• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

વેચવાલીના વમળમાં શેરબજાર : સાત લાખ કરોડ ડૂબ્યા

મુંબઇ, તા. 13 : વૈશ્વિક શેરબજારોમાં ડામાડોળ સ્થિતિને પગલે ઘરઆંગણે ખાસ કરીને મેટલ, આઇટી અને કોમોડિટી શેરોમાં ભારે વેચવાલીથી શેરબજાર એક ટકાથી વધુ ગગડયાં હતાં. મુંબઇ શેરબજારનો 30 શેર આધારિત સેન્સેક્સ 1048.16 અંક તૂટી પડતાં રોકાણકારોની મૂડીમાંથી 7.02 લાખ કરોડનું ધોવાણ થયું હતું. 50 શેરનો નિફટી પણ 336.10 અંક તૂટયો હતો. બીએસઇમાં ચોમેર ધોવાણ છતાં મિડકેપ 1538.46 અને સ્મોલ કેપ 2193.43 અંક વધ્યા હતા. ઉતાર-ચડાવભર્યા સત્ર દરમ્યાન સેન્સેક્સ 1.25 ટકા અથવા 1048.16 અંક ગગડીને 82626.76 બંધ આવ્યો હતો. સત્ર દરમ્યાન એક તબક્કે 1140.37 અંક જેટલો તૂટીને 82534.55ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બીએસઇ પર માર્કેટ કેપ 472.48 લાખ કરોડમાંથી 7.02 લાખ કરોડ તૂટી 465.46 લાખ કરોડ રહ્યું હતું. શુક્રવારે ઘટાડાનો રેલો આઇટી શેરોની સાથે-સાથે અન્ય જાતોમાં પણ પ્રસરતાં બજારમાં ઘટાડો અટકવાનું નામ લેતો નથી. રોકાણકારોની મૂડીમાં બે દિવસમાં રૂા. દસ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. સેન્સેક્સ 1048 પોઇન્ટ્સના ગાબડાંએ સવા ટકો તૂટીને 82,626 પર આવી ગયો હતો. નિફ્ટી પણ 1.30  ટકા ઘટીને 25,471 બંધ હતો. આઇટી  ઇન્ડેક્સ તો શુક્રવારના પોણા બે ટકાના ઘટાડા સહિત એક સપ્તાહમાં આઠ ટકા તૂટીને 32,681 થયો હતો. એક મહિનામાં આ ઇન્ડેક્સ 14.53 ટકા અને એક વર્ષમાં 20.90 ટકા નીચે આવી ગયો છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલી ચાલુ જ હતી. નિફટીમાં પાંચ ટ્રાડિંગ સત્રોમાં લગભગ તમામ સેક્ટરોમાં-કરેક્શન વ્યાપી જતાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ રૂા. 3 લાખ કરોડનું ધોવાણ થયું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં ભારત ફ્રાન્સ વચ્ચે રફાલનો સોદો આગળ વધવાની હૂંફે ભાવ સવા ટકો વધીને રૂા. 4212ના સ્તરે વિરમ્યો હતો. બીએસઈના 4364 (4368)  ટ્રેડેડ શેરોમાંથી 1253 (1634)ના  ભાવમાં સુધારો, 2960 (2582)માં ઘટાડો અને 151 (152)માં યથાવત્ સ્થિતિ હતી. એનએસઈમાં કુલ 3248 (3256)માંથી 762 (1151) એડવાન્સિંગ, 2387 (2007) ડિક્લાઇનિંગ અને 99 (98)  શેરો અનચેન્જ્ડ હતા.   

Panchang

dd