• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સેલોર સ્થાપત્ય વિશેના સંજય ઠાકરનાં પુસ્તકને અકાદમીનો એવોર્ડ જાહેર

ભુજ, તા. 13 : ગુજરાત સાહિત્ય અકાદમીએ વિવિધ વિભાગના ગુજરાતી ભાષાનાં પુસ્તકો માટે વર્ષ 2024ના પારિતોષિકો જાહેર કર્યા છે, તેમાં સંશોધન-ભાષાવ્યાકરણ કેટેગરીમાં કચ્છના જાણીતા સંશોધક અને લેખક સંજય પી. ઠાકરનાં પુસ્તક `કચ્છધરાની વિસ્મૃત વિરાસત : સેલોર-વાવ સ્થાપત્ય'ને તૃતીય પારિતોષિક જાહેર થયો છે. ગુ. સા. અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને મહામાત્ર ડો. જયેન્દ્રાસિંહ જાદવે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં છે. તા. 20મી ફેબ્રુ., શુક્રવારના સાંજે ચાર વાગ્યે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ., ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં પારિતોષિક અર્પણ થશે.  ડાયેટ-ભુજના પૂર્વ પ્રાચાર્ય અને કચ્છ વિશે છેલ્લાં 40 વર્ષથી સંશોધિત લેખન કરનારા સંજયભાઈ ઠાકરના અત્યાર સુધી 15 પુસ્તક પ્રસિદ્ધ થયાં છે, તેમાં નવ પુસ્તકનાં સંપાદનનો સમાવેશ થાય છે. ગુરુ બંધુ ભરતભાઈ સાથે એમણે કચ્છમિત્રમાં ભ્રમણભૂમિ કચ્છ અને જ્ઞાતિગંગા કચ્છની કોલમ લખી છે. ઉપરાંત શતાબ્દી વંદના, સાત દાયકાના 70 સીમાચિહ્ન, કચ્છની સેલોર કટાર નોંધનીય રહી છે. કચ્છની સેલોર કટાર કચ્છમિત્રની પરાગ પૂર્તિમાં 2020થી 2023 દરમિયાન પ્રગટ થઇ હતી અને તે પછી ગ્રંથ સ્વરૂપે કલાતીર્થ, સુરત દ્વારા 2024માં પ્રગટ થઇ હતી તેને અકાદમીનો પારિતોષિક મળતા કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા તથા મ. વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય અને મંત્રી નરેશ અંતાણીએ અભિનંદન પાઠવ્યાં હતાં.      

Panchang

dd