• મંગળવાર, 21 મે, 2024

કરોલપીરના મેળામાં મલાખડો આકર્ષણનું કેન્દ્ર

મોટી વિરાણી, તા.30 : નખત્રાણા તા.ના અમારાથી એક કિ.મી. દુર આવેલા કોમી એકતાના પ્રતિક હજરત કરોલ કાસમ (..) ઉર્ફે કરોલપીરનો ત્રીદીવસીય મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સલામી ભરી હતી. ચાદરપોશી, કચ્છી પાવા, કાફી, કચ્છી ગીત, જોડીયા પાવા તેમજ પશ્ચિમ કચ્છનો પ્રખ્યાત મલાખડા માણવા કચ્છ-બૃહદ કચ્છથી માણીગરો ઉમટયા હતા. - ચાદરપોશી-કચ્છી કાફીની રંગત જામી : કરોલપીરની મજારે સોમવારે સંદલ સાથે ચાદરપોશી કરાઈ હતી મુંજાવર ઉમરભાઈ, સુમારભાઈ સરપંચ વિમળાબેન પટેલ, દિલિપસિંહ સોઢા, હાજી અલીભાઈ થઈમ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે કચ્છી જોડિયા પાવા, કચ્છી કાફી, સુફીયાના કલામો, રાગ-રાગીણીની ઉપસ્થિત માણીગરોને મોડી રાત સુધી ડોલાવ્યા હતા. આરબનાથા જત, મુબારક ગજણ, મુસાપારા વિ.. કચ્છી કાફીની રમઝટ બોલાવી હતી. ગનીભાઈ તુર્કે સંચાલન કર્યું હતું. - બખમલાખડામાં લોકો ઉમટયા  : મેળાના ત્રીજા દિવસે કચ્છનો પ્રખ્યાત મલાખડો યોજાયો હતો મલાખડો શરૂ થવાની ઠોલ પર દાંડી વાગે એટલે મેળામાંથી મલાખડા તરફના રસ્તે માનવ મહેરામણ વઈતો જાય.કિકિયારી કરતો ગ્રાઉન્ડ ગાજે, આસપાસ વાહનો પર લોકો ગોઠવાય. મલાખડામાં પ્રથમ નંબરે સુમરા હુશેન (વાલકા), બીજે નોતિયાર હનીફ (સુભાસપર), ત્રીજે મોકરસી સલીમ (ભદ્રાવાંઢ), ચોથે રાયમા અસલમ (અમારા), પાંચમે જત હુસેન (ફુલરા) મેદાન માર્યું હતું જેમને મેળા સમિતિ અગ્રણીઓ દ્વારા ઈનામોથી નવાજવામાં આવ્યા હતી રેફરી તરીકે સુમરા ઓસમાણ હાજીખાન તથા દીલુભા સોઢા રહ્યા હતા. મલીને કડે બાંધવામાં આવતો સધરો અલીભાઈએ બાંધ્યો હતો. અવસરે સરપંચ વિમળાબેન પટેલ, સીધીક લોહાર, દીલીપસિંહ સોઢા, વેરશી કેશા આહિર, ઉમરભાઈ મુજાવર, બબાભાઈ શરકી, આમદ નોતીયાર, હાસમ નોતીયાર (દયાપર), ઓસમાણ સુમરા (તા.પં. સદસ્ય), ડો.ઈસ્માઈલ પીંજારા, નાના નોતીયાર (ઘડાણી), વિશ્રામ આચાર, બળીયા વિશ્રામ, પીયુષભાઈ પટેલ, હાજીબસીર (મુંબઈ), ભરત ગુંસાઈ, આહિર ખેતાભાઈ તેમજ પંચાયતના સદસ્યો મેળા સમિતિના અગ્રતીઓ ઉપસ્થિત રહ્યા હતા.- મેળાના માણીગરોએ ભજીયાની મોજ માણી : મેળામાં વેંચાતા ભજીયા વર્ષોથી વખણાય છે. છેલ્લા 40 વર્ષથી ખાસ ભજીયાની દુકાન માટે માતાના મઢથી હુશેનભાઈ કુંભાર તથા અનુભાઈ લંગા (મોટી વીરાણી) ભજીયા વેંચવા સ્ટોલ રાખે છે. મેળાની બઝારમાં મળી ગયેલા અમારાના પૂર્વ સરપંચ વેરસીભાઈ આહિરે મેળાના માહોલનો ચિતાર આપતા કહ્યું હતું કે રવી-સોન હાજીપીરના મેળામાંથી વળતો પ્રવાહ અહીં આવે પણ મંગળવાર મતલબ ત્રીજા દિવસે આસપાસના સ્થાનિક શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની મન્નત પુરી કરે છે. ગ્રામીણ મહિલા પુરૂષો પોતાના આગવી પરંપરાગત પહેરવેશમાં મેળામાં ઉમટતાં સંસ્કૃતિથી મેળો વધુ ભર્યો છે.  મુજાવર પરીવારના સુમારભાઈ, ઉમરભાઈ, પ્રસાદી, ચાદર ચડાવવા શ્રદ્ધાળુઓને મદદગાર થતા હતા. - તંત્રનો સહકાર બિરદાવવા લાયક : ગ્રામ પંચાયત દ્વારા પાણીપ સફાઈ વિ.નો સહયોગ મળ્યો હતો તો એક ડીવાયએસપી, એક પીઆઈ એક પીએસઆઈ સહિત 124 નો પોલીસ કાફલો ત્રણ દિવસ મેળા પર તૈનાત રહ્યો હતો અને કોઈ અનિચ્છનિય બનાવ બને તેની તકેદારી રાખી હતી. - ભાકરછાનો મેળો : કરોલપીર બાબાની સાથેસાથે એક કિમી દુર પીર ભાકરછા વલીનો ઉર્ષ પણ હોય છે. અહીં પણ ત્રણ દિવસ સલામીઓ આવે છે. મુંજાવર જાનમામદ ગફુર, આરબ ગફુર, મજર પર સહયોગ આપે છે. અહીં આવેલા ઐતિહાસીક ભોંયરાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang