• બુધવાર, 22 મે, 2024

ભારત પર પ્રતિબંધોની અમેરિકી ચીમકી

વોશિંગ્ટન, તા. 14 : ભારત અને ઇરાન વચ્ચે થયેલા ચાબહાર બંદરના મહત્ત્વના કરારથી અમેરિકાએ નારાજ થઇને ભારતને ધમકી આપી દીધી છે. અમેરિકાએ કહ્યું હતું કે, ઇરાન સાથે વ્યાપારનો સોદો કરનારા કોઇપણ દેશ પર પ્રતિબંધ લાદવામાં આવે તેવો ખતરો રહેવાનો છે. અમે જાણીએ છીએ કે ઇરાન અને ભારતે ચાબહાર બંદર સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે અહેવાલોથી વાકેફ?છીએ કે ઇરાન અને ભારતે ચાબહાર બંદર સંબંધિત કરાર કર્યા છે. હું ઇચ્છું છું કે, ભારત સરકાર ચાબહાર બંદર અને ઇરાન સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધો અંગે વિદેશ નીતિના ઉદ્દેશો સ્પષ્ટ કરે. વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચાબહાર પોર્ટ કરાર વિશે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું માત્ર એટલું કહેવા માગું છું કે, ઇરાન પર અમેરિકી પ્રતિબંધો છે અને અમે તેને જાળવી રાખશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે અમને ઘણા કિસ્સાઓમાં કહેતા સાંભળ્યું હશે કે, કોઇપણ વ્યક્તિ, કોઇપણ એકમ ઇરાન સાથે વ્યાપારી સંબંધ રાખશે તેને સંભવિત જોખમો અને પ્રતિબંધો વિશે જાણ હોવી જોઇએ. ભારત અને ઇરાન વચ્ચે થયેલી સમજૂતીથી પ્રથમ વખત એવું બનશે જ્યારે ભારત કોઇ વિદેશી બંદરનું સંચાલન સંભાળશે, જેનાથી ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર પર અનેકગણી અસર પડશે. પગલું પાડોશી પાકિસ્તાનના હિતોને દૂર કરી મધ્ય એશિયામાં ભારત માટે શક્યતાઓના વધુ દરવાજા ખોલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે સોમવારે ઈરાનના ચાબહારમાં શાહિદ બેહેશ્તી પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર માટે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ભારતથી ઈરાન મોકલવામાં આવ્યા હતા. ભારત અને ઈરાન ચાબહાર પર બે દાયકાથી કામ કરી રહ્યા છે. હવે પોર્ટનું સમગ્ર સંચાલન ભારત પાસે રહેશે. ચાબહાર પોર્ટ દ્વારા ભારતને  અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટે નવો માર્ગ મળશે. તેનાથી પાકિસ્તાનની જરૂરિયાત પણ ખતમ થઈ જશે. એક રીતે બંદર ભારત અને અફઘાનિસ્તાનને વેપાર માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang