• શુક્રવાર, 17 મે, 2024

ગૃહમંત્રી શાહના બનાવટી વીડિયોથી ઘમસાણ

નવી દિલ્હી, તા. 29 : લોકસભા ચૂંટણી જીતવા માટે  રાજકીય પક્ષોમાં જામેલા જંગ વચ્ચે દેશના ગૃહપ્રધાન અમિત શાહના ભાષણના ચેડાં કરાયેલા બનાવટી વીડિયોના મામલે ઘમસાણ મચી ગયું છે. દિલ્હી પોલીસે સોમવારે ભારે ચર્ચાસ્પદ બનેલા કેસમાં પોતાના `એક્સ' એકાઉન્ટ પરથી વીડિયો શેર કરનારા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને નોટિસ સાથે સમન્સ જારી કરતાં તેમનો ફોન પણ સાથે લાવવા જણાવ્યું છે. મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભીષણ વાકયુદ્ધ સાથેનું ઘર્ષણ જામ્યું હતું. કેસરિયા પક્ષના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ગૃહમંત્રીનો બોગસ વીડિયો તેલંગાણા કોંગ્રસ વાયરલ કરે છે, તેવો દાવો કર્યો હતો. બીજી તરફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે વિવિધ કોંગ્રેસ નેતાઓએ પણ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી બાદ ભાજપ સત્તામાં આવશે તો એસસી, એસટી, ઓબીસી માટે અનામત રદ કરી નાખશે. અમિત શાહના ભાષણનો બોગસ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપની સરકાર બનશે તો એસસી, એસટી અને ઓબીસી અનામત રદ કરી દેવામાં આવશે. ફેક વીડિયો મામલે દિલ્હી પોલીસને ફરિયાદ મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને હવે  સમન્સ પાઠવવામાં આવ્યો છે.  હકીકતમાં ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાં મુસલમાનો માટે ગેરબંધારણીય અનામત ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે, વીડિયોમાં ચેડાં કરીને એવું બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે તમામ વર્ગ માટેના અનામતને રદ કરી દેવામાં આવશે. પહેલાં ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે, તેલંગાણા કોંગ્રેસ અમિત શાહના ફેક વીડિયોને વાયરલ કરી રહી છે. જેનાથી હિંસા ભડકી શકે છે. મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને વીડિયોનાં મૂળ સુધી પહોંચવાની કોશિશ થઈ રહી છે. જે લોકોએ વીડિયો શેર કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના માટે નોટિસ પણ મોકલવામાં આવશે. ભાજપ અને કેન્દ્રીય ગૃહમંત્રાલયની ફરિયાદ ઉપર દિલ્હી પોલીસની સાઇબર શાખાના આઇએફએસઓએ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુક, ટ્વિટરના યુઝર્સ દ્વારા અમુક છેડછાડ કરવામાં આવેલા વીડિયો વાયરલ કરવામાં આવતાં હોવાની જાણકારી મળી છે. ફરિયાદમાં વીડિયોની લિંક પણ જોડવામાં આવી હતી.  દિલ્હી પોલીસે સમન્સ જારી કર્યા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આરોપ મૂકતા જણાવ્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી જીતવા માટે દિલ્હી પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. ઈડી, સીબીઆઈ, આવકવેરા તંત્ર અને હવે દિલ્હી પોલીસનો ઉપયોગ ચૂંટણી જીતવા મોદી કરી રહ્યા છે, પરંતુ અહીં કોઈ ડરવાનું નથી, અમે ખાસ કરીને તેલંગાણા અને કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવશું, તેવો દાવો રેડ્ડીએ કર્યો હતો. દિલ્હી પોલીસે ભાજપની ફરિયાદને ધ્યાને લેતાં ગૃહમંત્રીના ભાષણ સાથે ચેડાં કરેલા બોગસ વીડિયો પ્રકરણમાં એફઆઈઆર નોંધી છે. સાથોસાથ `એક્સ' અને ફેસબુકને પત્ર લખીને આવા બોગસ વીડિયો ક્યા એકાઉન્ટ્સ પરથી અપલોડ કરાયા, તેની પૂરી વિગતો આપવાનો આદેશ પણ દિલ્હી પોલીસે આપ્યો હતો. ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે, અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે નકલી છે. ભાજપે આરોપ લગાવ્યો કે, મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમણે કહ્યું કે, તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે, જે સંપૂર્ણપણે નકલી છે, તેના કારણે મોટાપાયે હિંસા થવાની આશંકા છે.  તેમણે વધુમાં કહ્યું કે, ફેક વીડિયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang