• બુધવાર, 22 મે, 2024

વારંવાર જંગલોમાં આગ

ઉત્તરાખંડના કુમાઉનની સાથે ગઢવાલનાં જંગલોમાં ચાર દિવસમાં લાગેલી આગ નૈનીતાલ સુધી પહોંચી ગઈ છે. જંગલની આગ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે તો આગ બુઝાવવાનાં હાલનાં તમામ સાધનો અપૂરતાં અને લાચાર નજરે પડે છે તે સિદ્ધ થાય છે. આગને કાબૂમાં લેવા માટે વાયુ સેનાને બોલાવવી પડી છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમાં 33.34 હેક્ટર વનક્ષેત્ર નષ્ટ થઈ ચૂક્યું છે. આપણાં જે રાજ્યો જૈવ વિવિધતાની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ છે એમાં ઉત્તરાખંડની સાથે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સામેલ છે. બધાં રાજ્યોના મોટા ભૂ ભાગમાં જંગલ છે. દરેક સ્થળોથી જંગલોમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. આવી મોટા ભાગની ઘટનાઓ એપ્રિલથી જૂન દરમિયાન થાય છે. જંગલોની આગ ફક્ત વૃક્ષોને રાખ નથી કરતી, પ્રકૃતિની લય બદલી નાખે છે. વન્ય જીવો અને જંગલોની આસપાસ રહેનારાઓને વિસ્થાપિત થવું પડે છે. સૌથી મોટું નુકસાન પર્યાવરણને થાય છે. માટીની નરમાશ ઘટી જાય છે. આગના ધુમાડાના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા અનેક ગણી વધી જાય છે. હવામાં શુદ્ધ અૉક્સિજન ઘટી જાય છે. દુનિયા પહેલાથી ગ્લૉબલ વૉર્મિંગની આગમાં બફાઈ રહી છે. જંગલોની આગ આમાં ઘી હોમે છે. વૈશ્વિક ચિંતાનો વિષય છે. વ્યાપક રીતે ભડકનારી આગ એવી ગરમી પેદા કરે છે કે મોસમની અલગ પેટર્ન જોવા મળે છે. પવનની ગતિ વધવા લાગે છે અને આગ ઝડપથી અન્ય વિસ્તારોમાં ફેલાઈ જાય છે. ભારતનાં જંગલોમાં આગ લાગવાનાં અનેક કારણ છે. પાનખર પછી જંગલોની જમીન પર સૂકી ડાળીઓ, ઘાસ અને પાંદડાઓના ઢગલા થાય છે. એપ્રિલ-મેમાં તો તાપમાન તેઓ માટે માચીસનું કામ કરે છે. અમેરિકામાં તો જંગલોની નિયમિત સાફસૂફી ફરજિયાત બનાવવામાં આવી છે. અગ્નિશમન દળ બધી વસ્તુઓને એકઠી કરી બાળી દે છે. આપણા વૈજ્ઞાનિકોએ જંગલોની આગ બુઝાવવા આધુનિક યંત્ર વિકસિત કરવા પર ધ્યાન આપવું જોઈએ.  જંગલોની આસપાસ રહેનારાઓને આગ બુઝાવવાની તાલીમ સાથે સંસાધનો પણ ઉપલબ્ધ કરાવવાં જોઈએ, જેને લઈ આગ પર સમયસર કાબૂ મેળવી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang