• ગુરુવાર, 16 મે, 2024

ભુજમાં ગતિભેર વાહન હંકારનારા યુવાનો સામે પગલાં ભરવા માંગ

ભુજ, તા. 29 : શહેરમાં યુવાઓ દ્વારા બેફામ ગતિએ ચલાવાતા વાહનો પર રોક લગાવવા અને ટ્રાફિક પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી સમયાંતરે કરવા માંગ ઊઠી હતી. ભુજના જાગૃત નાગરિકોના જણાવાયા અનુસાર સાંજ પડતાં મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ટ્રાફિકના નિયમો અને પોલીસની ધાકના ધજાગરા ઊડાડતા યુવાઓ લોકોના જીવ અદ્ધર કરી મૂકે તે રીતે ગતિભેર વાહનો ચલાવતા હોય છે. સાંજના ભાગે છઠ્ઠીબારી-અનમ રિંગરોડ, બસ સ્ટેશન વિસ્તાર, મોડી રાતે મહાદેવ નાકે, ખેંગારબાગ, ગાયત્રી મંદિર, ઉમેદનગર માર્ગ, આશાપુરા રિંગરોડ સહિતના વિસ્તારોમાં ગતિભેર વાહનો હાંકવા સાથે કુતરાઓને પરેશાન કરવા, સાયલેન્સરથી ફટાકડા ફોડી શહેરીજનોને પરેશાન કરી ભયમાં મુકતા હોવાથી લોકફરિયાદો ઊઠી છે. હજારો લોકો જ્યાં રાત્રે ચાલવા નીકળે છે તેવા વોક વેની અંદર પણ આવા દ્વિચક્રી ચાલકો ઘૂસી આવતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ભુજમાં કોઈ કાયદો હોય તેમ જેમના પગ પણ વાહનથી જમીન સુધી નથી પહોંચતા તેવા બાળકો ગતિભેર વાહન હંકારતા નજરે પડતા હોય છે. નવાઈની વાત તો છે કે, બાળકોને વાલીઓ પણ દ્વિચક્રી હંકારવા આપી દેતા હોવાથી બાળકોની સાથોસાથ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. ટ્રાફિક પોલીસ આવા બાળકોને નિયમોનું પાલન કરાવે તથા ભારે ગતિથી વાહન ચલાવી લોકોને પરેશાન કરનારા ચાલકો સામે પગલાં ભરે તેવી માંગ ઊઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang