• ગુરુવાર, 16 મે, 2024

આચાર - વિચારની સંહિતા

ચૂંટણીપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનોથી આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ પછી ભાજપ અને કોંગ્રેસના પ્રમુખોને નોટિસ મોકલીને ખુલાસો - જવાબ માગ્યો છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર જાતિ, ધર્મ, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન નિર્માણ પેદા કરવાના આક્ષેપ કર્યા છે. ચૂંટણીપંચે કોઈ વડાપ્રધાનની વિરુદ્ધ ફરિયાદની નોંધ લીધી હોય તેવો પ્રથમ પ્રસંગ છે. આશા રાખવી જોઈએ કે, ચૂંટણીપંચની નોટિસ પછી તમામ નેતાઓ સતર્ક થઈ જશે. ચૂંટણી આચારસંહિતાનું પાલન થવું અનિવાર્ય છે અને એકબીજાને નિશાન બનાવતી વેળા સંયમ પણ જરૂરી છે. `દુશ્મની જમકર કરો, લેકિન ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયે તો શરમિંદા હો.' આજની રાજનીતિમાં શેરની પ્રાસંગિકતા વધારવી જોઈએ. આપણા દેશમાં રાજકારણ અને નેતાઓનું જે સ્તર છે, તેમાં અન્યોન્યનાં માન-મર્યાદા જાળવવાં જોઈએ. અપશબ્દો કે આક્રમક ટિપ્પણોની નિંદા થવી જોઈએ. કાયદો આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પણ અભિવ્યક્તિની સીમા પણ દાખવી છે. એકબીજાની નબળાઈઓને નિશાન બનાવવાનો શ્રેષ્ઠ સમય છે અને નેતાઓમાં સહનશીલતા પણ હોવી જોઈએ. ચૂંટણીના સમયે અનેક કાર્યકર્તા અને નાના નેતાઓનાં ખોટાં નિવેદનોની તો લોકો પોતાના સ્તર પર ઉપેક્ષા કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈ મોટા નેતા મર્યાદાની રેખા ઓળંગે તો ચર્ચા કે ફરિયાદ થઈ શકે છે. ચૂંટણીપંચે ત્વરિત ફરિયાદોની નોંધ લેવી જોઈએ. રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન માટે તોછડાઈથી, તુંકારાથી જે નિવેદનો અપાય છે તેનાથી દુ: થાય છે. રાહુલે સમજવું જોઈએ કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને ઉંમરમાં મોટા છે, બુઝુર્ગ છે. ઉંમરનું માન પણ જાળવવું જોઈએ. ભાજપે રાહુલ ગાંધી પર ચૂંટણીના લાભ માટે ભારતના લોકોનાં મનમાં ભાષાથી અને સાંસ્કૃતિક વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે, તો કોંગ્રેસે વડાપ્રધાનને `જુઠ્ઠા' કહ્યા છે. પહેલાં પણ વડાપ્રધાન વિશે રાહુલ અને તેમનાં માતા સોનિયા દ્વારા ભાષાની મર્યાદા ઓળંગતાં ઘણું બધું કહેવામાં આવ્યું છે; જેનું પરિણામ વિપક્ષો છેલ્લી અનેક ચૂંટણીઓમાં હારની સાથે ભોગવી ચૂક્યા છે. લક્ષમાં રહે કે, દુનિયાની નજર આજે ભારત ઉપર છે. ભારતની નેતાગીરી, અર્થાત્ વડાપ્રધાન મોદીનું માન વિશ્વભરમાં છે ત્યારે ઘરઆંગણે એક રાષ્ટ્રીય પક્ષના નેતા - વડાપ્રધાનને `શત્રુ' ગણતા હોય એવી ભાષા વાપરે ત્યારે રાહુલ ગાંધી સાથે ભારતની પણ બદનામી થાય છે. રાહુલમાં રાજકીય પરિપક્વતા ક્યારે આવશે તે કોઈ કહી શકે એમ નથી, પણ તેમણે અને તેમના પક્ષે સમજવું જોઈએ કે, લોકોને ગેરમાર્ગે દોરીને જીત મેળવવી રાજનીતિ નથી. રાજનીતિ છે કે, જે દેશને સાચી દિશામાં લઈ જાય. આચારસંહિતાનું પાલન ત્યારે થાય જ્યારે વિચારસંહિતા પણ યોગ્ય હોય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang