લોકસભા ચૂંટણી પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થઈ શકે છે એવી વાત પક્ષના સર્વેસર્વા શરદ પવારે કર્યા બાદ યુ-ટર્ન લેતાં કહ્યું છે કે, હું તો આવું બોલ્યો જ નથી. અમારી અને કોંગ્રેસની વિચારધારા એક જ છે, એવું વિધાન તેમણે કર્યું હતું અને વિલીનીકરણનો સ્પષ્ટ ઇશારો કર્યા બાદ પવારે ફેરવી તોળ્યું છે. જો કે, આ વિધાન અંગે કોંગ્રેસે સાવચેતીની ભૂમિકા અપનાવી છે અને લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ વિલીનીકરણનો નિર્ણય અવલંબે છે, એવો મત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે વ્યક્ત કર્યો છે. લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રના કેટલાક નાના રાજકીય પક્ષ કોંગ્રેસમાં વિલીન થશે, એમ પણ પવારે કહ્યું છે. એક રીતે પોતાનો પક્ષ એક નાનો પક્ષ છે એ તેમણે આડકતરી રીતે કબૂલ્યું છે. કોંગ્રેસનો ફરી નવો પક્ષ કરવો અને કાળાંતરે તેનું કોંગ્રેસમાં વિસર્જન કરવું એ પવાર માટે નવું નથી. આ પ્રયોગ તેમણે આ પહેલાં બે વેળા કર્યો છે. સોનિયા ગાંધી વિદેશી મૂળનાં હોવાથી નોખો ચોકો રચી રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના તેમનો ત્રીજો પ્રયોગ હતો, પણ વર્ષભરમાં જ તેમણે વિદેશી મૂળનાં સોનિયા સમક્ષ નમતું જોખી સાથે ચૂંટણી લડયા અને સત્તામાં ભાગીદારી પણ કરી. હવે પવારના આ નિર્ણયને લઈ સૌથી કફોડી સ્થિતિ ઉદ્ધવ ઠાકરેની થવાની છે. પવાર પર વિશ્વાસ મૂકી શિવસેનાએ ભાજપનો સાથ છોડયો, એ જ પવાર હવે આધાર માટે કોંગ્રેસનો હાથ ઝાલવાના છે. ઉદ્ધવનો આધારસ્તંભ અચાનક તૂટી પડતાં તેમને પણ હવે કોંગ્રેસનાં વૃક્ષ હેઠળની છાયામાં બેસવું પડશે. સત્તાગ્રહણના પહેલા દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાતને લઈ દેશને વારંવાર ચેતવતા હતા, એ બધી એક પછી એક સાચી પડી રહી છે. પ્રાદેશિક પક્ષ સુદૃઢ લોકશાહી માટે પોષક બાબત નથી. પરિવાર કેન્દ્રિત રાજકારણ જ આ પક્ષોનું એકમાત્ર ધ્યેય હોય છે, એવું મોદી વારંવાર કહે છે. દેશમાંના નાના મોટા પ્રાદેશિક પક્ષો કુટુંબવ્યવસ્થાના આધાર પર જ ઊભા છે. રાજકારણમાંની આ કુટુંબ વ્યવસ્થા કચડી નાખવાનો નિર્ણય વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ હેઠળ ભાજપે લીધો હોવાથી આવા પક્ષોમાં ખદબદતી અસ્વસ્થતા વારંવાર ખુલ્લી પડી છે. આનાં કારણે અનેક પ્રાદેશિક પક્ષોને પોતાનાં ભવિષ્યની, અસ્તિત્વની અને વારસાની રાજકીય કારકિર્દીની ચિંતા થવી સ્વાભાવિક છે. શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી છે, છતાં તેમના પક્ષનો મહારાષ્ટ્રની બહાર વ્યાપ વધ્યો નથી. સ્વબળે સત્તા મેળવવાનું સ્વપ્ન સાકાર થવાનું અશક્ય જણાતાં તેઓ વર્ષો સુધી રાજ્યમાં સત્તા વહેંચણીમાં કોંગ્રેસના નાના ભાઈની ભૂમિકામાં રહ્યા છે. ભત્રીજા અજિત પવારના બળવા પછી પવારની રેવડી દાણાદાણ થઈ હતી. જો કે, અજિતદાદાના બળવા પાછળ કાકા શરદ પવારની `પ્રેરણા' અને `આશીર્વાદ' હોવાની શક્યતા હજી પણ નકારી શકાય એમ નથી. હવે તેમની વય, સ્વાસ્થ્ય અને કેડર પરની ઘટતી પકડ જોતાં આવનારા સમયમાં નવેસરથી પક્ષ ઊભો કરવાનું શક્ય ન હોવાનું શરદ પવારે કબૂલ્યું છે. તે માટે જોઈતી નિષ્ઠા અને મહેનત કરવાની તૈયારી તેમની સાથેના નેતાઓમાં નથી. આ બધું જોતાં પવારે કોંગ્રેસમાં પોતાના પક્ષનાં વિલીનીકરણની `ગૂગલી' નાખી હોઈ શકે છે. પવાર માટે કહેવાય છે કે, તેમનાં મનમાં એક, જીભ પર બીજી વાત હોય છે અને તેઓ કરે છે કંઈક ત્રીજું જ. આ વખતે પણ આવું જ કંઈક નીકળશે એ તો તેમણે લીધેલા યુ-ટર્ન પરથી સ્પષ્ટ થઈ ગયું છે.