• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સલમાનના ઘર પર ગોળીબાર કરનાર કચ્છથી ઝડપાયા

ભુજ, તા. 16 : બે દિવસ પહેલાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગના આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે બિહારના માણસને રાતભરની મહેનતના અંતે કચ્છના માતાના મઢના પરિસરથી પશ્ચિમ કચ્છ પોલીસને મુંબઈ પોલીસની ટિપ્સના આધારે ઝડપી પાડવામાં સફળતા મળી છે. બીજી તરફ બન્ને આરોપીને મુંબઇની કિલા કોર્ટમાં રજૂ કરાતાં 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આખા ઘટનાક્રમ અંગે ડીવાયએસપી .આર. ઝન્કાતે પત્રકારોને આપેલી વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ થયું હતું, જેમાં મુંબઈ પોલીસની તપાસ દરમ્યાન કામના બિહારના આરોપીઓએ મુંબઈના સલમાન ખાનના ફાર્મ હાઉસથી 10 કિ.મી. દૂર રોકાયા હતા અને રેકી કરી હતી અને બાદમાં બનાવને અંજામ આપ્યો હતો. મુંબઈ પોલીસે સીસી ફૂટેજના આધારે આરોપીઓના ફોટા અને મોબાઈલ નંબર સહિતના સઘડ મેળવી લીધા બાદ બન્ને આરોપી કચ્છ તરફનું લોકેશન મળતાં તેઓએ કચ્છ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. નવા આઈ.જી. ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી મહેન્દ્ર બગડિયાએ બનાવની ગંભીરતા ધ્યાને લઈને પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાને કામગીરી સોંપી હતી. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ના પી.આઈ. સંદીપસિંહ ચુડાસમાએ ટીમને સાથે રાખી મુંબઈમાં સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનારા બે આરોપી 24 વર્ષના વિકી સાહેબસાબ ગુપ્તા અને 21 વર્ષના સાગર શ્રીજોગેન્દ્ર પાલ (રહે. બન્ને મસહી થાણા ગોહના તા. નરકટિયાગજ, જિલ્લો વેસ્ટ ચાંપાનેર બિહાર)ને માતાના મઢના પરિસરમાંથી મધ્યરાતે બે વાગ્યે ઝડપી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં બન્ને આરોપીએ ગુનાની કબૂલાત આપી હતી, જેથી બન્નેને દયાપર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બન્ને આરોપીને સવારે વિમાન મારફત મુંબઈ લઈ જઈ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. એલસીબીના પીઆઈ શ્રી ચુડાસમા પાસેથી ધરપકડ અંગે સિલસિલાવાર મળેલી વિગતો મુજબ મુંબઈ પોલીસથી મળેલી ટિપ્સમાં અરારોપીઓના ફોટા અને મોબાઈલ નંબર મળતાં ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓને દબોચવામાં સફળતા મળી હતી. આરોપીઓ મુંબઈથી નીકળ્યા બાદ ગઈકાલે સવારે ગાંધીધામ પહોંચ્યા હતા, જ્યાં તેમના બિહારના કોઈ ઓળખીતા કલરકામવાળાને મળવા ગયા હતા, પરંતુ તેને મળી શકયા હતા. બાદ તેઓ ભુજ આવી બે કલાક ભુજ રોકાઈ અહીંથી નખત્રાણા ગયા હતા, જેનું લોકેશન અમને સાંજે મળ્યું હતું. નખત્રાણાથી તેઓ માતાના મઢ ગયા હતા, રાતે ડબલરોટી ખાઈને માતાના મઢના પરિસરમાં સૂઈ ગયા હતા, જ્યાંથી બન્ને આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓને ઝડપવાની કામગીરીમાં એલસીબીના પીઆઈ શ્રી ચુડાસમા ઉપરાંત એલસીબીના .એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત તથા શક્તિસિંહ ગઢવી જોડાયા હતા. બીજી તરફ બન્ને આરોપીને આજે મુંબઇની કિલા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમ્યાન મુંબઇના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આરોપી સાગરે બે વર્ષ હરિયાણામાં કામ કર્યું હતું, જ્યાં તે લોરેન્સ બિશ્નોઇની ગેંગના સંપર્કમાં આવ્યો હતો. અન્ય આરોપી એવો વિકી ગુપ્તા પણ હરિયાણામાં નોકરી કરતો હતો અને સાગર-વિકી બિહારના એક ગામના હોવાથી સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ બાદ ફેસબૂક પર એક પોસ્ટમાં ઘટનાની જવાબદારી લોરેન્સના ભાઇ અનમોલે લીધી હતી, આથી અનમોલ પર પણ ગુનો દાખલ કરવાની તજવીજ થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang