• બુધવાર, 22 મે, 2024

સસ્તાં સોનાંની લાલચ આપી 23 લાખના શીશામાં ઉતારનાર ભુજનો ઠગ ઝડપાયો

ભુજ, તા. 30 : બે વર્ષ પૂર્વે રાજસ્થાનના બાડમેર બાજુ ત્યાંના એક સાગરિતને સાથે રાખી રાજસ્થાનના સોનાંના વેપારીને સસ્તાં સોનાંની લાલચ આપી 23 લાખ રૂપિયા લઇને સોનું આપી છેતરપિંડી કર્યાનો ગુનો નાસતો-ફરતો આરોપી મહમદ હનીફ દાઉદ સના (રહે. મદિનાનગર-ભુજ)ને એલસીબીએ ઝડપી લીધો છે. અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી કે, મહમદ હનીફ દાઉદ સના (રહે. મદિનાનગર-1, મોટા પીર રોડ-ભુજ) રાજસ્થાનના બાડમેર શહેરના ભાદસ પોલીસના સસ્તું સોનું આપવાના છેતરપિંડીના ગુનાનો નાસતો-ફરતો આરોપી હાલ આશાબાપીરની દરગાહ પાસે હાજર છે. બાતમીના આધારે મહમદ હનીફને ઝડપી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, વર્ષ 2022માં રાજસ્થાનમાં મહમદ હુશેન ઓસમાણ ખાન સાથે મળીને તેણે રાજસ્થાનના સોનાંના વ્યવસાય સાથે સંકળાયેલી એક વ્યક્તિને બજારભાવ કરતાં સસ્તું સોનું આપવાની લોભામણી વાતો કરી તેની પાસેથી રૂા. 23 લાખ લઇ તેને  સોનું આપીને છેતરપિંડી કરી હતી, જેની ફરિયાદ ત્યાં નોંધાઇ હતી. કેસમાં મહમદ હુશેન પકડાઇ ગયો અને પોતે નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી. બાબત અંગે રાજસ્થાનના બાડમેર શહેરના ભાદસ કોતવાલી પોલીસ મથકમાં એલસીબીએ તપાસ કરતાં મહમદ હનીફ સામે છેતરપિંડીનો ગુનો દાખલ છે અને તે નાસતો-ફરતો છે. સરકાર દ્વારા  તેના ઉપર 5000નું ઇનામ પણ જાહેર કરાયું છે. એલસીબીએ આરોપીની અટક કરી બી-ડિવિઝન પોલીસને સોંપી, ભાદસ પોલીસને પકડાયેલા આરોપી મહમદ હનીફ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા જાણ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે, સસ્તાં સોનાંની લાલચ આપી વિવિધ તરકટો અજમાવી દેશના અલગ અલગ રાજ્યોમાંથી પશ્ચિમ કચ્છમાં આવે છે અને અહીં ભુજ તેમજ માંડવી તથા અંતરિયાળના વિવિધ ઠગ ટોળકીના શિકાર બનતા હોવાનું એક કરતાં વધુ વખત સામે આવી ચૂકયું છે. ત્યારે ઝડપાયેલો આરોપી મહમદ હનીફ પણ આવી કોઇ ગેંગ સાથે સંકળાયેલો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang