• શુક્રવાર, 29 માર્ચ, 2024

વોંધ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર શખ્સ પાસેથી શરાબ હસ્તગત

ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકના વોંધ નજીકથી પોલીસે એક બસમાં સવાર મુસાફર પાસેથી રૂા. 31,530નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. સરહદી રેન્જની સાયબર ક્રાઇમ પોલીસની એક ટીમ ગઇકાલે ભચાઉ બાજુ હતી. દરમ્યાન આદિપુરમાં રહેનાર પ્રકાશ આહુજા નામનો શખ્સ મુંબઇથી શરાબની બોટલો લાવી રહ્યો હોવાનું અને તે અમદાવાદથી બસમાં આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. આ બસ સામખિયાળી ટોલ ગેઇટ પાર કરીને ભચાઉ બાજુ આવી રહી હતી. તેવામાં પોલીસે વોંધ નજીક આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તેવામાં પટેલ ટ્રાવેલ્સની બસ નંબર એન.એલ.-01 બી-8887 વાળી આવતા પોલીસે તેને રોકાવી બસમાં બેઠેલા પ્રકાશ રામચંદ આહુજા પાસેના થેલાની તલાશી લીધી હતી. જેમાં શરાબ નીકળતા આ શખ્સને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. આ શખ્સ પાસે રહેલા થેલામાંથી રોયલ ચેલેન્જ, ડીએસપી બ્લેક, મેકડોવેલ્સ નંબર-1, સિગ્નેચર રેર, બેગપાઇપર, 8 પી.એમ., ડાયરેક્ટર્સ સ્પેશ્યલ, મુલા વિન્યાર્ડ, બ્લુ રીબાન્ડ, ઓકેન ગ્લો, મન્કી સોલ્ડર, ઓલ્ડ મોંક, બ્રિઝર બ્લેક, કિંગ ફિશર, દારૂ અને  બિયરની 29 બોટલ કિંમત રૂા. 31,530નો શરાબ જપ્ત કરાયો હતો. મુંબઇથી અહીં શરાબ વેંચવા લાવેલા આ શખ્સની અટક કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang