• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

લેન્ડ ગ્રેબિંગમાં જખૌના શિક્ષકને સુપ્રીમ કોર્ટની રાહત : ગઢશીશા દુષ્કર્મ કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 7  : જમીન પચાવી પાડવાના આરોપ સાથે અબડાસાના જખૌ પોલીસ મથકમાં ગત વર્ષ 2023માં દાખલ થયેલા લેન્ડ ગ્રેબિંગ ધારાના ચકચારી કિસ્સામાં આરોપી ગામના શિક્ષક રામસંગજી વિજયરાજજી જાડેજાને રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે ધરપકડ સામે મનાઇહુકમ આપતી રાહત આપી હતી, તો બીજીબાજુ માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ મથકમાં દાખલ થયેલા બળાત્કારના કેસમાં આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાનાકાકળ ગામના રાકેશ કલમાસિંહ ભૂરિયાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલતે આપ્યો હતો. વ્યવસાયે શિક્ષક એવા જખૌના રામસંગજી જાડેજા દ્વારા  કરાયેલા મકાનના બાંધકામ અન્વયે તેમની સામે ગતવર્ષમાં જખૌ પોલીસમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં આરોપી દ્વારા કરાયેલી આગોતરા જામીનની માગણી પહેલાં ખાસ જિલ્લા અદાલત અને બાદમાં રાજ્યની વડી અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી. બાદમાં આ પ્રકરણ દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ લઇ જવાતાં બન્ને પક્ષને સાંભળી, જરૂરી આધાર-પુરાવા તપાસી કેસમાં આરોપીની ધરપકડ સામે મનાઇહુકમ આપતો આદેશ કરાયો હતો. કેસમાં આરોપી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી જિજ્ઞેશ એમ. નાયક રહ્યા હતા. જ્યારે માંડવી તાલુકાના વાંઢ ગામે માટીની મીલમાં રાત્રિના અંધકાર વચ્ચે ભોગ બનનારનો હાથ પકડી અને તેના મોઢે રૂમાલનો ડૂચો મારી ઓરડામાં લઇ જવા સાથે તેની સાથે દુષ્કર્મ આચરવાના આરોપ સાથેની ફરિયાદ આરોપી રાકેશ ભૂરિયા સામે 2023માં દાખલ થઇ હતી. આ કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યો હતો. અત્રેના પાંચમા અધિક સેશન્સ જજ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. ચાર સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવા તપાસી, બન્ને પક્ષને સાંભળી ન્યાયાધીશ દ્વારા ફરિયાદીના નિવેદનમાં વિરોધાભાષને લઇને રાકેશને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, મહેદ્ર ડી. મહેશ્વરી (માંડવી), ચિન્મય એચ. આચાર્ય, જિગરદાન એમ. ગઢવી અને રોહિત એમ. મહેશ્વરી રહ્યા હતા. - ફરિયાદ રદ કરતો આદેશ  : અંજની ઇન્ફ્રા. સ્પેસ કંપની લિમિટેડ નામની અમદાવાદની ડેવલોપર પેઢી સામે નલ વિલેજ અંતર્ગત ઊભી કરાયેલી રહેણાક વસાહતને લઇને કચ્છમાંથી બાકિંગ કરાવનારા ગ્રાહકો સહિતનાની ફરિયાદના કેસમાં ફરિયાદ રદ કરતો આદેશ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા કરાયો હતો. આ કેસમાં કંપનીના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલિન જેન્તીલાલ ભગત, કોમલ ચંદ્રેશભાઇ ઠક્કર અને ચિંતલ મહેન્દ્રભાઇ ઠક્કર રહ્યા હતા. - જમીન વિશેની અપીલ મંજૂર  : મુંદરા તાલુકાના ઝરપરા ગામે સર્વે નંબર 262/1 ખાતે આવેલી જમીનમાં પોતાનો હક્કભાગ મેળવવા અને આ ઠામ બાબતે બનાવાયેલા દસ્તાવેજ રદ કરવા માટે શિવરાજ ખેરાજ ગિલવા દ્વારા અંબાલાલ દેવજી પદમાણી અને ખેરાજ રાજદે ગિલવા સહિત 14 પ્રતિવાદી સામે દાવો કરાયો હતો. જેને ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રાથમિક તબક્કે કાઢી નખાયો હતો. આ હુકમ સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરાઇ હતી. કેસની સુનાવણીના અંતે શિવરાજ ગિલવાની આ અપીલ મંજૂર કરતો ચુકાદો અપાયો હતો. તેમના વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ ગઢવી સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, ખુશાલ મહેશ્વરી, જય કટુઆ અને નિરંજન સાધુ રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang