• મંગળવાર, 21 મે, 2024

કચ્છની સોનાં-ચાંદી બજારમાં પડયા પર પાટુ

ભુજ, તા. 30 : આમ તો સોનું સન્નારીઓને અતિ પ્રિય છે, આપણા જન્મથી મરણ સુધીના પ્રસંગોમાં સોનાં-ચાંદીનો ઉપયોગ થાય છે અને રોકાણના હિસાબે પણ સલામત વિકલ્પ પસંદ કરનારાઓનો વર્ગ મોટો છે, ત્યારે સુવર્ણ બજારોમાં રોનક રહેતી હોય છે, સામાન્ય રીતે વૈશાખના લગ્નસરા પહેલાંના દિવસોમાં કચ્છની સોનાં-ચાંદી બજારમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પણ છેલ્લા એકાદ મહિનાથી બજારોમાં સૂનકાર જેવી સ્થિતિ છે.  એક તરફ સોનાંના આસમાને પહોંચેલા ભાવ, લોકસભા ચૂંટણીની આચારસંહિતા અને રોકડ સહિતની હેરફેર પર તંત્રની કડક નજર અને રાજકોટ, અમદાવાદ, મુંબઈથી માલની લેવડદેવડ માટે આવતા સેલ્સમેનો બંધ થઈ જવા, ભુજની લગભગ ત્રીસ પૈકી બે-ત્રણ આંગડિયા પેઢી ચાલુ હોવા સહિતનાં પરિબળોને લીધે ભુજ સહિત કચ્છમાં સુવર્ણ બજારોમાં પાંખી ઘરાકી જોવા મળે છે અને કારોબારમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.  અધૂરામાં પૂરું જિલ્લાના પાંચ પૈકી ચાર હોલમાર્કિંગ સેન્ટરના લાયસન્સ સ્થગિત કરી દેવાતાં કચ્છમાં વેપારીઓની સ્થિતિ ઓર ખરાબ થઈ છે. અત્યારે તો વેપાર ઓછો છે એટલે ચાર હોલમાર્કિંગ સેન્ટર બંધ થઈ જવાની બહુ વિપરીત અસર દેખાતી નથી, પણ વેપારીઓ કહે છે કે, ચૂંટણી પૂરી થયા બાદ અને સોનાંની કિંમતોમાં સંભવત: ઘટાડો થયા બાદ જ્યારે કારોબાર પૂર્વવત થશે ત્યારે એક હોલમાર્કિંગ સેન્ટરથી આખા જિલ્લાનું કામ કેમ ચાલશે? - આચારસંહિતાની અસર : માર્ચ મહિનાની શરૂઆતમાં સોનાંના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂા. 6000ની આસપાસ હતા, પછી તો ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ઘર્ષણ, વ્યાજદર વધારા અને હેજફંડોની સટ્ટાકીય ખરીદી વચ્ચે સુવર્ણના ભાવ રોકેટગતિએ વધવા લાગ્યા અને એક તબક્કે તો સ્થાનિક બજારમાં રૂા. 76,000ને પાર થઈ જતાં સન્નાટો વ્યાપી ગયો હતો. કચ્છમાં વૈશાખ મહિનામાં ઘણા લગ્ન હોય છે અને ખાસ કરીને અક્ષયતૃતીયા (અખાત્રીજ)ના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથિએ જોડાય છે, પણ સોનાંના આભને આંબતા ભાવને લીધે ખરીદદારોનો મોટો વર્ગ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને બેઠા છે. બજેટમાં કાપ અને  જૂના સામે નવા દાગીનાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાનું બજારના વેપારીઓ જણાવી રહ્યા છે, જેને લીધે લગ્નસરાની ખરીદી તો લગભગ અડધી રહી ગઈ છે.  ચૂંટણીની આચારસંહિતા લાગુ છે અને રોકડની હેરફેર પર તંત્રોની બાજનજર છે. ભુજની વાત કરીએ તો મોટાભાગના મહત્ત્વના પોઈન્ટ પર ચેકિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની પોલીસ ટીમો ઊભી હોય છે, ત્યારે એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રાહકો પણ મોટી રોકડ લઈને સોનું ખરીદવા માટે ભુજ આવવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ વેપારીઓ પણ જરૂરી હોય તેટલો વ્યાપાર કરી રહ્યા છે. આમ તો વખતે વેપારીઓને ખોટી કનડગતની ફરિયાદો સાંભળવા મળી નથી, પણ એકવાર માલ કે રોકડ જપ્ત થાય તો પછી તંત્રો ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ બધી ખરાઈ કરીને રોકડ કે માલ પાછો આપે એવી સામાન્ય પ્રણાલી હોવાથી લોકો અને વેપારીઓ સાવધ છે. આચારસંહિતા મુજબ રૂા. 0 હજારથી વધુની રોકડ કે તેટલી કિંમતના ઘરેણા સહિતનો માલ હોય ત્યારે તમામ પાકા બિલ સહિતના દસ્તાવેજ હોવા જરૂરી છે. સિવાય લગ્ન હોય કે હોસ્પિટલની ઈમર્જન્સી હોય ત્યારે રૂા. 10 લાખથી વધુની રોકડ રાખી શકાય છે. બાકી કાયદેસરના પાકા બિલના દસ્તાવેજો સાથેની હેરફેર પર ખાસ રોક નથી. જો કે, એક વેપારીએ કહ્યું કે, અમે માની લીધું હતું કે, બે મહિના વધુ ધંધો કરશું નહીં. - સેલ્સમેનો બંધ, આંગડિયા નહીંવત : બજારના વર્તુળોના જણાવ્યા અનુસાર ચૂંટણી જાહેર થઈ ત્યારથી માલ લઈને રાજકોટ, મુંબઈ અને અમદાવાદથી આવન-જાવન કરતા તમામ સેલ્સમેનોએ ફેરા બંધ કરી નાખ્યા છે. ભુજમાં લગભગ 2પથી 30 આંગડિયા છે જે પૈકી બે-ત્રણને બાદ કરતાં બધાએ સર્વિસ ચૂંટણીના સમય સુધી બંધ કરી નાખી છે. જો કે, પી. શૈલેશે જેવી બે-ત્રણ પેઢીઓનાં કામ ચાલુ છે. બીજી તરફ મોટા વેપારીઓ સિક્વલ, બીવીસી જેવી જાણીતી કુરિયર કંપનીઓ મારફત પણ માલની લેવડદેવડ કરે છે. - હોલમાર્ક : બહુ મોટો વિસ્તાર ધરાવતા કચ્છમાં અગાઉ હોલમાર્કિંગ સેન્ટરોની સંખ્યા ઓછી હતી અને એમાં અઢી-ત્રણ મહિનાથી તો અમુક દાગીના શુદ્ધતાના અમુક માપદંડમાં ખરા નહીં ઊતરવાને લઈને બી.આઈ.એસ. દ્વારા ચાર હોલમાર્કિંગ સેન્ટરને સસ્પેન્ડ એટલે કે તેમના લાયસન્સ સ્થગિત કરી નાખતાં વેપારીઓ માટે પડયા પર પાટુ સમાન સ્થિતિ બની રહી છે. નિયમ મુજબ કમ સે કમ એક વર્ષ સુધી બંધ થયેલા હોલમાર્કિંગ સેન્ટરના સંચાલકો લાયસન્સ રિન્યૂ માટે આવેદન આપી શકે નહીં. હાલ માત્ર ભુજમાં એક હોલમાર્કિંગ સેન્ટર ચાલુ છે. કચ્છ બુલિયન એસોસીએશનના પ્રમુખ જગદીશ ઝવેરીનો સંપર્ક કરતાં તેમણે કબૂલ્યું હતું કે, એક તરફ ભાવવધારો અને બીજી તરફ આચારસંહિતાને લીધે બજારમાં ખરીદી પર વિપરીત અસર પડી છે. કચ્છમાં હોલમાર્કિંગ સેન્ટરોને લઈને અમે બીઆઈએસમાં રજૂઆત કરી છે અને સત્વરે વધુ હોલમાર્કિંગ સેન્ટરોની વ્યવસ્થાની માંગ કરી છે. અત્યારે રાપરના વેપારીઓ હોલમાર્કિંગ માટે ભુજ આવવું પડે અથવા રાજકોટ જવું પડે અને લખપત તાલુકાના વેપારીએ પણ ભુજ અથવા રાજકોટ સુધી લંબાવવું પડે તેવી સ્થિતિ છે. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, એસોસીએશને હોલ માર્કિંગને લઈને કચ્છના વેપારીઓને થતી મુશ્કેલીઓ અંગે બીઆઈએસ   સમક્ષ રજૂઆત કરી છે. - કચ્છમાં 1400 જેટલા વેપારી  : માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર કચ્છમાં લગભગ 1400 જેટલા વેપારી છે. જે પૈકી ભુજ, માધાપર તેમજ પટેલ ચોવીસીના ગામમાં 300થી વધુ દુકાન આવેલી છે. અંજારમાં લગભગ 200, ગાંધીધામમાં લગભગ 17 દુકાન-શોરૂમ આવેલા છે. સોનાંના ભાવ ભભૂકતી તેજી બાદ કિંમતોમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang