• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ભચાઉ પંથકમાં આગજનીની ત્રણ ઘટનામાં ફાયર બ્રિગેડ દોડતી રહી

ભચાઉ, તા. 16 : ભીષણ ગરમી વચ્ચે આજે ભચાઉ તાલુકામાં એક દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળે આગ ફાટી નીકળતાં અગ્નિશમન દળની ટીમ દોડતી રહી હતી. જો કે, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ હતી. ભચાઉ તાલુકાના વોંધ હાઇવે પર આવેલી કિશાન હોટેલ પાસે આજે બપોરના 4 વાગ્યાના અરસામાં આગની ઘટના બની હતી. વીજતાર શોર્ટસર્કિટ થતાં બાવળની ઝાડીમાં અગનજ્વાળા ભભૂકી ઊઠી હતી. ઘટનાનાં પગલે ભચાઉ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બપોરના 12 વાગ્યાના સમયે શહેરના રામદેવપીર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં આગ લાગી હતી, જે પેટ્રોલ પંપ તરફ આગળ વધી રહી હતી, જો કે, ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો હતો અને બેથી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્રીજી ઘટના સાંજના અરસામાં પ્રકાશમાં આવી હતી. અહીંના નવા બસ સ્ટેશન પાસે આગ લાગતાં અગ્નિશમન દળની ટીમે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદ્નસીબે ત્રણેય બનાવોમાં જાનહાનિ ટળી હતી. કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપ ગંઢેર વગેરે જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang