• ગુરુવાર, 16 મે, 2024

ગુજરાતની શાળાઓમાં નવ મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન

અમદાવાદ, તા. 29 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં 9 મેથી કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારથી થશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં આવતાં શિક્ષકો મૂંઝવણમાં મુકાયા હતા. ગઇકાલે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પણ સત્વરે ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 9 મેથી રાજ્યમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24માં ઉનાળુ વેકેશન 6 મે 2024થી 9 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપરોક્ત તારીખોમાં ફેરફાર કરીને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન આગામી 9 મેથી 12 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવે છે. મહત્ત્વનું છે કે, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પત્ર લખીને વહેલામાં વહેલી તકે નવો પરિપત્ર જાહેર કરીને ઉનાળું વેકેશનની નવી તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે વેકેશન 8 અથવા 9 મેથી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang