• ગુરુવાર, 16 મે, 2024

આજે લખનઉ-મુંબઈ વચ્ચે પ્લેઓફની આશા જીવંત રાખવા ટક્કર

લખનઉ, તા. 29 : ટી-20 વિશ્વ કપ માટેની ભારતીય ટીમની પસંદગી પહેલાં કે. એલ. રાહુલ પાસે બીજા વિકેટકીપરના રૂપમાં દાવો મજબૂત કરવાનો વધુ એક મોકો હશે. તેના સુકાનીપદ હેઠળની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ આઇપીએલની મંગળવારની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેદાનમાં ઊતરશે ત્યારે મેચ બંને માટે પ્લેઓફની આશા જીવંત રાખવાની દૃષ્ટિએ મહત્ત્વની બની રહેશે. ટી-20 ક્રિકેટમાં રાહુલનો સ્ટ્રાઇકરેટ ચિંતાનો વિષય છે. પાવરપ્લે દરમિયાન પણ તે ધીમી શરૂઆત કરી રહ્યો છે. જો કે તેણે સિઝનમાં તેમાં સુધારો કર્યો છે અને 144.27ના સ્ટ્રાઇકરેટથી 378 રન બનાવી ચૂક્યો છે. આવતીકાલની મેચમાં કેએલ રાહુલનો દેખાવ મહત્ત્વનો બની રહેશે. મેચમાં અન્ય એક યુવા વિકેટકીપર ઇશાન કિશનના દેખાવ પર પણ પસંદગીકારોની નજર રહેશે. જો કે તે રેસમાંથી લગભગ બહાર નીકળી ગયો છે. આવતીકાલની મેચ લખનઉ અને મુંબઈ માટે ઘણી મહત્ત્વની છે. એલએસજી હાલ પોઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમે છે. તેની નજર મુંબઈ સામે જીત મેળવી ટોચની ચાર ટીમમાં સામેલ થવા પર હશે. તેના ખાતામાં 9 મેચમાં જીતથી 10 અંક છે. સામે મુંબઈ ઇન્ડિયન્સની હાલત ખરાબ છે. તે નવમા ક્રમે છે અને 9 મેચમાં ફક્ત 3 જીતથી 6 અંક ધરાવે છે. તેનો નેટ રનરેટ પણ માઇનસમાં ચાલી રહ્યો છે. લખનઉ ટીમને તેની પાછલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે હાર આપી હતી જ્યારે મુંબઈને તેની પાછલી મેચમાં દિલ્હીના બેટધરોએ ધોલાઈ કરીને હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang