નખત્રાણા, તા. 13 : આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા નુસખા અપનાવીને નિર્દોષ લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે, તાજેતરમાં નખત્રાણા તાલુકાનાં નાના અંગિયા ગામના એક મોબાઈલધારકને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુવાનની સમયસૂચકતા અને જાગૃતિને કારણે ઠગબાજો ફાવી શક્યા ન હતા. નાના અંગિયા ગામના એક મલબાઈલધારકને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, ફોન કરનારે પોતાની ઓળખ `નવી દિલ્હી ટેલિકોમ ઓથોરિટી'ના કર્મચારી તરીકે આપી હતી અને ખૂબ જ મીઠી અને પ્રોફેશનલ ભાષામાં વાત કરી ભોળપણનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ઠગબાજોએ ડરાવવાની ટેકનિક અપનાવતા જણાવ્યું કે, `તમારાં આધારકાર્ડ પર મુંબઈમાં અન્ય સિમકાર્ડ ઇસ્યૂ થયેલાં છે, જેનો ઉપયોગ સંદિગ્ધ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે.' ગભરાટ ફેલાવવા માટે ફોન કરનારે કાયદાકીય કાર્યવાહી અને ગંભીર સજાની ધમકી આપી હતી અને ત્યારબાદ `ઉપલી કક્ષાના અધિકારી' સાથે વાત કરાવવાનું કહી છેલ્લે ક્રાઈમ બ્રાન્ચનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોબાઈલધારક આ મીઠી વાતોમાં ફસાયા વિના સ્વસ્થ રહ્યા હતા. જ્યારે સાયબર ઠગોએ દબાણ વધાર્યું, ત્યારે નાગરિકે સ્પષ્ટ જણાવી દીધું કે, `આ બાબતે હું જાતે જ સંબંધિત સરકારી વિભાગનો સંપર્ક કરીશ.' આટલું સાંભળતા જ ઠગબાજોનો હેતુ નિષ્ફળ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ જાગૃત નાગરિક દ્વારા પોલીસ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ટેલિકોમ ઓથોરિટી દ્વારા ક્યારેય આ રીતે ફોન પર સીમકાર્ડ બ્લોક કરવામાં આવતું નથી અને પોલીસ પ્રજાનો મિત્ર છે અને હરહંમેશ પડખે અને સાથે છે. જો આવા કોઈ શંકાસ્પદ ફોન કોલ્સ આવે, તો ગભરાયા વગર તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930નો સંપર્ક કરી જાણકારી આપવી અથવા ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી.