• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

અમેરિકાના પ્રસ્તાવિત વેપાર કરારમાં ભારતને રાહત

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે.  આખરી કરાર પર સહી થાય તે પહેલાં તેની સામે ઊભા થઈ રહેલા સવાલોના જવાબ પ્રસ્તાવિત કરારની વિગતોમાં અમેરિકા દ્વારા કરાયેલા સુધારાથી મળી રહ્યા છે.  આવા કરાર સમયે દેશના કૃષિ ક્ષેત્રના હિતોનાં જતન અંગે વ્યક્ત થતી ચિંતા અમેરિકા સાથેની આ સમજૂતીની સામે પણ થઈ રહી હતી. ખાસ તો ભારતમાં આયાત માટે અમુક દાળો સહિતની અમેરિકન વસ્તુઓને ડયૂટીમુક્ત કરવાની હકીકતો સામે આવી હતી તેમાં અમેરિકાએ પોતે સુધારો કરીને આશંકાને દૂર કરી છે. અમેરિકાએ આ વેપાર કરાર સંદર્ભે મંગળવારે એક ફેકટ શીટ એટલે કે તથ્યપત્ર જાહેર કરીને કરારના મુદ્દામાં મોટા ફેરફાર અંકિત કર્યા છે. અમેરિકાએ આ કરારના મુસદ્દામાં શબ્દોનો ફેરફાર કરીને તેની સામેની આશંકા દૂર કરી છે. સ્વાભાવિક રીતે જ ભારતની માટે આ બદલાવ રાહતરૂપ બની રહેશે એ વાત નક્કી છે.  સુધારેલાં સંસ્કરણમાં અમેરિકન કૃષિ ઉત્પાદનો અને તેમાં પણ ખાસ તો દાળોને વેરામુક્ત  કરવાની યાદીમાંથી હટાવીને ભારતના કૃષિ ક્ષેત્રની આશંકા દૂર થઈ છે.  હવે આ ક્ષેત્રમાં અમેરિકા ભારતની સામે સ્પર્ધા અને પડકાર ઊભા કરશે નહીં એમ માની શકાય તેમ છે.  આ ઉપરાંત સમજૂતીમાં ભારતે અમેરિકા પાસેથી પ00 અબજ ડોલરના મૂલ્યનાં ઉત્પાદનો ખરીદવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હોવાના ઉલ્લેખમાં હવે વચનબદ્ધતાને બદલે ઈરાદાના શબ્દનો ઉપયોગ ફેક્ટ શીટમાં કરાયો છે.  સ્પષ્ટ છે કે, ભારતે હવે પ00 અબજ ડોલરની કિંમતનાં અમેરિકન ઉત્પદનો ફરજિયાત રીતે ખરીદવાના રહેશ નહીં. અમેરિકાના આ બન્ને ફેરફાર ભારત માટે રાહતના શ્વાસ સમાન છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લદાયેલા પ0 ટકાના ટેરિફને લીધે ખટાશ આવી ગઈ હતી.  હવે આ ટેરિફ ઘટાડીને18 ટકા કરવાના નિર્ણયે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી અટવાયેલા વેપાર કરારનો માર્ગ મોકળો બન્યો છે, પણ મોદી સરકારની સામે સતત સવાલો કરતા રહેતા વિરોધપક્ષોએ આ કરારની સામે પણ રાબેતા મુજબ ભારતના કૃષિ ક્ષેત્રના હિતો જોખમાયા હોવાનો આરોપ મૂક્યો હતો. કિસાનોએ પણ ચિંતા વ્યકત કરી હતી., પણ મંગળવારે અમેરિકાએ ફેક્ટ શીટ જાહેર કરીને કરારના મુસદ્દાના શબ્દોમાં ફેરફાર કરીને એકઝાટકે આ સમજૂતીને ભારત માટે ફાયદાકારક બનાવી આપી છે.  આમ તો તાજેતરના સમયમાં ભારતે ઓસ્ટ્રેલિયા અને તે પછી યુરોપના દેશો સાથે આવા વેપાર કરાર કરીને આયાતમાં સારી એવી છૂટછાટ આપી છે. આ કરારોમાં ભારતના ગ્રામીણ અર્થતત્રનાં જતનનો ખ્યાલ રખાયો છે, પણ ઓટોમોબાઈલ કે દારૂ જેવાં ઉત્પાદનો પરની ડ્યૂટી ઘટાડીને ઘરઆંગણાનાં આ ક્ષેત્રોની સામે સ્પર્ધાનો પડકાર ઊભો કર્યો છે. જો કે, અમેરિકા સહિતના આ કરારોમાં ભારતીય ઉત્પદનોની સામેની ડયૂટી ધરખમ ઘટાડાઈ હોવાથી સ્વદેશી ઉત્પદકોને નિકાસ માટે નવી તકો મળશે એ પણ સ્પષ્ટ છે.   અમેરિકાએ ભારત સાથેના વેપારને ફરી પાટે ચડાવવા ખેરખર ઈમાનદારી સાથે પહેલ આદરી હોવાનું તેના હાલના વલણ પરથી જણાઈ આવે છે.  શક્ય છે કે પ્રસ્તાવિત કરાર માટેની મંત્રણાઓ વધુ હકારાત્મક બનશે.  બાકી ટ્રમ્પ આ કરારની ઉપર સહી થાય ત્યાં સુધી પોતાના આ હકારાત્મક વલણને જાળવી રાખે છે કે નહીં એના પર બધો મદાર રહેશે.   

Panchang

dd