• ગુરુવાર, 16 મે, 2024

મોટા મતિયાપીર સ્થાનકે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા

નલિયા, તા. 29 : અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલા મોટા મતિયાપીરના સ્થાનકે દર વર્ષની જેમ વર્ષે પણ ચૈત્ર માસની ત્રીજ અને ચોથના દિવસે યોજાયેલા મેળામાં જામનગર, રાજકોટ અને કચ્છ વિસ્તારના મહેશ્વરી સમાજના ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. મેળામાં પગે ચાલી ગયેલા યાત્રાળુઓ માટે રસ્તામાં અલગ અલગ સ્થાન ઉપર સેવા કેમ્પ ઊભા કરાયા હતા. વખતે શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી હજારોની સંખ્યામાં મહેશ્વરી સમાજના શ્રદ્ધાળુઓ સહપરિવાર મેળામાં ઉમટી પડ્યા હતા. મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ મતિયાપીરના સ્થાનકે મહાઆરતી ત્યારબાદ રાસ-ગરબા બાદ શ્રદ્ધાળુઓએ માથું નમાવી જ્ઞાનકથનનો લાભ લીધો હતો. મેળામાં રાજકોટ, જામનગર અને કચ્છના વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવે છે. મેળો રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેતો હોવાથી લોકોએ મેળાની મોજ માણી હતી. બારમતિયા પંથ, પેડી પ્રસાદ અને ધૂપ સહિત કાર્યક્રમ યોજાયા હતા. સમસ્ત મહેશ્વરી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ સહિતના સેવાભાવી લોકોએ વ્યવસ્થા સંભાળી હતી. મેળામાં આવન-જાવન માટે એસ.ટી. બસની સુવિધા ગોઠવવામાં આવી હતી. સાથે પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર મળ્યો હતો. મેળામાં સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. ગુડથર મતિયાપીરના મેળામાં આવેલા ભાવિકોમાંથી ઘણા લોકો વળતા વિંઝાણની પાસે આવેલા મતિયાદેવના દર્શનાર્થે પણ જાય છે. અહીં પણ દર્શન સહિત બારમતી પંથ સહિતના કાર્યક્રમો યોજાય છે તેવું અહીંના વેપારી હિતેશભાઈ શાહે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang