ભુજ, તા. 13 : કાયદાના રક્ષકો દ્વારા ઠગબાજો
પર સતત બોલાવાતી ધોંસ છતાં આવા તત્ત્વોએ લોકોને છેતરવાનું ચાલુ રાખ્યું છે, તે વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ફેસબુક પર ખોટી આઈડી
બનાવી તેમાં સસ્તા સોનાના બિસ્કિટના ફોટો તથા ભારતીય ચલણની નોટના વીડિયો બનાવી લોકોને
લાલચ આપનારા બે ગુનામાં સંડોવાયેલા છ કૂખ્યાત આરોપીને ઝડપી પાડી કુલ રૂા. 21.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હતો, જ્યારે અન્ય બે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી
હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ
બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખારી નદી ચાર રસ્તા પાસે ઠાર કાર નં. જીજે
01 ડબ્લ્યુએફ 93વાળીમાં બેઠેલા પ્રીત નારાણભાઈ જોગી, ઈસ્માઈલ કાસમ સમા (રહે. જુણા-દેઢિયા) અને રસીદ
આમદ સમાને ઝડપી પાડયા હતા. પોલીસે આ આરોપીઓ પાસે રહેલા મોબાઈલમાં `ઉમેશ ચૌહાણ' નામની ફેસબુક આઈડી મારફતે તેઓ સોનાના બિસ્કિટ
સસ્તા ભાવે આપવાની તથા ભારતીય ચલણી નોટોના ફોટો પોસ્ટ કરી ત્રણ લાખના દસ લાખ આપવાની
લાલચ આપતા વીડિયો મળી આવ્યા હતા. આરોપીઓએ આ વીડિયો અને પોસ્ટ દ્વારા લોકોને છેતરવાની કોશિશ કરી રૂપિયા
પડાવતા હોવાની કેફિયત આપી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-4 કિં. રૂા. 20,000, ઠાર કાર કિં. રૂા. 10,00,000, સાચી ચલણી નોટો કિ. રૂા. 5,000 મળી કુલ રૂા. 10.25 લાખનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ
આરોપી ઓસમાણ ઉર્ફે ટાર્ઝન ઉમર સમા (રહે. ધ્રોબાણા)ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી બાજુ નાગોર પુલિયા નજીક આસિફ અબ્દુલ બજાણિયા તેના કબજાની જીજે 12 એફઈ 5684વાળી સ્કોર્પિયો કારમાં આરોપી
અફીદ અબ્દુલ રઝાક ચાકી અને અલીમામદ ઉર્ફે સાહિલ હનીફ કુરેશીને પોલીસે ઝડપી લીધા હતા.
તેમની પાસે રહેલા મોબાઈલમાં `નવીન પટેલ' નામની આઈડી ચાલુ હતી, જેમાં સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાની પોસ્ટ છેતરપીંડી કરવાના ઈરાદે શેર
કરાઈ હતી. આ આઈડી બાબતે આરોપીઓની સઘન પૂછપરછ કરાતાં લોકોને ઠગવાના ઈરાદે બજાર ભાવ કરતાં
સસ્તું સોનું આપવાની પોસ્ટ તેમજ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા હોવાની કબૂલાત
આપી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-4 કિં. રૂા. 80,000, કાર કિં. રૂા. 10,00,000 તથા પીળા રંગની ધાતુ મળી કુલ રૂા. 10.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હતો અને આરોપીઓ સામે ગુનો નોંધવા સાથે વોન્ટેડ આરોપી નવાબ અબ્દુલ સતાર જતને પકડવા ચક્રો
ગતિમાન કર્યા હતા. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ
જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, એએસઆઈ નીલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ. ધર્મેન્દ્રકુમાર રાવલ, નવીનકુમાર જોશી,
શક્તિસિંહ ગઢવી, કોન્સ. ભરત ગઢવી અને જીવરાજ ગઢવી
સહિતનો સ્ટાફ જોડાયો હતો.