વિથોણ (તા. નખત્રાણા), તા. 14 : નખત્રાણા પંથકમાં છાણિયા ખાતરની અછત સર્જાતાં ભાવમાં એકાએક ઉછાળો આવવા સાથે એક ટ્રોલી ખાતરના છ હજારથી વધુ ભાવ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. પંથકના ખેડૂતો હવે રાસાયણિક ખાતરને બદલે દેશી ખાતર તરફ વળ્યા છે. ખેતી પેદાશોમાં પાયાના ખાતર તરીકે અત્યારે છાણિયા ખાતરનો ઉપયોગ કરવાથી દેશી છાણિયા ખાતર અને બકરાની લીંડીના ખાતરો ખૂબજ મોંઘા થયા છે. બન્ની વિસ્તારમાંથી આવતું છાણિયું ખાતર 15 હજાર રૂપિયે પ્રતિ ટ્રકના ભાવે ખરીદવું પડે છે. ખરીફ પાકોના વાવેતર પૂર્વે અત્યારે જમીનને ખેડીને તૈયાર કરવામાં આવી રહી છે. ખેડૂતો જમીનને તપાવવા અને સૂર્યની ગરમી જમીનમાં ઉતારવા તેને ખેડીને ઉથલાવી રહ્યા છે અને જોરિયા ખાતર અને છાણિયા ખાતરના પટ આપી વધુ ઉપજાઉ બનાવવા લાગી ગયા છે. અત્યારે પંથકમાં ખરીફ પાકના વાવેતર માટે જમીન તૈયાર કરાઇ?રહી છે. વિથોણના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઇ લીંબાણીના જણાવ્યા મુજબ જમીનને જોઇતા પોષક તત્ત્વોનું ખેડૂતોએ પૃથ્થકરણ?કરવું જોઇએ અને છોડની માવજત ચીવટથી કરવી જરૂરી છે. છાણિયા ખાતરનો પાલો બનાવી આઠ દિવસ સુધી પલાળી રાખીને જમીનને જોઇતા બેક્ટેરિયા તૈયાર કરી પછી ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને સારું ઉત્પાદન મળે છે. જમીનને ફળદ્રુપ બનાવવા અને ભેજયુક્ત રાખવા છાણિયું ખાતર ખૂબ જ ઉપયોગી છે. વાડીમાં ઉભેલાં વૃક્ષના પાન જેમાં આંબો, લીમડો, વડ, પીપળી વિગેરેના પાન એકત્રિત કરી સાથરામાં નાખીને સડાવવામાં આવે છે. તેમાંથી પણ ઉપયોગી અને પોષક ખાતર બને છે, જે કાંપવાળી અને માટીવાળી જમીન માટે ઉપયોગી ખાતર બને છે. નખત્રાણા પંથકનાં પાતાળી પાણીમાં ક્ષાર અને કાંયાનું પ્રમાણ ખૂબજ વધી ગયું છે. અમુક વિસ્તારોમાં પાણીમાં ચાર હજારથી વધુ ટીડીએસવાળા પાણી પાતાળમાંથી બહાર આવે છે. જેને ફિલ્ટર કરીને ટીડીએસની માત્રા ઘટાડવામાં આવે છે. ત્યારે માંડ પાણી પાકને લાગુ પડે છે. છાણિયા ખાતરનો વપરાશ કરવાથી છાણિયું ખાતર ક્ષાર અને કાંયાને સોસી લે છે અને ફસલના મૂળ સુધી પહોંચવામાં અવરોધ કરે છે. હાલની ખેતીની પરિસ્થિતિ જોતા પંથકની જમીનને પાલર પાણીની ખૂબજ જરૂર છે. નર્મદાના નીર પંથકની ધરતીમાં આવે તો નખત્રાણા નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ કચ્છની ખેતીની કાયાપલટ થઇ શકે છે, તેવું ખેડૂત પ્રફુલ્લભાઇ લીંબાણીએ જણાવ્યું છે.