• મંગળવાર, 21 મે, 2024

ભચાઉમાં દેશી દારૂના પોઇન્ટ - ભઠ્ઠીઓ બંધ કરાવવા ઊઠતી માંગ

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂના હાટડા ધમધમી રહ્યાં છે. ભચાઉના હિંમતપુરા, બટિયા વિસ્તાર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, જેના કારણે યુવાનો પાયમાલ થઇ રહ્યા છે. ભચાઉ નગરનાં હિંમતપુરાના ખાડી વિસ્તાર, બટિયા વિસ્તારના મદીના નગર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં દેશી દારૂના પોઇન્ટ તથા અમુક જગ્યાએ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા દૂષણોનાં કારણે મહિલાઓ, યુવતીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. અમુક જગ્યાએ સાંગુડીઓ પડયા-પાથર્યા રહેતા હોય છે. આવારા તત્ત્વોનાં કારણે અહીં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રએ ચેતવણી આપતાં એકાદ-બે દિવસ આવા હાટડા બંધ રહ્યા હતા, પરંતુ બદી થોભવાનું નામ નથી લેતી અને પોઇન્ટ તથા ભઠ્ઠીઓ પુન: શરૂ થઇ ગઇ હતી. અમુક જાગૃત યુવાનોએ જો બદી બંધ નહીં કરાય તો જનતા રેડની ચીમકી આપી હતી અને રેડ દરમ્યાન સોશિયલ મીડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અહીં દેશી દારૂ ઢીંચીને અનેક લોકો પાયમાલ થયા છે. અગાઉ ભચાઉમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે પુન: આવો કાંડ સર્જાય તે પહેલા આવી તમામ બદીઓ બંધ કરાવવા લોકોમાં માંગ ઊઠી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang