• શનિવાર, 11 મે, 2024

વારસાવેરો : રાજકીય વંશ, વારસ માટે ?

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ : વિવાદ અર્થતંત્ર સંબંધિત હોવો જોઈએ, પણ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજકીય હેતુથી સૂચન થયું હોવાથી વિવાદ - વિખવાદ બની રહ્યો છે ! લોકો પોતાની બચત બાળકો - વંશજો માટે સંપત્તિ - માલ મિલકત મૂકી જાય તેના ઉપર વારસાવેરો કેટલો અને શા માટે હોય ? પિત્રોડાના જણાવવા મુજબ અમેરિકામાં પંચાવન ટકા સરકારને મળે છે અને માત્ર બાકીની સંપત્તિ વારસદારને મળે છે. વાસ્તવમાં અમેરિકામાં માત્ર રાજ્યમાં આવો ટેક્સ છે - નોંધપાત્ર બાબત છે કે સમૃદ્ધ રાજ્યોમાં આવો ટેક્સ નથી, કારણ કે મૂડી પલાયન થવાની શક્યતા છે ! ભારતમાં એસ્ટેટ ડયૂટીની ચર્ચા નવી નથી - છેક વર્ષ 1953માં વેરો નખાયા પછી 1985માં રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે નાણાપ્રધાન વીપી સિંહે ટેક્સ નાબૂદ કર્યો, કારણ કે વસૂલાત પાછળ ધરખમ ખર્ચ થતો હતો અને આવક નજીવી હતી. વર્ષ 1954 - 55માં એસ્ટેટ ડયૂટી હેઠળ રૂા. પચ્ચીસ લાખની આવકનો અંદાજ હતો, જે માત્ર આઠ લાખ થઈ હતી. આવું વર્ષો સુધી ચાલ્યા પછી ટેક્સની જોગવાઈ રદ થઈ. `વારસા વેરા' અંગે અમેરિકા સ્થિત ગુજરાતીભાઈ પિત્રોડાએ નિવેદનરૂપે `સૂચન' કર્યું, તે પછી રાજકીય વિવાદ શરૂ થયો છે. વિખવાદ વારસાવેરો નાખવો કે નહીં તે માટે નહીં, પણ વેરાની આવકનાં વિતરણ અંગે છે ! ભેંસ ભાગોળે છે અને રાજકારણમાં ધમાધમ ધમાચકડી શરૂ થઈ છે, તેનું કારણ છે : સામભાઈ પિત્રોડા રાહુલ ગાંધીના `ગુરુ' કૌટિલ્ય છે અને આવો - ધરખમ વેરો નખાય તેની આવક સરકાર જરૂરિયાતવાળા વર્ગ માટે આપે એવું સૂચન છે. પી. ચિદમ્બરમ કહે છે : અમારા ચૂંટણી ઢંઢેરામાં વિશે એક શબ્દ હોય તો બતાવો... કોંગ્રેસ પ્રમુખ તો વડાપ્રધાન મોદીને મળીને 72 પાનાંનો ચૂંટણી `ન્યાયપત્ર' બતાવીને સમજાવવા માગે છે ! પણ રાજકારણ છે. ઢંઢેરામાં લખાયેલી બાબતોના શબ્દ નહીં, તેની પાછળની ભાવના - રમત જાણવી જોઈએ. શિક્ષણ - નોકરી વગેરે બાબતોમાં લઘુમતીને આરક્ષણ આપવાની બાબતનો સમાવેશ થાય છે. છૂટીછવાઈ ઘણી કલમોનું સંકલન કરીને સમજી શકાય છે કે કહીં પે નિગાહેં, કહીં પે નિશાના. અત્યારે ઓબીસીનો જે ક્વોટા છે તેમાં કાપ મૂકવો પડે - ભાગ પાડવો પડે. વારસા વેરાની આવકનાં વિતરણનો વિવાદ છે અને તેની પાછળ પણ રાહુલ ગાંધીની વિચારધારા અને નિવેદનો છે. શક્ય છે કે તેઓ પિત્રોડાના સંપર્કમાં આવ્યા ત્યારથી ભારતના ઉદ્યોગપતિઓ ઉપર ટીકા પ્રહાર શરૂ કર્યા છે. 2014માં કૃષિ જમીન સુધારાનો વિરોધ કર્યો અને તે પછી અંબાણી - અદાણી ઉપર બેફામ ટીકા પ્રહાર શરૂ કર્યા. 2019માં નિષ્ફળ ગયા પછી હવે 2024માં ફરીથી આક્રમણ શરૂ કર્યું. જાહેરસભાઓમાં અંબાણી - અદાણીના દાખલા આપીને જનતાને પૂછે - તમારી હાલત કેમ સુધરતી નથી ? તમે કેમ ઉદ્યોગપતિ નથી ?! સ્વદેશી ઉદ્યોગપતિઓ પ્રતિ તિરસ્કારની ભાષા અને લોકલાગણી ભડકાવવાના વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવી પશ્ચાદભૂમિકા તૈયાર કર્યા પછી પિત્રોડાનું `સૂચન' આવ્યું કે `પૂંજીપતિઓ'ની સંપત્તિ, માલમિલકતનો મોટો હિસ્સો સરકારના `હાથ'માં આવે અને તેનું વિતરણ કરવામાં આવે - વ્યવસ્થા સરકાર નક્કી કરે. સંપત્તિ માત્ર મોટા ઉદ્યોગપતિઓની નહીં, વારસાવેરો તો સૌને લાગુ પડે ! મોદીસાહેબ વાતને કોંગ્રેસના ન્યાયપત્રમાં અપાયેલી અલગ અલગ કલમો સાથે સાંકળીને પુરવાર કરે છે કે કોંગ્રેસ મુસ્લિમ વોટ બેન્કને રાજી રાખવા માટે વારસા વેરાની વાત કરી રહી છે. વાસ્તવમાં રાજકીય પક્ષોના ઘોષણાપત્ર કોઈ વાંચતું નથી. નેતાઓ અને કાર્યકર્તાઓ પણ નહીં, છતાં વિવાદાસ્પદ સૂચન બહાર આવ્યા પછી મોદીના સલાહકારોએ જરૂરી અભ્યાસ કરી લીધો છે ! કોંગ્રેસને સત્તા મળી જાય તો સૂચનનો અમલ - યોગ્ય રીતે - થાય. આવી સ્થિતિ આવે નહીં તે માટે મોદીએ મુદ્દો ઉઠાવ્યો છે અને ચૂંટણીમાં કોંગ્રેસ લાભ ઉઠાવે નહીં તેની સાવધાની રાખી છે. જો વિવાદ જાગ્યો હોત નહીં તો પિત્રોડાનાં સૂચનનો પ્રચાર લઘુમતી વોટ મેળવવા માટે પૂરબહારમાં થવાની શક્યતા હતી. હવે કોંગ્રેસ - આક્રમક નહીં, રક્ષણાત્મક છે. અલબત્ત, રાહુલ ગાંધી જાતિનાં ધોરણે વસતિગણતરી કરાવવા માગે છે તેની પાછળ ગણતરી વોટ બેન્કની છે. દેશભરમાં મોજણી - સર્વે કરાવવાની જાહેરાત કરી છે. વચન આપે છે અને આબાદી  - વસતિના આધારે લઘુમતીને આર્થિક લાભ મળવા જોઈએ એવી હિમાયત કરી રહ્યા છે એમની વિચારધારા સ્પષ્ટ થાય છે. પ્રશ્ન એટલો છે કે રીતે ભારત જોડવા માગે છે કે તોડવા માગે છે ? મોદીનું સૂત્ર અને નીતિ - સબ કા વિશ્વાસ, સબ કા વિકાસ - છે, ત્યારે જાતિવાદ - અર્થાત્ ધર્મવાદની વસતિ ગણતરી યોગ્ય છે ? મુખ્ય વિવાદ સંપત્તિનાં વિતરણનો છે. રાહુલ ગાંધી કહે છે - મોદીના મિત્રો અબજો - અરબોપતિ છે અને હું લોકોને કરોડોપતિ બનાવવા માગું છું ! સર્વે કરાવીને બતાવવા માગું છું કે મૂડીપતિઓ માલદાર કેમ બન્યા ? દેશની સંપત્તિ કેમ મેળવી ? આવી વાતો વર્ગવિગ્રહ કરાવી શકે. ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર - વચન આપ્યું ત્યારે પરિણામે ગરીબો હટી ગયા એવો અનુભવ થયો. બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને લોનમેળા શરૂ થયા - ભ્રષ્ટાચાર અને રેવડી બજારો શરૂ થઈ, પણ વિકાસ થયો ? હવે રાહુલ ગાંધી કહે છે કે જાતિવાદી વસતિ ગણતરી પછી લઘુમતીને સંપત્તિ, નોકરી અને કલ્યાણ યોજનાઓમાં આબાદીવસતિનાં પ્રમાણમાં લાભ મળશે! હકીકતમાં વારસાવેરો અને વર્ગવિગ્રહથી ઉદ્યોગો પલાયન થશે. અત્યારે જેટલા કરવેરા અને સામાજિક વિકાસ માટે ફરજિયાત ફાળવણીની જોગવાઈ છે, તેની સમીક્ષા કરીને જરૂરી હોય તો વધુ સુધારા કરવા જોઈએ. મિલકતવેરાના બદલે રોજગારલક્ષી ઉદ્યોગોમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ. હુન્નર - સ્કિલને પ્રોત્સાહન આપવાની મોદીની યોજનાઓ વધુ વ્યાપક બનાવવી જોઈએ. ઉદ્યોગ દ્વારા મૂડીસર્જનને પ્રોત્સાહન આપવાને બદલે નિયંત્રણો લદાય અને લોકોની આવક - બચતમાં ભાગ પડાવીને સરકાર તફડાવે - રાજકીય ગણતરીથી - તો અરાજકતાને આમંત્રણ મળે ! ઈન્દિરા ગાંધીએ રાજકીય વેદી ઉપર અર્થતંત્રને બલિદાનનો બકરો બનાવ્યા પછીનો ઈતિહાસ રખે ભુલાય. નેવુંના દાયકામાં ડો. મનમોહન સિંઘે આર્થિક સુધારાની શરૂઆત કરી. ખાનગી ક્ષેત્રને મોકળું મેદાન અપાયું. પછી મોદી સરકારનાં શાસનમાં અર્થતંત્રનો થનગનાટ થયો. વિશ્વમાં પાંચ અર્થતંત્રમાં ભારતનું સ્થાન છે. વિકસતાં અર્થતંત્રમાં લોકો ભાગીદાર છે. હવે પાણી ફેરવવું છે ? ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવા છે? વારસા વેરાથી જનતાની બચત તફડાવી લેવાની હિમાયત કરતા નેતાને પૂછવું જોઈએ કે રાજકીય વંઈં - વારસ ઉપર નિયંત્રણ મૂકવા તૈયાર છો ? વગર મૂડીએ સત્તા મેળવનારા ઉપર રાજકીય વારસાવેરો શા માટે નખાય નહીં ? મોદીએ પરિવારવાદનો વિરોધ કર્યો, પણ જનતાએ પરિવારવાદને પાઠ ભણાવવા તૈયાર થવું પડશે. આજે ઉત્તર - દક્ષિણ - પૂર્વ - પશ્ચિમ સર્વત્ર રાજકીય વારસદારો ઊભા થયા છે અને લોકો ઉપર વારસાવેરો નાખવાની ચર્ચા થાય છે ! - પિત્રોડાના `ધમાકા' પછી વડાપ્રધાન મોદીનાં નિવેદન - અર્થઘટન બાબત ચૂંટણી કમિશનરે ભાજપના પ્રમુખને નોટિસ મોકલીને ખુલાસો માગ્યો છે, ત્યારે ભૂતકાળમાં - યુપીએ સરકાર વખતે મુસ્લિમ આરક્ષણ અંગે કરેલી જાહેરાત - ચૂંટણી વચનોનો ઈતિહાસ અત્રે આપ્યો છેવર્ષ 2009માં લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં દેશવ્યાપી આરક્ષણ - અનામત બેઠકોનું વચન આપ્યું હતું. ઓબીસીના 27 ટકામાં મુસ્લિમોને સમાવી લેવાની વાત હતી. કેરળ, કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશમાં સરકારી કાર્યાલયો અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકોની શરૂઆત થઈ છે. હવે દેશવ્યાપી અમલ થશે એવી ખાતરી કોંગ્રેસે આપી હતી. 2004માં યુપીએ સરકારે ભાષા અને ધાર્મિક લઘુમતીને આરક્ષણ આપવા માટે રંગનાથ કમિશનની નિમણૂક કરી. મિશ્રા કમિશને મુસ્લિમો માટે 10 ટકા અને અન્ય લઘુમતીઓ માટે પાંચ ટકાની ભલામણ કરી હતી. 2000માં યુપીએ સરકારના લઘુમતી માટેના પ્રધાન સલમાન ખુરશીદે ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને ટકા અને અન્ય લઘુમતીઓને 2.4 ટકા આપવાની ભલામણ કરી, પણ પછી મંડલ પંચની ફોર્મ્યુલા અનુસાર લઘુમતીની ટકાવારી 4.5 થઈ. પણ તરત 2012માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી અને યુપીએ સરકારે ઓબીસીના કુલ 27 ટકામાંથી 4.5 ટકા મુસ્લિમોને આપવાની જાહેરાત કરી. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને એકવીસ બેઠકો મળી હતી, તેમાં હવે ગણનાપાત્ર વધારો થવાની ગણતરી હતી. ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયાની નોટિસ ચૂંટણીપંચે વડાપ્રધાન ડો. મનમોહન સિંહને આપી અને આવી જાહેરાત મુજબ ક્વોટા આપવાનો અમલ નહીં કરવા જણાવાયું હતું, પણ તત્કાલીન પ્રધાન સલમાન ખુરશીદે પંચને પડકારતું નિવેદન કર્યું કે પછાત મુસ્લિમોને નવ ટકા આરક્ષણનો લાભ - કોંગ્રેસ ફરીથી જીતે કે તરત અપાશે ! સલમાન ખુરશીદે પંચને પડકાર્યા, પંચને સત્તા નથી એમ કહ્યું ત્યારે કમિશનર એસ. વાય. કુરેશીએ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ફરિયાદ કરી અને રાષ્ટ્રપતિએ પંચનો પત્ર વડાપ્રધાન ડો. મનમોહન સિંહને મોકલી આપ્યો. આખરે ખુરશીદે માફી માગી ! 2012માં આન્ધ્ર પ્રદેશ હાઈકોર્ટે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપવાનો નિર્ણય રદ કર્યો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જેનો સ્વીકાર થયો નહીં. 2014માં કોંગ્રેસે ફરીથી આરક્ષણનો અમલ કરવાનું વચન આપ્યું હતું. માર્ચ - 2023માં કર્ણાટકમાં ભાજપ સરકારે કોંગ્રેસ દ્વારા અપાયેલા ચાર ટકા અનામતની જોગવાઈ રદ કરીને સામાન્ય - આર્થિક પછાત વર્ગના દસ ટકામાં મુસ્લિમોને સમાવિષ્ટ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang