• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સત્તા નહીં, સેવાનો ભાવ છે : વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન કાર્યાલયનું સરનામું શુક્રવારથી બદલી ગયું છે. નવી પીએમઓ `સેવાતીર્થ'નું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઈમારતો બ્રિટિશ શાસનનું   પ્રતીક હતી. ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી હતું. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કર્તવ્ય ભવન-1 તેમજ 2 (કેબિનેટ સચિવાલય) સમાવતાં `સેવાતીર્થ' પરિસરનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન બોલ્યા હતા કે, અહીં સત્તા નહીં, સેવાનો ભાવ જોવા મળશે. દેશની જનતાએ 2014માં ફેંસલો કરી લીધો હતો કે ગુલામીની માનસિકતા હવે નહીં ચાલેવિકસિત ભારતની વિચારધારા માત્રા યોજનામાં નહીં પરંતુ કામ કરવાનાં સ્થળોમાં પણ દેખાવી જોઈએ તેવું મોદી 1189 કરોડના ખર્ચે નિર્મિત સેવાતીર્થ પરથી પહેલાં સંબોધનમાં બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યુંy હતું કે, અનેક મંત્રાલયો અલગ-અલગ 50 સ્થળો પરથી ચાલતાં હતાં. દર વર્ષે લગભગ 1500 કરોડ રૂપિયા ભાડામાં ખર્ચાઈ જતા હતા. બધા મંત્રાલય એક જ જગ્યાએ હોવાથી ખર્ચ-સમય બચી જશે. સેવાતીર્થ તેમજ કર્તવ્ય ભવન-1 અને 2નું પણ  ઉદઘાટન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, શાસનનું કેન્દ્ર હવે નાગરિકો છે. સેવાતીર્થમાં સત્તા નહીં સેવા દેખાવી જોઈએ. અહીંથી લેવાયેલો દરેક ફેંસલો 140 કરોડ લોકોનાં જીવનને બહેતર બનાવવા માટે હોવો જોઈએ તેવું તેમણે કહ્યુંy હતું. દેશના કરોડો લોકો ગરીબી- ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી શકે તે માટે સેવાતીર્થનું લક્ષ્ય લોકોની સેવા કરીને દેશને આગળ વધારવાનું છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. 2047 સુધી વિકસિત ભારત એ માત્ર લક્ષ્ય નથી, પરંતુ લોકોનું વચન છે. દરેક નીતિ સેવાભાવના સાથે જોડાયેલી હોવી જોઈએ. સેવાતીર્થમાં અધિકાર નહીં, જવાબદારી બતાવવાનો ભાવ હશે તેવું મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, અમે અહીં અધિકાર બતાવવા નથી આવ્યા, પરંતુ જવાબદારી નિભાવવા આવ્યા છીએ, જ્યારે શાસન સેવાભાવથી ચાલે છે, ત્યારે પરિણામો અસાધારણ હોય છે. અંતમાં પીએમ મોદીએ મહાત્મા ગાંધીની ભાવનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કર્તવ્યનાં પાયા ઉપર જ અધિકારની ભવ્ય ઇમારત ઊભી થાય છે, જ્યારે આપણે પોતાનું કર્તવ્ય નિભાવીએ છીએ, ત્યારે મોટીથી મોટી પડકારોનો સામનો કરી તેને હલ કરી શકીએ છીએ. આપણા બંધારણ નિર્માતાઓએ પણ કર્તવ્ય પર વિશેષ ભાર મૂક્યો છે. કરોડો દેશવાસીઓના સપનાઓ સાકાર કરવાનો આધાર કર્તવ્ય  જ છે. - `સેવાતીર્થ'માંથી મોદીના પ્રથમ ફેંસલાનાં કેન્દ્રમાં યુવાનો, કિસાનો : નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સેવાતીર્થમાં બેસતાંની સાથે જ પહેલા ફેંસલામાં મહિલાઓ, યુવાનો માટે લાભકારી યોજનાઓની ફાઇલો પર હસ્તાક્ષર કર્યા હતા. `સેવાતીર્થ'નું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પહેલા નિર્ણયમાં પીએમ રાહત યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનાર લોકોને દોઢ લાખ રૂપિયા સુધી `કેશલેસ' એટલે કે, મફત સારવાર મળશે. એ સિવાય લખપતિ દીદીની સંખ્યા હવે માર્ચ-2029 સુધીમાં બમણી એટલે કે છ કરોડ કરવાના લક્ષ્ય સંબંધિત ફાઇલો પર હસ્તાક્ષર કર્યા હતા. કિસાન હિતના  અન્ય નિર્ણયમાં મોદીએ કૃષિ અવસંચના કોષની રકમ વધારીને એક લાખ કરોડમાંથી બે લાખ કરોડ કરવાને મંજૂરી આપી હતી. સાથોસાથ સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળ વધારીને 10 હજાર કરોડ કરવાની ફાઇલ પર પણ મોદીએ મંજૂરીની મહોર મારી હતી. પહેલાં `સેવાતીર્થ'નું નામ `એક્ઝિક્યુટિવ એન્કલેવ' રખાયું હતું. આ સમગ્ર પરિસર 1189 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે. `સેવાતીર્થ' પરિસર પાંચ એકર ભૂભાગ પર ફેલાયું છે; જેની બાજુમાં જ વડાપ્રધાન માટે નવો આવાસ પણ બની રહ્યો છે. 

Panchang

dd