• મંગળવાર, 07 મે, 2024

એલોપેથી આરોપીના પાંજરામાં !

ભ્રામક જાહેરખબરોના પ્રકરણની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એલોપેથીના ડોક્ટરો અને જાહેરખબરોની `ખબર' લીધી છે ! ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, એલોપેથીની ઝાટકણી કાઢતાં કોર્ટે કહ્યું કે, પતંજલિ સામે આંગળી ઉઠાવી છે, ત્યારે ચાર આંગળી એલોપેથી ભણી નિર્દેશ કરે છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની જનતાને ભ્રમિત કરનારી જાહેરખબરો પણ પ્રકાશિત થઈ રહી છે. આનાથી વિશેષરૂપથી શિશુઓ, શાળાએ જનારાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોનાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. કોર્ટે કેન્દ્રીય ગ્રાહકોનાં હિત સંબંધિત વિભાગ સાથે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાઈસન્સિંગ અધિકારીઓને પ્રકરણમાં પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આઈએમએને ઘણા સવાલ કર્યા છે, જેનો તેને સંતોષકારક ઉત્તર મળવાની શંકા છે. એલોપેથી ડોક્ટરો બિનઆવશ્યક અને મોંઘી દવાઓ લખવાની સાથે કેટલીક ખાસ દવાઓની તરફેણ શા માટે કરે છે ? સૌ કોઈ જાણે છે કે, એલોપેથી મેડિકલ ક્ષેત્રમાં વધુ નફાખોરી છે. કારણે સુપ્રીમ કોર્ટે કહેવું પડયું છે કે, તપાસની જરૂર છે. એલોપેથી ડોક્ટરો અનેક વખત દવાઓ ઉપયોગિતાના આધાર પર નહીં, પરંતુ વ્યક્તિગત લાભ માટે તેનું વેચાણ વધારવાનું કામ કરે છે. આના બદલામાં દવા કંપનીઓથી મોંઘી ગિફ્ટો લેવાની સાથે તેમના ખર્ચે વિદેશ પ્રવાસ કરે છે, રોકડ પણ લેવાય છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓ પર પણ લાલઆંખ કરી છે, જે ભ્રામક જાહેરખબરો દ્વારા ઉત્પાદનોનો પ્રચાર કરતી હોય છે, જે શિશુઓની અને શાળાનાં બાળકો સાથે વૃદ્ધોનાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ભ્રામક જાહેરખબરોની વિરુદ્ધ કાર્યવાહીની માહિતી માગી છે. કારણ કે, અનેક કંપનીઓ ભ્રામક જાહેરખબરો આપવામાં બેલગામ જણાય છે. હવે તો આવી જાહેરખબરોનું પૂર આવ્યાનું દેખાય છે, જે એકસરખા દેખાતાં નામવાળાં ઉત્પાદનોના સહારે એવાં ઉત્પાદનોનો પ્રચાર કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સરકાર અને તેની નિયામક સંસ્થાઓની આંખમાં ધૂળ ફેંકવાની પ્રવૃત્તિ છે. પતંજલિ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી તેના કર્તાહર્તા બાબા રામદેવ અને બાલકૃષ્ણએ કોર્ટની ઈચ્છાનુસાર અખબારોમાં મોટી જાહેરાતો આપી બિનશરતી માફી માગ્યા પછી કેટલાક લોકોએ આયુર્વેદ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે, તેની પણ નોંધ લેવી ઘટે. પતંજલિની ભ્રામક જાહેરખબરોના કારણે આયુર્વેદને નકારી કાઢવામાં આવે તે યોગ્ય નથી. આપણા દેશમાં કમનસીબે આયુર્વેદ ઉપચાર પદ્ધતિને જોઈએ એવું સ્થાન નથી મળ્યું. દરેક ચિકિત્સા પદ્ધતિઓને પોતાની મર્યાદા હોય છે, પણ આવી સ્થિતિમાં પણ લોકોનાં હિત જોખમાય નહીં તે જોવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang