નવી દિલ્હી, તા. 13 : પાડોશી દેશ
બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી
(બીએનપી)ને ભારે બહુમતી મળી છે. કુલ 299માંથી 200થી વધારે
બેઠક ઉપર જીત મેળવી છે. આ પરિણામથી સ્પષ્ટ છે કે,
તારિક રહેમાન હવે બાંગલાદેશના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ પૂર્વ
વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર છે. આ રાજકીય બદલાવની અસર માત્ર બાંગલાદેશ સુધી જ સીમિત
રહેશે નહીં, પાડોશી ભારત અને પ્રાદેશિક ભૂ રાજનીતિ ઉપર પણ તેની
અસર જોવા મળી શકે છે. ભારતે ચૂંટણી પરિણામ આવે તે પહેલાં જ બાંગલાદેશના નવા નેતૃત્વને
અભિનંદન આપીને સંકેત આપ્યો હતો કે, ભારત સંબંધોને ફરીથી મજબૂત
કરવા માગે છે. આ પ્રક્રિયા એટલે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, પૂર્વ પીએમ શેખ હસીનાના સત્તામાંથી દૂર થવા બાદથી બન્ને દેશ વચ્ચેના સંબંધમાં
કડવાશ આવી છે. ભારતની નજરમાં બીએનપી કટ્ટરવાદી વિચારધારા ધરાવતી જમાત એ ઈસ્લામીની સરખામણીએ
વધારે લોકતાંત્રિક વિકલ્પ માનવામાં આવે છે. ઝિયાની પાર્ટીનું વલણ ભૂતકાળમાં ભારત વિરોધી
રહ્યું છે, પણ હાલ સમીકરણો થોડા બદલાયા છે. પાડોશી દેશમાં નેતૃત્વ
સંભાળવા જતી પાર્ટીએ `બાંગલાદેશ
ફર્સ્ટ'ની નીતિની વાત કરી છે. જે ઘણા અંશે ટ્રમ્પની
અમેરિકા ફર્સ્ટની નીતિ જેવી જ છે. એટલે કે, બાંગલાદેશની પાર્ટી
ભારત, ચીન અને પાકિસ્તાન ત્રણેય સાથે સંતુલિત સંબંધ બનાવવાની
કોશિશ કરી શકે છે. જે ભારત માટે રાહતની વાત બની શકે છે. વધુમાં યુનુસ સરકારમાં ચીન
અને પાકિસ્તાન સાથે બાંગલાદેશની નજીકતા વધી રહી હોવાથી નવી નીતિ મહત્ત્વપૂર્ણ માની
શકાય તેમ છે. ભારત અને બાંગલાદેશ વચ્ચે અંદાજિત 4000 કિમી લાંબી સરહદ, વેપાર, વીજ આપૂર્તિ અને
કનેક્ટિવિટી જેવા મજબૂત સંબંધ છે. આ માટે બન્ને દેશ વચ્ચે સહયોગ જરૂરી માનવામાં આવે છે.