• ગુરુવાર, 16 મે, 2024

મુંબઇમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતાં કચ્છી યુવતીનાં મોતથી અરેરાટી

ભુજ, તા. 29 : મૂળ માંડવી તાલુકાના મસ્કા ગામ વાડીવિસ્તારના અને ડોમ્બિવલીમાં વર્ષોથી વસવાટ કરતા સામજી ખીમજી મોતાની સંતાનમાં ત્રણ દીકરી પૈકીની સૌથી નાની દીકરી રિયા (રિંકલ) સામજી મોતા (.. 26)નું સેન્ટ્રલ મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી મૃત્યુ થતાં કચ્છી સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને કરુણ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કચ્છી રાજગોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મૃતકની ડોમ્બિવલીમાં નીકળેલી સ્મશાનયાત્રામાં સમાજ અગ્રણીઓએ જોડાઇને પરિવારને સાંત્વના પાઠવી હતી. મુંબઇથી મળેલી જાણકારી પ્રમાણે સ્નાતક સુધી ભણેલી દીકરી રિયા સવારે આઠેક વાગ્યાની આસપાસ લોકલ ફાસ્ટ ટ્રેનમાં થાણાએ નોકરીએ જવા માટે ટ્રેનમાં ગિરદીનાં કારણે દરવાજા પાસે ઊભી હતી અને ટ્રેન રવાના થયા પછી દીવા અને કોપર સ્ટેશન વચ્ચે દરવાજા પાસે ઊભેલી રિયાનું કોઇ કારણસર દરવાજાના હેન્ડલથી હાથ છૂટી જતાં ચાલુ ટ્રેને પડી ગઇ અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં મૃત્યુને ભેટી હતી. બનાવ તા. 29/4ના  સવારે નવ વાગ્યે બન્યો હતો. પરિવારમાં ત્રણ બહેનમાં રિયા સૌથી નાની દીકરી હતી. મોટી બે બહેન પરિણીત છે, જ્યારે રિયા અપરિણીત હતી. રિયાના પિતા સામાન્ય કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીનાં અવસાનથી પરિવાર ઉપર દુ:ખનું આભ ફાટી પડયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang