ભુજ, તા. 13 : શહેરમાં ભૂતનાથ સેવા સંસ્થાન
ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ સમાજ સતત 12 વર્ષથી આયોજિત મહાશિવરાત્રિની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ
અપાઈ રહ્યો છે. રવિવારે સવારે 9 વાગ્યે શહેરના
પાળેશ્વર ચોક સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી નીકળનારી શોભાયાત્રાને ભુજ સ્વામિનારાયણ
નૂતન મંદિરના સંતો, માધાપરના આર્ષ
અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સરસ્વતીજી તેમજ અન્યો સંતો-મહંતો, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય-સામાજિક આગેવાનો દ્વારા પ્રસ્થાન
કરાવાશે. આ શોભાયાત્રા દરવર્ષની જેમ પાળેશ્વર ચોકથી મહાદેવ ગેટ, નવા સ્વામિનારાયણ મંદિર રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડ,
કચ્છમિત્ર સર્કલ, વાણિયાવાડ, બસ સ્ટેશન થઈ હમીરસર તળાવ મહાદેવ નાકે પરત આવી સંપન્ન થશે, જેમાં વિવિધ સમાજ દ્વારા શિવ-પાવર્તીના ફ્લોટ, ડીજે સહિતના
ગ્રુપ દ્વારા હર હર મહાદેવના નારા સાથે આ શોભાયાત્રાનું આકર્ષણ બનશે. મહાશિવરાત્રિ
પર્વને અનુલક્ષીને શહેરના વિવિધ સર્કલ, માર્ગોના ડિવાઈડર,
લાઈટ પોલ કેસરી ધ્વજથી સજાવટથી શહેર શિવમય બન્યું છે. શોભાયાત્રા દરમ્યાન
વિવિધ સંસ્થાઓ, સમાજો દ્વારા ઠંડાપીણા, આઈસક્રીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોભાયાત્રાના સમાપન બાદ મહાદેવ
નાકે રામધૂન પાસે દરેક શહેરીજનો માટે મહાપ્રસાદ (ફળાહાર)ની વ્યવસ્થા કરવામાં આવી છે,
જેમાં વિવિધ દાતાઓનો સહયોગ પ્રાપ્ત
થયો છે. આ શોભાયાત્રાનાં આયોજન અર્થે ભૂતનાથ સેવા સંસ્થાન અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા
ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે 15 દિવસ અગાઉથી કાર્યાલય ખુલ્લું મુકાયું છે, જેમાં વિવિધ સમાજના આગેવાનો, દાતાઓ, મહિલા-યુવક મંડળો, કાર્યકરો
તન-મન અને ધનથી સેવા આપી રહ્યા છે.