• ગુરુવાર, 16 મે, 2024

ભુજ મતવિસ્તારમાં ભાજપની સરસાઇ તોડવાનો કોંગી સામે પડકાર

ગિરીશ જોશી અને કેયૂર વૈદ્ય દ્વારા: ભુજ, તા. 29 : `ભોજ ભડાકા ભેડ જા નાકા...' આવી લોક હૈયે સંભળાતી કહેવત ભુજ શહેર સાથે જોડાયેલી છે. શહેરી મતવિસ્તારને આવરી લેતી બેઠક કચ્છની વિધાનસભા બેઠક પૈકી જુદી તાસીર ધરાવે છે. અહીં બન્ની પંથક છે, આહીરપટ્ટી અને પટેલ ચોવીસીની વચ્ચે ભુજ શહેરનો શહેરી મતદાર વસે છે, ભુજમાં વસતા નાગરિકો ભલે શહેરીજનો ગણાય છે, છતાં એક એવું શહેર છે જેમાં આખા કચ્છે જમાવટ કરતા ગામડાંના લોકો સૌથી વધુ ભુજમાં રહેવાનું પસંદ કરે છે, અહીંના હમીરસર તળાવને ભુજ નહીં આખા કચ્છનું હૃદય ઓળખાય છે. આવી લાગણીઓથી જોડાયેલા ભુજ મતવિસ્તારમાં 18મી લોકસભાની ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે, મતદારોના રંગઢંગ કેવા છે જાણવા કચ્છમિત્રની ટીમે છેક ઉપર બન્નીથી લઇ નીચે પટેલ ચોવીસી સુધી દિવસભરની રઝળપાટ કરી તો `કેર ખટધો'ની ચર્ચાનો દોર શરૂ થઇ ગયો...પચ્છમથી ખાવડા થઇ નાની-મોટી બન્ની, આહીરપટ્ટી, ભુજ શહેર અને પટેલ ચોવીસીના ગામોમાં 350 કિ.મી.ના પ્રવાસ દરમ્યાન અનેક તળપદા મતદારોને મળવાનો મોકો મળ્યો હતો. ખાવડાથી ધોરડો-હાજીપીર જતા રસ્તે 45 ડિગ્રી ગરમીમાં એક બાજુ રણની ઊડતી ધૂળની ડમરીઓ અને રણોત્સવનો વિકાસ બંને જોવા મળ્યા હતા.કચ્છ લોકસભાની 2024ની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ વચ્ચે છે અને અનુ. જાતિ માટેની અનામત બેઠક પર ભાજપ તરફે સતત ત્રીજી વખત વિનોદભાઇ ચાવડા તો કોંગ્રેસે યુવા ઉમેદવાર નીતેશભાઇ લાલણની પસંદગી કરી છે, ત્યારે 2019માં ત્રણ લાખથી વધુ મતની સરસાઇ મેળવી વિનોદભાઇએ વખતના કોંગ્રેસના ઉમેદવાર સ્વ. નરેશ મહેશ્વરીને પરાસ્ત કર્યા હતા.- ભાજપની બે વખત જીત: 2014માં જ્યારે વિનોદ ચાવડાને પ્રથમ વખત ટિકિટ ફાળવવામાં આવી ત્યારે ભાજપના સૌથી યુવા ઉમેદવાર હતા અને સંભવત: 34 વર્ષીય દેશના સૌથી નાના સાંસદ ચૂંટાયા હતા.ભૂતકાળમાં ડોકિયું કરીએ તો 2014માં તેઓને ભુજ મતવિસ્તારમાંથી 82,933 મતની સરસાઇ મળી હતી અને ડો. દિનેશ પરમાર સામે જીત્યા હતા, તો 2019માં સરસાઇ ઘટીને 49,253 થઇ હતી. જો કે, 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેશુભાઇ પટેલને 59,814 મતની લીડ મળી હતી.- કુલ મતદાન 2.95 લાખ: 2022ની ચૂંટણી બાદ અત્યારે 2024ની લોકસભાની ચૂંટણી આવી છે, ત્યારે મતદારોમાં સતત વધારો થતો જાય છે. આવી સ્થિતિમાં અત્યારે ભુજ વિધાનસભા મતવિસ્તારનું કુલ મતદાન 2,95,398 થઇ ગયું છે, જ્યારે 2022માં 2,91,285 મત હતા, જેમાં 1,49,192 (પુરુષ), 1,46,206 (ત્રી) મતદાતાઓ છે. બે વર્ષમાં ચાર હજાર મતમાં વૃદ્ધિ થઇ છે.- સૌથી વધુ મુસ્લિમ મતો: ભુજ મત વિસ્તાર એક એવો તળપદો વિસ્તાર ગણાય છે જ્યારે મોટી મોટી જ્ઞાતિઓ આવેલી છે કેમ કે, બન્ની-પચ્છમ અને ભુજ શહેરમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા એક લાખને પાર કરી ગઇ છે. કુલ 2.95 લાખમાંથી એક લાખ મુસ્લિમો, જ્યારે બીજા નંબરે પટેલ મત છે. તેઓની સંખ્યા 42 હજાર છે, 27 હજાર અંત્યજ, 19,500 બ્રાહ્મણ, 14 હજાર લોહાણા, 10 હજાર ક્ષત્રિય, 9500 આહીર, 12 હજાર જૈન છે.હવે જુદી જુદી મોટી જ્ઞાતિઓની પ્રભુત્વ ધરાવતી ભુજ વિધાનસભા બેઠક અંગે મુસ્લિમો પણ કંઇક અલગ-અલગ છે, કેમ કે, પચ્છમનો ભાગ, નાની-મોટી બન્ની અને ભુજ શહેરના મુસ્લિમોની પણ તાસીર જુદી જુદી છે.- ભુજ શહેર ભાજપનો ગઢ: ભુજ વિધાનસભા હેઠળ આવતાં કચ્છનું પાટનગર ભુજ શહેર અત્યારે તો ભાજપનો ગઢ ગણાય છે. કેમ કે, 1995થી શહેરની નગરપાલિકા ઉપર ભગવો લહેરાય છે. પાંચ નાકા અને છઠ્ઠી બારીને ફરતે આવેલી ગઢરાંગ જાણે ભાજપનો મજબૂત કિલ્લો હોય તેમ અત્યારે પણ 11 વોર્ડના 44 નગરસેવકોમાંથી 36 નગરસેવકો ભાજપના ચૂંટાયેલા છે જ્યારે કોંગ્રેસ પાસે 8 સભ્યો છે.અંદાજે 1.50 લાખનું મતદાન ધરાવતા શહેરમાં પણ સૌથી વધુ મતદારો મુસ્લિમ 40 હજારની આસપાસ છે.1985થી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી હતી પહેલાં શહેરમાં કોંગ્રેસનું શાસન હતું. 85માં કુલ્લ 35 નગરસેવકો હતા તેમાંથી 17 કોંગ્રેસના અને 18 ભાજપના ચૂંટાયા હતા. જો કે આજના ભાજપ પહેલાં જનસંઘ હોવાથી 1978માં જનસંઘમાં એક મહિલા ચૂંટાયા ત્યારે પ્રવેશ શરૂ થયો હતો. 78માં કલ્પનાબેન રસિકભાઇ ઠક્કર જનસંઘમાંથી ચૂંટાઇને નગરપાલિકામાં પ્રવેશ કર્યો હતો. શહેરમાં મુખ્ય મતદારો મુસ્લિમ ઉપરાંત 15 હજાર લોહાણા, 10 હજાર જૈન, 7 હજાર ક્ષત્રિય, 12 હજાર બ્રાહ્મણ સહિતની જ્ઞાતિઓ આવે છે.- પટેલ ચોવીસી મોદીમય: પટેલ ચોવીસીનાં ગામોમાં હંમેશાં ભાજપનું જોર રહે છે. સમૃદ્ધ એવા નારાણપર ગામે પહોંચ્યા તો સ્વામિનારાયણ મંદિર પરિસરમાં મળેલા સામબાઇ પ્રેમજી વાઘજિયાણી નામના મહિલા ખેડૂતે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કામથી સંતોષ હોવાનું કહેતાં ઉમેર્યું ખરું કે, મોદી જેવા રાજા ક્યાંથી મળવાના વ્યવસાયે શિક્ષક એવા દક્ષાબેન વિનોદ વેકરિયાએ પણ કહ્યું કે, મોદીનું નામ એમ ગુંજતું નથી, તેમનું કામ બોલે છે. ખેડૂતોને સબસિડી, બેટી બચાવો બેટી પઢાઓ, સોલાર રૂફ, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ વખતે પણ કચ્છની બેઠક ભાજપને અપાવશે.ભુજ નગરમાં રિટાયર્ડ બેંક કર્મચારી એવા દેવેન્દ્રભાઇ ધોળકિયાએ કહ્યું કે, વિકાસ દેખાય છે અને ગરીબમાં ગરીબ માણસ સુધી તેના ફળ પહોંચ્યા છે.શહેરના મેનાબેન કપૂર નામના મહિલા મતદારે કહ્યું કે, કેન્દ્ર સરકારની મહિલાલક્ષી યોજનાઓથી મોટા વર્ગને ફાયદો થયો છે.- બન્ની-પચ્છમની તાસીર: બન્ની અને પચ્છમ એમ લોકબોલીના શબ્દ છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે, રીત-રિવાજ અલગ છે. પચ્છમની શરૂઆત બુડિયાથી થાય છે. જુણા, કાઢવાંઢ, ખાવડા, કુરન, કોટડા, નાના-મોટા દિનારા સહિતના મોટા-મોટા ગામોનો સમાવેશ થાય છે. અહીં મોટાભાગની સમા અને સુમરા કોમ વસે છે, પચ્છમનું મતદાન અંદાજે 22 હજાર છે, જ્યારે હાજીપીરથી શરૂ થતી નાની-મોટી બન્નીમાં ભીરંડિયારા-ઉગમણી બન્ની કહેવાય, જ્યારે  આથમણી મોટી બન્ની ઓળખાય છે. ધોરડો, હોડકો, ગોરેવલી સહિતનાં ગામો છે. બન્નીમાં 40 ગામ આવે છે, જેનું મતદાન 18 હજારથી વધારે છે. મુતવા, જત, હાલેપોત્રા, રાયશીપોત્રા, બંભા, પઠાણ વગેરેનો સમાવેશ થાય છે.ભુજ શહેર ઉપરાંત ભુજ તાલુકાના અન્ય ગામોમાં મુસ્લિમોનું મતદાન 60 હજારની આસપાસ છે. મતદાતાઓમાં ખાસ કરીને બકાલી, સમા, સુમરા, મેમણ, નોતિયાર, કુંભાર, પઠાણ આવે છે.- બન્ની-પચ્છમનો તફાવત: પચ્છમ વિસ્તારમાં બન્ની કરતાં મતદાન વધારે છે અને ગામડાંઓમાં ફરતા ભલે સામે ચાલીને કોઇ બોલવા તૈયાર થયા છતાં મતદારોની શારીરિક ભાષા અને અત્યાર સુધી થતા મતદાન પરથી લાગ્યું કે પચ્છમમાં કોંગ્રેસનું પલડું ભારે હતું, તો રણોત્સવના લીધે વિકાસની હરણફાળ ભરી છે એવા બન્ની વિસ્તારના લોકોએ સ્પષ્ટ કહ્યું કે, અગર મોદીની નજર પડી હોય તો અહીં અફાટ રણ હોત. આજે વિશ્વના નકશા પર અમારો વિસ્તાર જોવા મળે છે તે ભાજપ સરકારને આભારી છે, એવો ભાજપ તરફી હોવાનો લોકોએ એકરાર કર્યો હતો.- કોણે ક્યાં શું કહ્યું: ધોરડોના સરપંચ મિંયા હુસેન મુતવાએ જણાવ્યું કે, કરોડો રૂપિયાના ખર્ચે ધોરડોનો વિકાસ થયો, અહીંના અનેક લોકોને રોજગારી મળી છે, વિશ્વમાં ધોરડોને સ્થાન બધું ભાજપ સરકારને આભારી છે, એટલે અહીંના મતદાતાઓ ભાજપ તરફી છે. કુરનના સાંગાભાઇ મારવાડા કહે છે, અમારા ગામને તો સાંસદે દત્તક લીધું છે, ઘણી સુવિધાઓ મળી, ક્યારેય વિચાર્યું પણ હતું કે ગામમાં સી.સી. કેમેરા લાગશે, પણ લાગી ગયા છે.ભીરંડિયારામાં મજૂરીકામ કરતા સચુ શકુર રાયશીને પૂછ્યું કે, શું છે તો તેમણે કહ્યું કે, ખબર નાંય પણ હાણે ફેર ભધલી થિયે એડો લગેતો. અંધૌના જુસબ સુલેમાન નોડેએ જણાવ્યું કે, અમારી પાસે કોંગ્રેસ છે, કેમ કે, વર્ષો થયા અમારા વિસ્તારના કોઇ કામ થતા નથી. વિકાસની માત્ર વાતો થાય છે. સુમાર રાયશીપોત્રાએ જણાવ્યું કે, વિકાસ છે, પણ માત્ર રસ્તા સુધી, અહીં કોઇને રોજગારી મળતી નથી.અહીંના મુખ્યમથક ખાવડામાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય રસીદભાઇ પ્રચારમાં વ્યસ્ત હતા, પણ જેમીન ઠક્કર નામનો યુવા મતદાર મળ્યો તેમણે કહ્યું કે, અહીં કોંગ્રેસ તરફી ભલે જોક છે, પણ જીતશે તો ભાજપ કેમ કે, વિસ્તાર કોંગ્રેસની વોટ બેંક ગણાય છે.સરહદ ઉપર ચાલતા આરી પાર્કના પ્રોજેક્ટમાં મજૂરીકામ અર્થે ધ્રોબાણા સહિતના મજૂરો કામ કરે છે. અમે પહોંચ્યા ત્યારે શુક્રવાર હોવાથી રજા હતી, ગામમાં મળી ગયેલો અકરમ નામનો યુવાન કહે છે, અમારા બાવડામાં જોર છે, પથ્થર તોડીએ છીએ, ભણેલા નથી નહીંતર કોમ્પ્યુટર ચલાવતા હોત.ભલે ઓટલે બેઠા હતા, પણ વાતો મોટી કરતા હતા કેમ કે, ગની હોથી નામની વ્યક્તિએ જણાવ્યું કે, મજૂરી મળે છે બાકી કંઇ નથી. બસ તો બાજુમાં બેઠેલા એક યુવાને કહ્યું, અમારા દરેક ઘરમાં એકથી બે બાઇક છે. ગામના પાદરે બાઇક વેચતી કંપની નથી, બાઇક વેચાણ કરવા ધ્રોબાણા સુધી આવી હોવાથી વિકાસ કેવો હશે તેના પરથી જોવા મળ્યું હતું.- ક્ષત્રિયોની નારાજગી: અત્યારે રૂપાલાનાં નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળે છે. ભુજ મત વિસ્તારમાં ક્ષત્રિયોનું મતદાન 9500 છે, તેની મોટી અસર થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારની ભુજ બેઠકના ગજોડ ગામના બળુભા જાડેજા કહે છે કે, દરેક ગામોમાં ભાજપનો વિરોધ છે, હવે સમજાવટ શક્ય નથી.ભુજ શહેરમાં રહેલા ક્ષત્રિય આગેવાન સમથસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, સમાજનો નિર્ણય છે અને અમારી અસ્મિતાનો સવાલ છે, માફીને લાયક નથી. વખતે ભાજપ સાથે નથી અમારો અંતિમ નિર્ણય છે.તો ભાજપની પ્રચાર ઝુંબેશમાં વિનોદભાઇની સાથે રહેતા શહેરના ક્ષત્રિય આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાએ બાબતે કહ્યું કે, હું ભાજપમાં જોડાયેલો છું અને ક્ષત્રિયોનો ધર્મ છે, જ્યાંહો ત્યાં વફાદારી નિભાવવી. બસ, ક્ષત્રિય ધર્મ નિભાવું છું. સમાજથી હું ઉપરવટ નથી, સમાજનું મને પણ ગૌરવ છે એટલે આશા છે બધું ઇશ્વર કૃપાથી સમજાવટના પ્રયાસોમાં માતાજી સાથ આપશે.- આહીરપટ્ટીમાં રાજીપો-નારાજી: ભુજ બેઠક હેઠળ આહીરપટ્ટીનાં ગામડાં પણ આવે છે. કુનરિયા, નોખાણિયા, ઢોરી, સુમરાસર, કોડાય સહિતના ગામો આવતા હોવાથી ધોમધખતા તાપમાં વડના છાંયડામાં બેઠેલા મોટી ઉંમરના વડીલોએ પોતાનાં નામ ભલે નહીં આપ્યા, પરંતુ કહ્યું કે, ચૂંટણી છે-ખબર છે, અમારી પાસે તો કામ થયાનું જણાવ્યું હતું, તો અચાનક એક ખેડૂત ઊભા થયા ને જણાવ્યું કે, અમારો સંદેશ મોદી સુધી પહોંચાડ જો ને કે'જો ખેડૂતોને શા માટે અન્યાય કરાય છે ?- પ્રશ્નો શું નડે છે ?: ચૂંટણી ચકરાવાને લઇ ભુજ વિધાનસભા બેઠકનો જ્યારે પ્રવાસ કર્યો તો શહેરથી માંડી ગામડાંના કેટલાક પ્રશ્નો સામે આવ્યા હતા. ભુજ શહેરમાં સૌથી મોટી સમસ્યા પાણીની હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું. સતત 15 દિવસ શહેરમાં પાણી બંધ પડી જાય ને બીજી વૈકલ્પિક વ્યવસ્થા આટલા મોટા શહેરમાં હોય તે દુ:ખની વાત ગણાવી હતી.નગરપાલિકા તંત્રની વ્યવસ્થા સાવ ખાડે ગઇ હોવાનું જણાવ્યું હતું. ભાજપની બધી જગ્યાએ બહુમતી મળે ને પીવાનાં પાણીની સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ કેમ નથી એવા વેધક સવાલ પણ કરાયા હતા. વાતને ખુદ ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇએ સ્વીકારીને કહ્યું કે, પોતે ગંભીર છે. ટૂંક સમયમાં કાયમી ઉકેલ કરીને રહેશે, તેવી ખાતરી આપી હતી.બન્ની વિસ્તારમાં પહોંચ્યા તો બન્નીના માલધારીઓએ જણાવ્યું કે, ભાજપ અત્યારે છે, પહેલાં કોંગ્રેસની સરકાર હતી, બન્નીને કાયમી હક્ક આપવા કોઇએ કંઇ નથી કર્યું. આઝાદીના ઇતિહાસમાં બન્નીને મહેસૂલી હક્ક મળ્યા, હવે ક્યારે મળશે એવું જણાવ્યું હતું.પચ્છમના નાગરિકોએ જણાવ્યું કે, રસ્તા ક્યાંક વધુ સારા બન્યા છે, પરંતુ ગામડાંના આંતરિક રોડની હાલત તો જુઓ, ચોમાસામાં કોઇ?વાહન ચાલી શકતા નથી. રોજગારીની કાયમી સમસ્યા છે, પીવાનું પાણી હોય કે આરોગ્યની સેવા અમને હંમેશાં અન્યાય થાય છે.એકંદરે ભુજ મતવિસ્તાર નોખા પંથક, નોખી તાસીરના લોકોનો બનેલો છે. શહેરી વર્ગ મોટો છે. જિલ્લા મથક હોવાના નાતે સરકારી કર્મચારીઓ, નિવૃત્ત નગરજનોની સંખ્યા નોંધપાત્ર છે. વિસ્તાર એકંદરે રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયેલો રહ્યો છે. 7મી મેના મતદાન માટે મોટી સંખ્યામાં નીકળે છે કે નહીં જોવાનું રહે છે. પોતા તરફે સરસાઈ માટે બન્ને મુખ્ય પ્રતિસ્પર્ધી જહેમત લઈ રહ્યા છે, એનું કેવું પરિણામ આવશે જોવાનું રહે છે.- બંને પક્ષે આગેવાનો વ્યસ્ત: દરમ્યાન ભલે ચૂંટણીમાં અગાઉ જેવો ધજા-પતાકાવાળો માહોલ નથી. આખાય મતવિસ્તારમાં ભુજ સિવાય ક્યાંય ઝંડા, બેનર કે તોરણ કોઈ પક્ષના જોવા મળ્યા નહોતા, પણ બંને પક્ષના આગેવાનો-કાર્યકરોની ગાડીઓ ક્યાંક દોડતી હતી. ભાજપના ઈન્ચાર્જ હિતેશ ખંડોર, મનુભા જાડેજા, રીતેન ગોર, શહેરના બાબુભાઈ મોતા, ભૌમિક વચ્છરાજાની, જયદીપસિંહ જાડેજા, ભીમજી જોધાણી, વાઘજી આહીર, હરિભાઈ ગાગલ, અશોક રાજપૂત પ્રચારમાં જોડાયેલા હતા.સામે કોંગ્રેસના અરજણભાઈ ભુડિયા, કિશોરદાન ગઢવી, ગનીભાઈ કુંભાર, રામદેવસિંહ જાડેજા, કાસમ સમા, લાખાજી સોઢા, અંજલિ ગોર, મુસ્તાક હિંગોરજા, રાજેશ ત્રિવેદી સહિતના આગેવાનો સવાર પડે ને પ્રચારમાં નીકળી જાય છે. એક ચિંતા ઉનાળાની કાળઝાળ ગરમીની છે. લોકો સાતમી મેના મતદાન મથક સુધી મોટી સંખ્યામાં ઊમટી પડે એવા પ્રયત્નો આસપાસ રણનીતિ ઘડાઇ રહી છે.(પૂરક માહિતી : અમારા પ્રતિનિધિઓ - હીરાલાલ રાજદે (ખાવડા), અલી રાયશીપોત્રા (ભીરંડિયારા), રમેશ આહીર (રાયધણપર), વસંત પટેલ (કેરા) - ભુજમાં વિનોદભાઇની લીડ વધશે : ભુજ, તા. 29 : લોકસભા ચૂંટણીના પરિણામોમાં કચ્છ પણ એક બેઠક સાથે ભાજપને સંપૂર્ણ સાથ આપશે એવો વિશ્વાસ ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. કચ્છમિત્રને કેશુભાઈએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, અત્યારનો માહોલ ભાજપ તરફી છે અને ગયા વખત કરતાં વિનોદભાઈ ચાવડાની સરસાઈ વધશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો?હતો. મતોની સરસાઈ વધવાના દાવાના કારણ આપતાં તેમણે કહ્યું કે, નવા મતદારો ઉમેરાયા છે તેઓ પીએમ મોદીમાં વિશ્વાસ ધરાવે છે અને ભુજ મતવિસ્તારની દૃષ્ટિએ ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ મતદારોએ પક્ષ તરફી મતદાન કર્યું હતું અને વખતે પણ કરશે એવો વિશ્વાસ છે. દરબારોના વિરોધનું શું સવાલનો જવાબ આપતાં કેશુભાઈએ કહ્યું કે, ભુજ મતવિસ્તારની વાત કરું તો અહીં વિરોધ જેવું ખાસ છે નહીં. ભુજ વિધાનસભામાં મોટાભાગના ગામોમાં પ્રચાર કરી આવ્યા છીએ અને ભુજના વોર્ડોમાં પણ બેઠકો થઈ ગઈ છે અને દરેક જગ્યાએ ભાજપ તરફી વાતાવરણ છે. કેશુભાઈએ કહ્યું કે, વિરોધ દેખાવોમાં ગમે તેટલી ભીડ ઊમટે, મતદારોનું મન ભાજપ તરફી છે. તેમણે પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે પણ કેટલા લોકો ભેગા થતા હતા, પણ પરિણામ આપણે સૌએ જોયું છે. તેમણે છેલ્લા દશકામાં અને ખાસ તો પાંચ વર્ષમાં કચ્છનો વિકાસ થયો હોવાનું કહેતાં ઉમેર્યું કે તમે ખાવડા વિસ્તારમાં જશો તો વિકાસ ઊડીને આંખે વળગશે. બન્નીનો પ્રશ્ન લાંબાગાળાનો છે, તેને ઉકેલવાના પ્રયાસ જારી છે અને મને નથી લાગતું કે મુદ્દો અત્યારની ચૂંટણીમાં નડે. પ્રશ્ન અઘરો છે, લાંબો છે, વર્ષોનો છે, પરંતુ તેનો ઉકેલ આવશે , એમ કેશુભાઈએ જણાવ્યું હતું. - ભુજમાં ભાજપ સામે આક્રોશ છે : ભુજ, તા. 29 : કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને જનસમર્થન મળી રહ્યું છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે સૌને બાબતની ખબર પડી જશે એમ કહેતાં લોકસભા ચૂંટણી માટે ભુજ મતવિસ્તારના ઈન્ચાર્જ આદમ ચાકીએ જણાવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ જોરમાં છે. ભાજપ તેના પ્રચારના જોરમાં મુસ્તાક છે, પરંતુ જનતામાં ભારોભાર આક્રોશ છે જેનો પડઘો મતદાન વખતે પડશે . વખતે તો જે મત કોંગ્રેસને નથી મળતા તે પણ મળવાના છે. ભુજ વિધાનસભા વિસ્તાર સરસાઈ આપશે એમ કહીને તેમણે કહ્યું કે, નાના લોકો ભય હેઠળ જીવી રહ્યા છે અને અધૂરામાં પૂરું દરબારોનો વિરોધ છે, જે પણ કોંગ્રેસને ફાયદો કરાવશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આકર્ષી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓલક્ષી વચનોથી મહિલા મતદારો કોંગ્રેસ તરફ ઢળે તેવી આશા છે. આદમભાઈએ કહ્યું કે, અત્યારે વિકાસ-વિકાસનો જે પ્રચાર કરાય છે તે હકીકતમાં ખોખલો છે. સામાન્ય માણસોને કોઈ ફાયદો થયો નથી. ધોરડો કહો કે ખાવડા આરઈ પરિયોજના કહો, તેના વિકાસના ફળ મર્યાદિત છે. તેમણે કહ્યું કે, ધોરડોનો વિકાસ થયો તે 100 ટકા કબૂલ, ધોરડોને પાણી મળ્યું  પણ તેના નજીકનાં ગામો પાણી માટે વલખાં મારે છે તો કહો કે તે કેવો વિકાસ છે. દરબારોનો વિરોધ વખતે ભાજપને ભારે પડવાનો છે એમ કહેતાં તેમણે કહ્યું કે, વિરોધની અસર પચ્છમમાં વિશેષ જોવા મળશે. શહેરી મતદારોનું શું તેવું પૂછતાં પીઢ નેતાએ કહ્યું કે, તેમાં પક્ષને મહેનત કરવી પડશે અને તેનું પણ આયોજન ઘડાઈ રહ્યું છે. શહેરી લોકો મતદાન તરફ નીરસ રહેતા હોય છે તેમને બહાર લાવવાના પ્રયાસો કરવા પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang