ગાંધીધામ, તા. 7 : ભચાઉના ભરૂડિયા ગામની સીમમાં આવેલી મુંબઇગરાઓની
બે જમીન ઉપર દબાણ કરી ખેડાણ કરનારા શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે બે ફરિયાદ
પોલીસ મથકે નોંધાઇ હતી. મહારાષ્ટ્રના થાણે મુંબઇ રહેતા ફરિયાદી ભચુ જીવરાજ શાહ (જૈન
ઓસવાળ)એ 2010માં ભરૂડિયાની સીમમાં હાજી અલીમામદ મામદ અમિન મેમણ પાસેથી જમીન ખરીદી હતી.
તેમની માલિકીની આ જમીનના 7-8 એકરમાં છેલ્લા બે વર્ષથી વલીમામદ સધિક વાઢાએ દબાણ કરી
ત્યાં ખેડાણ કર્યું હતું અને નાયબ મામલતદાર ભચાઉ-દબાણ-બે સમક્ષ ઉમરાવાળી ટકરી બાપદાદાના
વખતથી ખેતમજૂરી કરીએ છીએ. માપણી થયેથી દબાણ હશે તો કબજો છોડી દેશું તેવી કબૂલાત આપી
હતી તેમ છતાં આ જમીન પરથી કબજો મુક્ત કરાયો ન હતો. દરમ્યાન વૃદ્ધ એવા ફરિયાદીએ લેન્ડ
ગ્રેબિંગની કલમો તળે કાર્યવાહી થવા જિલ્લા સમાહર્તા સમક્ષ અરજી કરી હતી, જ્યાં બંને
પક્ષોને સાંભળ્યા બાદ આદેશ કરાતાં પોલીસે આ શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે
ગુનો નોંધ્યો હતો. તેમજ મુંબઇના કુર્લા વેસ્ટમાં રહેનાર વેપારી કાંતિલાલ વેલજી સગા
(ઓસવાળ જૈન)એ પણ વલીમામદ સધિક વાઢા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદીએ 2010માં પોતાની
જમીન હાજી અલીમામદ મામદ અમિન પાસેથી ખરીદી હતી જેમાં દોઢ-બે એકરમાં આરોપીએ ગેરકાયદેસર
રીતે દબાણ કરી લીધું હતું. આ પ્રકરણમાં પણ આરોપીએ કબજો ખાલી કરવાની કબૂલાત આપ્યા બાદ
જમીન ખાલી કરી નહોતી. ફરિયાદીએ બનાવ અંગે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવા માટે જિલ્લા
સમાહર્તા સમક્ષ અરજી કરી હતી, જેમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ કલેક્ટરે આદેશ કરતાં
ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.