• બુધવાર, 01 મે, 2024

ભારતની વસતી 144 કરોડને પાર

નવી દિલ્હી, તા. 17 : મોંઘવારીથી માંડીને બેરોજગારી સુધીની અનેક સમસ્યાઓનાં મૂળમાં વસતી વિસ્ફોટ છે, તેવી ચર્ચાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતની વસતી 144.17 કરોડ પર પહોંચી ગઇ છે. ભારતની વસતી છેલ્લાં 77 વર્ષમાં વધીને બમણી થઇ ચૂકી છે, દેશમાં 2006થી 2023 વચ્ચે 23 ટકા બાળ લગ્ન થયાં છે. સાથોસાથ પ્રસૂતિ વખતે થતાં મહિલાનાં મોતની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે, ભારતે ચાલુ વર્ષની શરૂઆતમાં સૌથી વધુ 142.5 કરોડની વસતી ધરાવતા દેશ ચીનને પાછળ રાખી દીધો હતો. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતની કુલ વસતી 121 કરોડ નોંધાઇ હતી. અહેવાલ અનુસાર, દેશની કુલ વસતીનો 24 ટકા હિસ્સો શૂન્યથી 14 વર્ષના લોકોનો છે. ભારતમાં 15થી 64 વર્ષના લોકોની સંખ્યા સૌથી વધુ 64 ટકા છે. પુરુષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓનું 74 વર્ષ છે. યુનોની આરોગ્ય સંસ્થાના અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતમાં પ્રજનન અને પુન: સંતાન પેદા કરવાની ક્ષમતા 30 વર્ષમાં સૌથી સારી છે. પ્રસૂતિ દરમ્યાન થતાં મોતની સંખ્યા  ઘટી છે. દરમ્યાન અહેવાલમાં વૈશ્વિકસ્તરે મહિલાઓનાં યૌન આરોગ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવાયું છે કે, લાખો મહિલાઓ, કન્યાઓ, યુવતીઓ હજુ પણ આરોગ્યના  પ્રમુખ ઉપાયો, સારવારથી  વંચિત છે. વર્ષ 2016 પછીથી દરેક દિવસે બાળકને જન્મ આપતી વખતે 800 મહિલાનાં મોત થઇ જાય છે. આજના આધુનિક સમયમાં પણ ચોથા ભાગની મહિલાઓ જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરી શકતી નથી, તેવું અહેવાલ નોંધે છે. શારીરિક સંબંધ બાંધનારી 10માંથી એક મહિલા ગર્ભ નિરોધક ઉપાયોના સંદર્ભમાં જાતે નિર્ણય લઇ શકતી નથી, તેવું યુનોની આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં એવું તારણ પણ અપાયું છે કે, દિવ્યાંગ મહિલાઓને યૌન હિંસાનું જોખમ દિવ્યાંગ પુરુષોની તુલનાએ 10 ગણું વધારે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang