નવી દિલ્હી, તા. 13 : અમેરિકા સાથેની
વેપાર સમજૂતી મુદ્દે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી મોદી
સરકાર વિરુદ્ધ આક્રમક બની ગયા છે અને તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ ટ્રેડ ડીલથી કિસાનોની રોજીરોટી છીનવાઈ જશે
એટલું જ નહીં દેશમાં ખાદ્ય સુરક્ષા પણ આનાથી કમજોર બનશે. હવે આ વિરોધને મોટા કિસાન
આંદોલનનું રૂપ મળવાની સંભાવના છે. રાહુલ ગાંધીએ આજે અનેક ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ
સાથે મુલાકાત કરી હતી અને અમેરિકા સાથેના વેપાર કરારનો વિરોધ કરવા રાષ્ટ્રીય સ્તરે
મોટા આંદોલનની જરૂરિયાત અંગે ચર્ચા કરી. કોંગ્રેસના
જણાવ્યા મુજબ આ બેઠક સંસદ ભવન પરિસરમાં યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું
હતું કે, આ વેપાર કરારે કૃષિ આયાત માટે દરવાજો ખોલી દીધો છે અને
ટૂંક સમયમાં અન્ય ઘણી પાકો પણ તેની અસર હેઠળ આવી શકે છે. ખેડૂત સંગઠનોના નેતાઓએ ભારત-અમેરિકા
વેપાર કરારનો વિરોધ વ્યક્ત કર્યો અને મકાઈ, સોયાબીન, કપાસ, ફળો અને સુકા મેવાનો પાક ઉગાડતા ખેડૂતોની રોજીરોટી
અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં અખિલ ભારતીય ખેડૂત કોંગ્રેસના
નેતા સુખપાલ સિંહ ખૈરા, ભારતીય ખેડૂત મજૂર યુનિયન (હરિયાણા)ના
નેતા એડવોકેટ અશોક બલહારા, ભારતીય ખેડૂત યુનિયન (ક્રાંતિકારી)ના
નેતા બલદેવ એસ. જીરા, પ્રોગ્રેસિવ ફાર્મર્સ ફ્રન્ટના આર. નંદકુમાર,
ભારતીય ખેડૂત યુનિયન (શહીદ ભગત સિંહ)ના અમરજીત એસ. મોહરી, આમ ખેડૂત યુનિયનના કેદાર સિરોહી, ખેડૂત મજૂર મોર્ચા
(ઇન્ડિયા)ના ગુરમનીત એસ. મંગત, જમ્મુ-કાશ્મીર જમીંદારા ફોરમના
હમીદ મલિક, હરિયાણા ખેડૂત સંઘર્ષ સમિતિના ધર્મવીર ગોયત,
કૃષક સમાજના ઈશ્વર સિંહ નૈન તેમજ સાઉથ હરિયાણા ખેડૂત યુનિયન અને અન્ય
કેટલાક સંગઠનોના નેતા સત્યબીર ખાતાના હાજર રહ્યાં હતાં.