ રહ્યાં છે ને પેથોલોજિકલ અને અન્ય ટેસ્ટનાં ફર્જીવાડા કેન્દ્ર બની ગયાં છે. એલએનજેપી જેવી મોટી હોસ્પિટલોનાં એમઆરઆઈ મશીન્સ, અલ્ટ્રાસાઉન્ડ માટે એક વર્ષની તારીખ મળે છે. જાન્યુઆરી-2014માં રાજપથ પર બંધારણની હત્યા કરી ધરણા કર્યા હતા, ત્યારે નક્કી થઈ ગયું હતું કે, દેશની રાજધાની દિલ્હીની કાયદો-વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથમાં રહેવી જરૂરી છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં હજારો યુવાનો, સ્નાતકો, સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રક્રિયાના પાલન વિના કામચલાઉ નોકરીઓ પર રાખ્યા હતા. આજે સૌ બેરોજગાર બની ગયા છે, તેનો કોઈ ઉકેલ કેજરીવાલ પાસે નથી. કોવિડકાળમાં ભાજપશાસિત અનેક રાજ્યોમાં વ્યાપારીઓને ટેક્સ અને વીજળી બિલમાં છૂટ આપી હતી, પણ દિલ્હી સરકારે તે દોરમાં પણ વીજળીનું પૂરેપૂરું બિલ વસૂલ્યું હતું અને જીએસટી વિભાગે જીએસટી જમા કરાવવા માટેના સમયગાળામાં વધારો આપ્યો હતો. આમ કેજરીવાલની વ્યાપારીઓને ગેરંટી `ફરેબ' છે. કેજરીવાલ માટે રાષ્ટ્ર કેટલું મહત્ત્વનું છે, તો આખો દેશ જાણે છે. 2017માં કેજરીવાલ પંજાબમાં એક દોષિત આતંકવાદીના ઘરે રોકાયા હતા. દેશના જવાનની તેઓ કેટલી ઇજ્જત કરે છે, એની જાણ તો દિવસે થઈ ગઈ હતી, જ્યારે તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા સેના પાસે માગ્યા હતા. કેજરીવાલની ગેરન્ટીઓમાં અતિવાદ છે. જેમ કે, ચીનની  હડપેલી જમીન પાછી મેળવવી, બે કરોડ લોકોને રોજગાર આપવો અને દરેક ઘરને વીજળી તેમ ગરીબોને મફત વીજળી આપવાની ઘોષણા. કેજરીવાલની ગેરંટીઓ હાસ્યાસ્પદ જણાય છે અને તેઓ ખુદ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે અને દેશના લોકોને પણ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે! તેમનો પક્ષ દેશમાં 21 બેઠક પર લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે, જેનું લોકસભામાં ખાતું ખૂલવું પણ અદ્ધરતાલ છે, તે દેશના નામ પર ગેરંટીઓ આપી રહ્યા છે...!!!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang