• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ચોબારીની પ્રા. શાળાના બાળકોનું શિક્ષણ ભગવાન ભરોસે

ચોબારી, તા. 13 : ભચાઉ તાલુકાના અનેક ગામની શાળાઓના ઓરડા જર્જરીત થયા છે. જેને લઈને બાળકો  ખુલ્લામા બેસીને કે વૃક્ષના છાયડા નીચે કે પછી જયા છત્રછાયા  મળી જાય ત્યાં બેસીને અભ્યાસ  કરતા હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. લાંબા અરસાથી આ હાલત છતા ય જવાબદારો  દ્વારા  કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં આક્રોશ ભભુકી ઉઠયો છે.  2001ના ભુકંપના કેન્દ્રબીંદુ એવું ચોબારી ગામ નર્મદા કેનાલના આગમન બાદ સમૃધ્ધ બન્યું છે.  દુધનો માવો હોય કે સાકરટેટી, ખેડુત આગેવાન હોય કે રાજકીય આગેવાનનો દબદબો  દરેક રીતે ગામને આગળ પડતું માનવામાં આવે છે. પરુંત શિક્ષણના નામે  શુન્ય જેવી પરિસ્થિતિ છે. ચોબારીની કેટલીક શાળાઓની વાત કરીએ  તો  ગામની ભાગોળે આવેલી  મોમાયમોરાની શાળા, કબીર નગર વિસ્તારની શાળા, જુના ગામની અંદર આવેલી શાળાઘનશ્યામ નગરની શાળા, ઉપરાંત કંષ્ણાનગર વિસ્તારની શાળા,સહીત પાંચ જેટલી શાળના બાળકો, તાપ, હોય ટાઢ હોય કે વરસાદની પરવા કર્યા વિના ભગવાન ભરોસે અભ્યાસ માટે ઓસીયાળા બન્યા છે.  કયાંક ઝાડ નીચે ,તો કયાંક મંદીર, સમાજવાડી  કે આસપાસના મકાનોનો સહારો મેળવવા બાળકો મજબુર બન્યા છે. ગમે ત્યાં બેસીને ભણતરની ભુખ સંતોષી  શકે પરુંત શૌચાલય માટે કયાં જવુ ? માત્ર પ્રાથમીક શાળાના બાળકો જ નહી આંગળવાડીના બાળકો પણ રઝડી પડયા છે. આ શાળાઓ , આંગળવાડીઓના બાળકોને રૂમ કયારે મળશે  તેની દુર સુધી કોઈ આશા દેખાતી ન હોવાનું જાણકારોઆક્રોશની લાગણી સાથે જણાવી રહ્યા છે. બાળકોની આવી દયનીય સ્થિતિ અંગે  ગ્રામજનો કહે છે કે ગામના ગાડા ભરાય  તેટલા આગેવાનો છે  રાજકીય રીતે પણ સારી વગ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રીએ ભુકંપ વખતે ગામની મુલાકાત લીધી હતી. અને હજુ પણ જયારે કચ્છ આવે ત્યારે  પોતાના ભાષણમાં કચ્છનો ઉલ્લેખ કરે છે   ત્યારે ગામના આગેવાનોના આંખે પટ્ટી કયારે હટશે તેવો ઉદગાર શિક્ષણપ્રેમીઓ  કરી રહ્યા છે. ગામના શિક્ષણની ગંભીર હાલત હોવા છહતા આગેવાનોના પેટનું પાણી હલતું નથી. માત્ર ચૂંટણી લક્ષી નેતાઓ બની ગયા હોવાનો વ્યંગ લોકો કરી રહ્યા છે. શાળાઓના ઓરડા કયારે બનશે તે  સવાલ છે. લગભગ ઓરડાઓ પાડી દેવામાં આવ્યા છે.  તો કોક પાડવાના બાકી છે.  આજે જયારે શિક્ષણમાં આધુનીકતાનો સમન્વય થાય  જયારે ચોબારીના બાળકોને  બેસવા  માટે ઓરડો પણ નથી શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ એટલી જ છે. ચોબારીના  બાળકો હવે  કોની પાસે ઘા નાંખે?સબંધીત તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી લોક માંગ   પ્રબળ બની છે.  

Panchang

dd