• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રાષ્ટ્રગીત-રાષ્ટ્રીય ગીત હવે સાથે-સાથે

રાષ્ટ્રગીત `જન ગણ મન'નું ગાયન જ્યાં જ્યારે થાય તે પહેલાં હવે `વંદે માતરમ્' ગવાશે. 11મી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરીને તેના માટેના નિયમો પણ જાહેર કરી દીધા. એક સૂર એવો વ્યક્ત થઈ રહ્યો છે કે, રવીન્દ્રનાથ ટાગોર રચિત `જન ગણ મન અધિનાયક જય હૈ...' રાષ્ટ્રગીતને તેના સ્થાને રહેવા દઈને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત `વંદે માતરમ્' આગળ વધી રહ્યું છે. અલબત્ત, એક બાબત બહુ સ્પષ્ટ છે કે, વંદે માતરમ્ને આ દરજ્જો આપવાની વાત જરા પણ નવી નથી. આજનો આ નિર્ણય કે અગાઉ કેટલાક અંતરા રદ થયા તે બન્ને વિવાદ બિનજરૂરી છે. સંસદના શિયાળુ સત્રમાં જેના વિશેની ચર્ચા માટે 10 કલાકની ફાળવણી થઈ હતી, બધા પક્ષ તરફથી વિશદ ચર્ચા પણ થઈ હતી તે `વંદે માતરમ્' હવે સરકારી કાર્યક્રમોમાં ફરજિયાત છે. `જન ગણ મન' પૂર્વે `વંદે માતરમ્'ના છ અંતરા ગવાશે. તે સમયે સૌએ સાવધાન મુદ્રામાં જ ઊભા રહેવાનું રહેશે. જો કે, રાષ્ટ્રગીતનાં અપમાન બદલ જે દંડનાત્મક જોગવાઈઓ છે તેવું હજી `વંદે માતરમ્' સંદર્ભે નથી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ `વંદે માતરમ્' વિશે સંસદમાં વાત કરી ત્યારે તેનો ઐતિહાસિક ઉપરાંત સામાજિક પરિવેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાની ચળવળની સાથે આ ગીત વિશિષ્ટ રીતે જોડાયેલું છે. શૂરવીરોના બલિદાન અને દેશભક્તિનો તેમાં પડઘો છે. તેમના વકતવ્ય બાદ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું હતું કે, `વંદે માતરમ્'નું ગાન 1896માં કોંગ્રેસના અધિવેશનમાં થયું હતું. એટલું સ્પષ્ટ છે કે, આ કોઈ રાજકીય પક્ષનું કે તેના દ્વારા પ્રેરિત ગીત નથી. હવે કેન્દ્ર સરકારે આ ફરજિયાત કર્યું. 1995 બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનરલ બોર્ડની મિટિંગમાં `વંદે માતરમ્' ગવાતું આવ્યું છે. 1882માં `આનંદમઠ' નવલકથામાં બંકિમચંદ્રે આ રચના સમાવી ત્યારથી પ્રચલિત થઈ. ભારત સ્વતંત્ર થયો ત્યારે રેડિયો ઉપરથી સૌપ્રથમ આ `વંદે માતરમ્' વહેતું થયું હતું. ભારતની બંધારણ સભાએ પણ એવું કરાવ્યું હતું કે, રાષ્ટ્રગીત `જન ગણ મન' રહેશે. તેની સાથે જ `વંદે માતરમ્' રાષ્ટ્રીય ગીત રહેશે. 1950ની 24મી જાન્યુઆરીએ બંધારણ સભાના સદસ્યોએ તેનું ગાન પણ કર્યું હતું. `વંદે માતરમ્' હિન્દુ રાષ્ટ્રવાદને વ્યક્ત કરે છે, તેવો અભિપ્રાય વર્ષોથી છે. સ્વતંત્રતા પછી કોંગ્રેસ સરકાર-બંધારણ સભાએ પણ તેનો સ્વીકાર તો કર્યો જ હતો. મુસલમાન નેતાઓએ તેને બિનઈસ્લામિક ગણાવ્યું છે, પરંતુ  રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગીત કોઈ એક ધર્મનું હોય પણ નહીં. દેશને માતાનો દરજ્જો અપાય નહીં તેવું મુસલમાનો માને છે તેથી તેઓ વંદે માતરમ્નો સ્વીકાર કરતા નથી તે પણ વર્ષો જૂની વાત છે. મુસલમાનોએ ફરી આ ગીત ફરજિયાત ગાવાનો વિરોધ કર્યો છે. કોર્ટનો આશ્રય તેઓ લઈ રહ્યા છે. `વંદે માતરમ્' રાષ્ટ્રગીતની સાથે જ ગાવાની વાત પાછળ બંગાળમાં આવી રહેલી ચૂંટણી પણ છે, તેવા પ્રતિભાવ પણ સતત આવી રહ્યા છે. જે અંતરા સંપાદિત થયા હતા તે પણ પુન: સમાવાયા છે, પંડિત નેહરુ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આ અંતરા બાદ કર્યા હતા તેવા આક્ષેપ પણ થયા. આ બધી વાતો તેના સ્થાને છે. રાજકીય અભિપ્રાય આક્ષેપ કે વિવાદ ચાલશે. રાષ્ટ્રની આંતરિક એકતા-સૌહાર્દ જળવાયેલા રહે તે રીતે કંઈ પણ થાય તેમાં વાંધો હોવો જોઈએ નહીં. `વંદે માતરમ્' હિન્દુ ધર્મની કોઈ સ્તુતિ નથી. આખરે તો દેશની જ પ્રશસ્તિ છે. ધરતીને સુજલામ્, સુફલામ્ કહી છે. જેમને પણ છે તેમને પ્રશ્ન માત્ર એ છે કે, સ્તુતિ છે તો તે ફરજિયાત શા માટે ? પરંતુ આપણે તે રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું પણ છે જ. 

Panchang

dd