• શુક્રવાર, 17 મે, 2024

હાજીપીરનો મેળો સાડા ચાર લાખ શ્રદ્ધાળુએ માણ્યો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 29 : સોદ્રાણાના શહેનશાહ એવાં હજરત હાજીપીર બાબાનો ત્રિદિવસીય મેળો સંપન્ન થયો છે. વખતે વેકેશન હોતાં કચ્છ ઉપરાંત કચ્છ બહારના સાડા ચાર લાખ શ્રદ્ધાળુ પોતાની મન્નત પૂરી કરી ગયા હતા. મુજાવર ઇસ્માઇલભાઇએ કહ્યું , આમ તો પદયાત્રીઓનો પ્રવાહ શુક્રવારે મેળા ભણી પહોંચી આવે છે, પણ શનિ, રવિ, સોમ એમ ત્રણ મુખ્ય દિવસ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવીને પોતાની મન્નત પૂરી કરી જાય છે. ઇસ્માઇલભાઇએ જણાવ્યું કે, વર્ષોથી હાજીપીર બાબાના મેળામાં સોમવારે મેળો સંપન્ન થાય અને બપોર બાદ હાજીપીરના પડમાં પવન અને ધૂળની ડમરી ઊડે... હાજીપીર જો મેળો પૂરો થયો હાણે વેનો ઘર ડીયા... મતલબ હાજીપીરના મેળાના સોમવારે આવું કાંઇ પવન સાથે ધૂળની ડમરી ઊડે અને સંકેત મળે કે, હવે મેળો પૂરો થયો. સરપંચ મુજાવર હાજીભાઇએ કહ્યું કે, રાબેતા મુજબ ત્રિદિવસીય મેળો શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો. મેળાને તમામ તંત્રનો સહયોગ સાંપડયો હતો. મેળામા કચ્છ બહારના ભાવિકો પોતાના પરિવાર સાથે બે દિવસ મેળામાં રહે છે. ખાનગી વાહનો લઇને આવે છે. પોતાની માનતા પ્રમાણે ન્યાઝ (જમણવાર) કરે છે. કચ્છમિત્રે એવા એક પરિવારને પૂછતા તેમણે... વલીની મઝારે દૂરથી આવીએ અને મેળો મનભરી માણીએ બાર મહિને વલીનો હુકમ થાય તો બે દિવસ શ્રદ્ધારૂપી મનને એક વાર નહીં બાર બાર સલામ ભરવાની ઇચ્છા થાય. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા ભીડમાં અમુક લોકોનાં ખિસ્સા હળવા થયાની ફરિયાદો સામે આવી હતી. વખતે ખાનગી વાહનો મોટા પ્રમાણમાં આવતા એસ.ટી.ની આવકમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતા દેખાડાઇ હતી. હાજીપીરનો મુખ્ય રસ્તો ખરાબ હોતા વખતે બુરકલ, ફુલાય, પૈયા, જતાવીરા, મોટી વિરાણીવાળા માર્ગે વાહનોની લાઇન લાગી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang