• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

ગાંધીધામ, તા. 7 : રાપર તાલુકાના ફતેહગઢ સીમમાં આધેડની હત્યા અને પુત્રીના અપહરણનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં સામેલ આરોપી રવિ હિરા કોળી (પારકરા) (ઉ.વ. 22) તથા  અપહ્યત યુવતી શિલ્પાબેન બાબુભાઈ કોળી (ઉ.વ. 20)એ  ફતેહગઢ સીમમાં ગળેફાંસો ખાઈ સજોડે મોતને વહાલું કર્યું હતું, જેને  લઈને ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફતેહગઢ સીમમાં નીલિયાસર તળાવ પાસે છરીના ઘા મારી જમણીબેન બાબુભાઈ કોળીની હત્યા નીપજાવવામાં આવી હતી. આરોપી રવિ  મૃતકના પુત્રી શિલ્પાબેનનું અપહરણ કરી લઈ ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે હત્યાના ગુનામાં  જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. તેવામાં ફતેહગઢ સીમમાં ખાનગી માલિકની વાડીમાં વૃક્ષોમાં બંને  જણે ચૂંદડી વડે ગળેફાંસો ખાધો હતો. રાપર પી.આઈ. જે.બી. બુબડિયાનો સંપર્ક કરતાં બંને મૃતકની એકમેક સાથે આંખ મળી હતી. આ સંબંધ બહાર આવતાં પરિવારજનોમાં  નારાજગી હતી. થોડા સમય અગાઉ મૃતક  શિલ્પાબેનના બીજા યુવક સાથે સગપણ નક્કી  થયાં હતાં. હત્યાના બનાવ બાદ થોડા કલાકો બાદ મૃતકોએ  અંતિમ પગલું ભરી લીધું હોવાનું લાગી રહ્યું છે. બંને મૃતદેહ કોહવાયેલી  હાલતમાં હોવાથી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવશે. આ અંગે વધુ તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang