• મંગળવાર, 21 મે, 2024

`ભૂલથી તમારાં ખાતાંમાં પૈસા આવી ગયા' તેમ કહી અંજારના યુવાન સાથે 3.11 લાખની ઠગાઇ

ગાંધીધામ, તા. 30 : અંજારના સહારા ગ્રામ ભીમાસરમાં રહેનાર એક યુવાનને ભૂલથી તમારાં ખાતાંમાં મારા રૂા. 15 હજાર આવી ગયાનું કહી ઠગબાજોએ  રૂા. 40,000 બારોબાર કાઢી લઇ બાદમાં રૂા. 2,71,000ની લોન લઇ પોતાનાં ખાતાંમાં નાખી લઇ યુવાન સાથે ઠગાઇ કરી હતી. ઓનલાઇન છેતરપિંડી કરનારાં તત્ત્વો લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે  સહારા ગ્રામ ભીમાસરના સુરેશ રાવતા પટેલ સાથે પણ આવો બનાવ બન્યો હતો. ફરિયાદીને ગત તા. 2/3ના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને હોસ્પિટલમાં પૌસા ટ્રાન્સફર કરવાના હતા જે ભૂલથી તમારા?ખાતાંમાં રૂા. 15 હજાર આવી ગયાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ના પાડતાં ઠગબાજએ  મેસેજ આવ્યાનું કહેતાં ફરિયાદીએ મેસેજ આવ્યો છે પણ મારા ખાતાંમાં  પૈસા આવ્યા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી શખ્સે ફોન કરી ફોન કેમ કાપ્યો તેવી ધમકી આપી હતી અને ગૂગલ પે એપ્લિકેશનમાં બેલેન્સ તપાસવાનું કહેતાં યુવાને ગૂગલ પે ખોલતાં ચાર રિકવેસ્ટ આવી હતી, જેના પર ક્લિક કરતાં યુવાનનાં ખાતાંમાંથી રૂા. 40,000 બારોબાર કપાઇ ગયા હતા. બાદમાં ઠગબાજો બેન્કવાળા બનીને ક્યાંય જવાની જરૂરત નથી. તમારા પૈસા પરત આવી જવાની ધરપત આપી હતી. પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં ફરિયાદીએ બેન્કમાં જઇને તપાસ કરી હતી, જ્યાં તેના નામે ઠગબાજોએ  ઓનલાઇન રૂા. 2,71,000 લોન ઉપાડી લઇ પોતાના ખાતામાં તે લોનના પૈસા લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું. યુવાન સાથે ઠગબાજોએ  રૂા. 3,11,000ની ઠગાઇ કરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang