• મંગળવાર, 21 મે, 2024

એસ્ટ્રાજેનેકાથી હૃદયઘાત : કંપનીની કબૂલાત

લંડન, તા. 30 : કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેની કોવિડ-19 રસીથી ગંભીર આડઅસર થઈ શકે છે. જો કે, આવું બહુ દુલર્ભ કેસોમાં થઈ શકે. એસ્ટ્રાજેનેકાએ બ્રિટનની હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે, કોવિડ-19 રસીના કારણે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) જેવી આડઅસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રાજેનેકાની ફોર્મ્યુલા પરથી ભારતમાં સીરમ ઈન્સ્ટિટયૂટે કોવિશિલ્ડ રસી બનાવી હતી. ભારતમાં 175 કરોડ ડોઝ અપાયા હતા. બ્રિટીશ મીડિયાના અહેવાલ અનુસાર એસ્ટ્રાજેનેકા પર આરોપ છે કે, તેની રસીથી અનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્યને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડયો હતો. કંપની સામે હાઈકોર્ટમાં 51 કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ કંપની પાસેથી એક હજાર કરોડના વળતરની માગણી કરી છે.  ઉલ્લેખનીય છે કે, થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અને શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન અથવા હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. એપ્રિલ 2021માં જેમી સ્કોટ નામની વ્યક્તિએ રસી લગાવી હતી, તે પછી તેની તબીયત બગડી હતી. શરીરમાં લોહી ગંઠાઈ જવાથી સીધી અસર તેના મગજ પર પડી હતી. સ્કોટના મગજમાં આંતરિક રક્તસ્રાવ પણ થયો હતો.  સૌથી પહેલો કેસ સ્કોટે કર્યો હતો. એસ્ટ્રાજેનેકા રસી ભારતમાં કોવિશિલ્ડના નામ તરીકે ઓળખાય છે. પછી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે, તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે, ટીટીએસનું કારણ બની શકે છે. એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી છે. જો કંપની સુનાવણી દરમ્યાન સ્વીકારે છે કે, તેની વેક્સિનના કારણે ઘણા લોકોનાં મોત થયાં છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે, તો કંપનીને દંડ થઈ શકે છે. આને લઇને યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે વડાપ્રધાન મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાયે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ દેશવાસીઓનાં જીવનો સોદો કર્યો છે, શું મોદીની ગેરંટી છે ? તેમણે આદાર પૂનાવાલા (સિરમ ઇન્સ્ટિટયૂટ) પાસેથી 52 કરોડ રૂપિયાનું દાન લઇને 140 ભારતવાસીઓના જીવ જોખમમાં નાખ્યા છે. દિલ્હીના આરોગ્યમંત્રી સૌરભ ભારદ્વાજે મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રએ કોવિશિલ્ડ રસીની આડઅસરો મુદ્દે તાત્કાલિક ખુલાસો કરવો જોઇએ કારણ કે કોરોનાકાળ દરમ્યાન ભારતમાં લાખો લોકોએ તે રસી લીધી હતી. ભારદ્વાજે રસીની આડઅસર અને ભારતમાં લોકોના અચાનક થતા મૃત્યુ વચ્ચે સંબંધ હોવા અંગે ચિંતા વ્યક્ત કરતાં દાવો કર્યો હતો કે, સલામતી અંગેની આશંકાઓના કારણે 2021ની શરૂઆતમાં જર્મની, ફ્રાન્સ, સ્પેન, ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક સહિત યુરોપના અમુક દેશોમાં કોવિશિલ્ડ રસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang