• ગુરુવાર, 16 મે, 2024

શેરબજારમાં આવી રોનક : સેન્સેક્સ 941 અંક ઉછળ્યો

મુંબઈ, તા. 29 : બેંકિંગ અને ઈન્ફ્રા શેરોમાં ખરીદી તેમજ વિવિધ સાનુકૂળ પરિબળોના કારણે વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે સોમવારના ખૂલતા સત્રમાં બીએસઈ સેન્સેક્સ 941 (1.28 ટકા) અંક ઉછળી 74,671.28 પર, જ્યારે નિફ્ટી 223.45 (1 ટકા) વધીને 22,643.40ની  સપાટી પર બંધ થયો હતો, તો બેન્ક નિફ્ટીએ 1223 અંક (2.54 ટકા) વધીને 49,424.05 પર વિરામ લીધો હતો. શેરબજારમાં આવેલી રોનકથી એક દિવસમાં રોકાણકારોની મૂડીમાં રૂા. 2.4 લાખ કરોડનો વધારો થયો હતો. વૈશ્વિક બજારોના મજબૂત સંકેતોના પગલે સ્થાનિક બજારોએ મજબૂત શરૂઆત કરી હતી અને જેમ સત્ર આગળ વધતું ગયું તેમ નાણાકીય ક્ષેત્રની આગેવાની નીચે બજાર દિવસની ઊંચાઈએ બંધ રહ્યું હતું. નિફ્ટીમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેન્ક સૌથી વધુ ઉછળ્યા હતા, જ્યારે એચસીએલ ટેક. એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ અને એલટીઆઈ માઈન્ડ ટ્રીના ભાવ સૌથી વધુ ઘટયા હતા. રિયલ્ટીને બાદ કરતાં અન્ય ક્ષેત્રો જેવાં કે હેલ્થકેર, મેટલ, પાવર બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ 0.4થી 2 ટકા જેટલા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકા વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો.નિફ્ટી બેન્ક આજે ગત બે મહિનામાં સૌથી અધિક વધ્યો હતો. ઈન્ટ્રાડેમાં એક તબક્કે તે 2.5 ટકા વધીને 49,473.60ના સ્તરે પહોંચ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang