ગાંધીધામ, તા. 13 : શહેરમાં એક વેપારીને મુંબઇમાં
પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ
આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના કેસમાં
ફસાવવાની ધમકી આપી એક મહિલા સહિત ત્રણ લોકોએ રૂા. 16,50,000ની છેતરપિંડી કરી હતી. શહેરના
સેક્ટર-3માં રહેતા તેમજ ગઢવી લોજિસ્ટિક નામે ટ્રાન્સપોર્ટ
અને રાજ ઇન્ડસ્ટ્રીઝ નામે મીઠાંનો વેપાર કરતા જગદીશ ભગવાનજી અયાચી (ગઢવી)એ આ બનાવ અંગે
બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક-દોઢ વર્ષ પહેલાં ફાર્મહાઉસમાં ફરિયાદીનો
ભેટો આરોપી એવા બન્ટી ઉર્ફે જગજિતસિંઘ ઉર્ફે રોકી સાથે થયો હતો. બાદમાં બંને બે-ત્રણ
વખત મળતાં, મોબાઇલ નંબરની આપલે થઇ
હતી. દરમ્યાન આરોપીએ મુંબઇ ખાતે ડી.જે.નો પ્રોગ્રામ છે, જેમાં
મને ત્રણ-ચાર લાખ મળશે પણ અત્યારે બે લાખની જરૂરિયાત છે તેમ કહી ઉછીના પૈસા માગ્યા
હતા. ફરિયાદીએ હા પાડતાં આરોપીએ સાહિલ મિરચંદાણીના નંબર આપી વાત કરાવી હતી. આ શખ્સનાં
ખાતાંમાં ભોગ બનનારે રૂા. બે લાખ મોકલ્યા હતા. પછી સાહિલે ફોન કરી હું અને જગજિતસિંઘ
મુંબઇ ખાતે પાર્ટીમાં હતા ત્યારે પોલીસે દરોડો પાડયો છે અને જગજિતના મોબાઇલમાં તારો
ફોટો છે. તેને પોલીસ લઇ ગઇ છે. તને મુંબઇ પોલીસ મથકે આવવું પડશે અથવા પૈસા આપવા પડશે.
પોલીસની બીકના કારણે ફરિયાદીએ ફરીથી સાહિલના ખાતાંમાં અઢી લાખ મોકલાવ્યા હતા. ફરિયાદીએ
બાદમાં પૈસા પરત માગતાં બંનેએ બહાના કર્યા હતા અને નાયરા બેનર્જી નામની અભિનેત્રી જે
મોટી સેલિબ્રિટી છે, મને ડી.જે.નો પ્રોગ્રામ આપવાની છે. 3 લાખ માગે છે, એના નંબર મોકલું છું વાત કરી લેજો તેમ કહ્યું
હતું. બાદમાં આ મહિલાએ ફોન કરી હું અને ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી તમારાં ઘરે આવશું.
હોટેલ, પ્લેનના ખર્ચના પૈસાની માંગ કરી હતી. ફરિયાદીએ અંતે 3 લાખ આ મહિલાના ખાતામાં મોકલી આપ્યા હતા, પણ નોરા ફતેહી કે નાયરા ફરિયાદીનાં ઘરે આવ્યાં
નહોતાં. દરમ્યાન જગજિતે ફોન કરી હું નાયરા પાસે તમારા પૈસા લેવા જતાં તેણે પોલીસ બોલાવી
મારા પર પોલીસ કેસ કર્યો હોવાની અને પોલીસ પૈસા માગતી હોવાનું કહેતાં ફરિયાદીએ અઢી
લાખ તેને મોકલી આપ્યા હતા. બાદમાં વકીલ, પોલીસ સાથે નાયરાનાં
ઘરે પૈસા લેવા જતાં તે દવાખાનાંમાં દાખલ થઇ ગયેલ છે અને કેસ કરવાની છે અને રૂા. 4,50,000 માગે છે તેમ કહેતાં ફરિયાદી
વેપારીએ રૂા. 3,50,000 ટ્રાન્સફર કર્યા હતા. તે બાદ
પણ વેપારી પાસેથી પૈસા પડાવવાનું ચાલુ રહ્યું હતું. જગજિતે તેમને ફોન કરી મારા દિલ્હીવાળાં
ઘરે જગદીશ અયાચીનાં નામનું પાર્સલ આવ્યું છે તેમાં ડ્રગ્સ મળ્યું છે. પોલીસ કેસ ન થવા
દેવા માટે ફરિયાદી પાસેથી ફરીથી પૈસા માગવામાં આવ્યા હતા. આ ભોગ બનનારે જગજિત, સાહિલ અને નાયરા સામે રૂા. 16,50,000ની છતરપિંડી, વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.