• મંગળવાર, 30 એપ્રિલ, 2024

આદિપુરમાં બાઇકના શોરૂમ માલિકને કર્મચારીએ 3.25 લાખનો ચૂનો ચોપડયો

ગાંધીધામ, તા. 16 : આદિપુરમાં બાઇકના શોરૂમમાં એક ગ્રાહકને બાઇક વેચી તેની રકમ પોતે રાખી તથા અન્ય એક ગ્રાહક પાસેથી એડવાન્સ લઇ શોરૂમમાં જમા કરાવી પોતે રકમ રાખી લેતાં એક શખ્સ વિરુદ્ધ રૂા. 3,25,000ની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં ડીસી-3માં આવેલ કાર્ગો મોટર સાઈકલ એલએલપી જનરલ મેનેજર રાજન વીરેન્દ્ર શર્માએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 12-4ના જાવા યેઝડીના શોરૂમમાં હતા, ત્યારે રાપરના અર્જુન કમલેશ લોવારિયા અને અન્ય વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને સેલ્સ મેનેજર લાભુ મારાજ કયાં છે અમારી બાઇકની લોન તમે શા માટે અટકાવો છો ? તેવા પ્રશ્નો કર્યા હતા. વ્યકિતએ રૂપિયા આપી દીધા હોવા છતાં આવું થતાં ફરિયાદીએ તપાસ કરી હતી. વ્યક્તિએ સેલ્સ મેનેજર લાભુ મોહન સુંબડને રૂા. 2.85 લાખ આપ્યા હતા. ફરિયાદીએ તે દિવસના સીસીટીવી ફૂટેજ તપાસતાં સેલ્સ મેનેજર લાભુ મારાજ પૈસા લેતો અને પોતાના ખિસ્સામાં નાખતો નજરે પડયો હતો. શખ્સને ફોન કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ફરિયાદી તેના ઘરે જતાં તેણે પૈસા લીધેલાનું જણાવી અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે વાપરી નાખ્યા હોવાનું કહ્યું હતું. બનાવ બહાર આવતાં ફરિયાદીએ અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, જેમાં જિતેન્દ્ર કેશવ મકવાણાને તા. 14-4ના બાઇકની ડિલિવરી જોઇતી હોવાથી તેમણે પણ એડવાન્સમાં પૈસા આપ્યા હતા. જે પૈકીના રૂા. 40,000 સેલ્સ મેનેજર લાભુ સુંબડે પોતાની પાસે રાખી લીધેલાનું સીસીટીવીમાં જણાયું હતું. શખ્સ વિરુદ્ધ રૂા. 3,25,000ની વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang